તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઈની ચર્ચા:વડોદરામાં ભર ચોમાસે પ્રિ-મોન્સૂનની કામગીરી, સાંસદે પોલ ખોલતા અધિકારીઓ સાથે પદાધિકારીઓ દોડી ગયા

વડોદરા17 દિવસ પહેલા
ચોમાસા દરમિયાન તંત્ર દ્વારા નદીની સફાઈ શરૂ કરાવવામાં આવી છે.
  • વિશ્વામિત્રી નદીના પટમાં ઝાડી ઝાંખરા સાફ કરાવવાની કામગીરી આરંભાઈ

વડોદરા પાલિકામાં ઉલટી ગંગા વહી રહી છે. ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રિ મોન્સૂનની કામગીરી પાલિકાને હવે ચોમસા સમયે કરવાની યાદ આવી છે. ચોમાસામાં રોડ રસ્તા પર પાણી ન ભરાય તે માટે પ્રિ મોન્સૂન કામગીરીમાં નદી, નાળા, વરસાદી કાંસ અને ડ્રેનેજની સફાઈ કરવામાં આવે છે. પરંતુ પાલિકાએ આ કામગીરી ચોમાસામાં કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે. જે શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં સાંસદ રંજનબેન ભટ્ટે કોર્પોરેશનની પોલ ખોલી હતી.જેથી આજે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વિશ્વામિત્રી નદીમાં જામેલા ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

અધિકારીઓ અને પદાધિકારીઓએ આજથી સફાઈના શ્રીગણેશ કરાવ્યાં હતાં.
અધિકારીઓ અને પદાધિકારીઓએ આજથી સફાઈના શ્રીગણેશ કરાવ્યાં હતાં.

સફાઈની શરૂઆત કરાવાઈ
ભીમનાથ બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટની બંને બાજુ અસંખ્ય ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે, નદીમાં ડેબ્રીજનો કચરો પણ છે, ખૂબ જ ગંદકી છે. જેની સાફ સફાઈની શરૂઆત મેયર, મ્યુનિસિપલ કમિશનર, રાજ્ય મંત્રી સહિતના લોકોએ આજે કરાવી હતી. જેમાં વનવિભાગ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ની ટીમ પણ સાથે જોડાઈ હતી.મહત્વની વાત છે કે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ડ્રેનેજના પાણી છોડવામાં આવે છે, જેને પાલિકા બંધ કરાવી શક્યું નથી. ત્યારે ચોમાસા સમયે નદીના પટની આસપાસ ઊગી નીકળેલા ઝાડી ઝાંખરાને સાફ કરાવી પાલિકા શું દેખાડો કરે છે કે રૂપિયાનું પાણી કરે છે તે સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.

નદીમાં જામેલા ઝાડી-ઝાંખરા હટાવવાનું આજથી શરૂ કરાયું છે.
નદીમાં જામેલા ઝાડી-ઝાંખરા હટાવવાનું આજથી શરૂ કરાયું છે.

12 વર્ષ બાદ સફાઈ
કામગીરી સમયે મેયર કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર નંદા જોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રી યોગેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, તમામ મહામંત્રીઓ, ધારાસભ્ય સીમાબેન મોહિલે સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.મેયર કેયુર રોકડીયા કહે છે કે, 12 વર્ષ બાદ વિશ્વામિત્રી નદીની સફાઈ શરૂ કરાવી છે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ તમામ વિભાગોને સાથે રાખી વિશ્વામિત્રી નદીની સાફ સફાઈની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ કહે છે કે, વિશ્વામિત્રી નદીના સફાઈ અભિયાનની શરૂઆત કરી છે, ચોમાસા બાદ પણ આ અભિયાન ચાલુ રહેશે.

સફાઈ કામ માટે મેયરથી લઈને તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ દોડી ગયાં હતાં.
સફાઈ કામ માટે મેયરથી લઈને તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ દોડી ગયાં હતાં.

કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ ગંદકી
મહત્વની વાત છે કે, પાલિકાએ અત્યારસુધી વિશ્વામિત્રી નદીની સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી દીધો છે, પણ આજદિન સુધી નદીની સફાઈ થઈ શકી નથી, પણ નદી વધુ ગંદી બની છે, ત્યારે આ વખતે પણ પાલિકાએ ફરી એકવાર નદીના સફાઈ અભિયાનની શરૂઆત કરી છે, તો શું નદીની યોગ્ય સફાઈ થશે કે દર વખતની જેમ આ વખતે પણ કરોડો રૂપિયા સફાઈના નામે વેડફાઈ જશે. તે આગામી સમયમાં ખબર પડી જશે.