માતૃ શક્તિ:કોરોનાના કહેરમાં 40 યોગ ટ્રેનર તૈયાર કરતા સગર્ભા કોચ, સરકારે બેસ્ટ યોગા કોચ તરીકે બિરદાવ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરામાં બીજી લહેર દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે સગર્ભાવસ્થા દરમ્યાન ડો. પ્રિયંકા ઘોષે 40 જેટલા યોગા ટ્રેનર તૈયાર કરી શહેરના 54 વિસ્તારના 1050થી વધુ લોકોને યોગ કરવી કોરોના સામે મજબૂત બનાવ્યા હતા. લોકોને યોગ દ્વારા સહીસલામત રાખવાના ઉદ્દેશથી સેવા આપતા 9 મહિનાના સગર્ભા ડો. પ્રિયંકા ઘોષને સરકારે બેસ્ટ કોચ વડોદરાથી સન્માનિત કર્યા છે.

પ્રિયંકા ઘોષની તસવીર
પ્રિયંકા ઘોષની તસવીર

ડો. પ્રિયંકા ઘોષે ઉતરાખંડથી નેચરોથેરાપીનો અભ્યાસ કર્યો છે અને વડોદરામાં છેલ્લા 9 વર્ષથી યોગ સાથે સંકળાયેલા છે. કોરોનાની પહેલી લહેરમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ હેઠળ તેઓએ ટ્રેનર તરીકે વડોદરાની આસપાસ અલગ અલગ 12 ગામોમાં જઈ 650થી લોકોને યોગ કરાવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેવા બદલ તેમને બોર્ડ દ્વારા બેસ્ટ ટ્રેનર તરીકે સન્માનિત કરાયા હતા. આ વર્ષે બીજી લહેર પહેલા તેઓ સગર્ભા બન્યા હતા.

પોતાની સાથે ગર્ભમાં ઉછરતા બાળકની કાળજી રાખવી ખૂબ જરૂરી હતી. પરંતુ યોગ પરના અતૂટ વિશ્વાસના કારણે તેઓએ ગર્ભાવસ્થા દરમ્યાન 40 જેટલા ટ્રેનરને તૈયાર કર્યા હતા. આ તૈયાર થયેલા ટ્રેનર અને તેઓએ શહેરના 54 વિસ્તારમાં 1050 જેટલા લોકોને દર મહિને યોગ કરાવી સ્વસ્થ રાખ્યાં હતાં. આ સેવા માટે 21મી જૂને ડો. પ્રિયંકા ઘોષને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા બેસ્ટ કોચ વડોદરા તરીકે બિરદાવ્યા હતા.

15 સગર્ભાઓને ઓફલાઇન યોગની તાલીમ આપી રહ્યાં છે
ડો. પ્રિયંકા હાલમાં 9 મહિનાના સગર્ભા છે. જોકે તેમ છતાં તેઓ સતત યોગ કરે છે. તેઓ આટલેથી જ રોકાયા નથી. તેમની સાથે બીજી 15 જેટલી સગર્ભા મહિલાઓને પણ આ સમયમાં ક્યા યોગ કરવા, શું કાળજી રાખવી તે અંગેની તાલીમ અને માર્ગદર્શન આપે છે. સાથે તેઓ હાલમાં દર રવિવારે બાળકોને ઓનલાઈન બ્રેઇન યોગની ટિપ્સ આપે છે. જેમા તેઓની સાથે 150 બાળકો ઓનલાઇન જોડાય છે.

અન્ય સમાચારો પણ છે...