તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:વડોદરામાં સગર્ભા મહિલાનું પ્રસુતિ દરમિયાન મૃત્યુ થતાં પરિવારનો હોસ્પિટલમાં હોબળો, યોગ્ય સારવારના અભાવે મૃત્યુ થયાનો આક્ષેપ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રસુતાનું મૃત્યુ થતાં પરિવારજનોનો હોબાળો - Divya Bhaskar
પ્રસુતાનું મૃત્યુ થતાં પરિવારજનોનો હોબાળો
  • બીના ગોપાલ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં મહિલાને ડિલિવરી દરમિયાન રક્તસ્ત્રાવ થતાં સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ
  • સયાજી હોસ્પિટલમાં દાખલ ન કરાતા ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયા બાદ મહિલાનું મૃત્યુ થયું
  • તબીબ કહે છે કે, ડિલિવરી દરમિયાન બ્લજ અને વેન્ટિલેટરના અભાવે મહિલાનું મૃત્યુ થયું

વડોદરા નજીક આવેલા શેરખી ગામની પ્રસુતાનું ગોત્રી હોસ્પિટલમાં મોત નીપજતા પરિવારજનોએ કોયલી ગામ સ્થિત બીના ગોપાલ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં જઇને હોબાળો મચાવ્યો હતો. પ્રસુતાની બીના ગોપાલ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન તબિયત બગડતા તેઓને ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. મહિલાની ડિલિવરી કરાવનાર હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે, મહિલાની ડિલિવરી દરમિયાન પરિવારજનો સમયસર બ્લડની વ્યવસ્થા કરી ન શકતા અને ત્યારબાદ મહિલાને સમયસર વેન્ટિલેટરની સુવિધા ન મળતા મોત નીપજ્યું છે.

ડિલિવરી દરમિયાન રક્તસ્ત્રાવ વધુ થતાં તબિયત બગડી
વડોદરા નજીક આવેલા શેરખી ગામના રહેવાસી શિલ્પાબહેન વિક્રમસિંહ પરમારની સારવાર કોયલી ગામ ખાતે આવેલી બીના ગોપાલ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં ચાલતી હતી. બુધવારે તેઓને હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની ડિલિવરી દરમિયાન રક્તસ્ત્રાવ વધુ થતાં તબિયત બગડી હતી. તેઓને વેન્ટિલેટરની જરૂર હોવાથી હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓને કોઇક કારણસર દાખલ કરવામાં ન આવતા ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. શિલ્પાબહેનનું મોત નીપજતાં પરિવારજનો સામાજિક કાર્યકર લખન દરબાર સાથે ડિલિવરી કરનાર હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને હોસ્પિટલના તબીબો ઉપર યોગ્ય સારવારના અભાવે શિલ્પાબહેનનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મૂકીને હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલ ખાતે હોબાળો મચતા પોલીસ પણ દોડી આવી હતી. અને મામલો થાળે પાડ્યો હતો. જોકે, આ બનાવ અંગે પોલીસ ફરિયાદ થઇ નથી.

સયાજી હોસ્પિટલમાં મહિલાને દાખલ ન કરાતા ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાઇ
શિલ્પાબહેન પરમારના પરિવારજનો દ્વારા મૂકાયેલા આક્ષેપ અંગે બીના ગોપાલ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. ધવલ પરીખે જણાવ્યું હતું કે, પ્રસુતા શિલ્પાબહેનનું ત્રીજુ સિઝર હતું. ત્રીજુ સિઝર ક્રિટીકલ હોય છે. પરિવારને અગાઉથી ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, 6 યુનિટ બ્લડની તૈયારી રાખજો. ડિલિવરી દરમિયાન રક્તસ્ત્રાવ વધુ થતું હોય છે. પરિવારજનોએ બ્લડની વ્યવસ્થા કરી, ત્યારે બહુ મોડુ થઇ ગયું હતું. તેમ છતાં મહિલાની સિઝર ડિલિવરી કરવામાં આવી હતી, પરંતુ, વધુ રક્તસ્ત્રાવ થવાને કારણે તેઓને વેન્ટિલેટર આપવું જરૂરી હતું. જેથી હું અને બીજા ડોક્ટર તુરંત જ મહિલાને એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં કોરોનાની સ્થિતિના કારણે દાખલ ન કરાતા બે કલાક જેવો સમય થઇ ગયો હતો. બાદમાં તેઓને ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયા હતા. આમ વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ થાય ત્યાં સુધી સાડા ત્રણ કલાક જેટલો સમય પસાર થઇ ગયો હતો.

વેન્ટિલેટર અને બ્લડના અભાવે મહિલાનું મૃત્યુ થયું
આમ મહિલાને ડિલિવરી સમયે સમયસર બ્લડ ન મળતા અને તે બાદ સમયસર વેન્ટીલેટરની સુવિધા ઉપલબ્ધ ન થતાં તેઓનું મોત નીપજ્યું છે. વધુમાં ડો. ધવલ પરીખે જણાવ્યું કે, શિલ્પાબહેન અવારનવાર તપાસ માટે આવતા હતા, ત્યારે તેઓના પરિવારને જણાવ્યું હતું કે, શિલ્પાબહેનનું બાળક સિઝર કરીને જ લેવું પડશે. ત્રીજુ સિઝર ક્રિટીકલ હતું. પરિવારે તે અંગે તૈયારી પણ બતાવી હતી. ત્યારબાદ જ શિલ્પાબહેનની ડિલિવરી કરાવવામાં આવી હતી. કોઇ હોસ્પિટલ દર્દી મરી જાય તે ઇચ્છતું નથી.

અન્ય સમાચારો પણ છે...