રજૂઆત:પ્રતાપનગર-વિશ્વામિત્રી-કેવડિયા લાઇન રૂા. 1200 કરોડના ખર્ચે ડબલિંગ કરાશે

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રતાપનગર રેલવે સ્ટેશન પર નવું બિલ્ડિંગ અને બીજો ગેટ ડેવલપ કરાશે
  • ​​​​​​​વિશ્વામિત્રી-મકરપુરા પર વધુ ટ્રેન થોભે તે માટે વ્યવસ્થા કરવા રજૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની રેલવે લાઇન સાથે જોડવાની સાર્થકતા બાદ હવે પ્રતાપનગર વાયા વિશ્વામિત્રી કેવડીયા સુધીની લાઈનનું કામ હાથ પર લેવાયું છે. વડોદરા રેલવે ડિવિઝન દ્વારા 1200 કરોડના ખર્ચે પ્રતાપનગર રેલવે સ્ટેશનનો વિકાસ અને ડબલિંગ લાઈન વાયા વિશ્વામિત્રી થઈ કેવડિયા સુધી નાખવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જે રેલવે બોર્ડમાં મૂકવામાં આવશે .

લાલબાગ એનએઆઇઆર ખાતે શનિવારે આવેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વિવિધ વિષયો અંગે રજૂઆત કરી હતી, જે પૈકી શહેરના રેલવે સ્ટેશનનો બંને તરફનો વિકાસ થઇ શકે તે માટે પણ રજૂઆત કરાઈ હતી. ખાસ કરીને પ્રતાપ નગર રેલવે સ્ટેશન પણ છાયાપુરી જેવું સેટેલાઈટ રેલવે સ્ટેશન તરીકે ડેવલપ થાય અને વિશ્વામિત્રી તેમજ મકરપુરા સ્ટેશન પર પણ સુવિધા અને વધુ ટ્રેન થોભાવા માટેની પણ વ્યવસ્થા કરાય તે માટે ધ્યાન દોરાયું હતું. વડોદરા ડિવિઝનના સિનિ. ડીસીએમ ડો.જીનીયા ગુપ્તાએ જણાવ્યું કે, પ્રતાપનગરથી વાયા વિશ્વામિત્રી થઈ કે સુધી ડબલ લાઇન માટેનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. રેલવે બોર્ડ સમક્ષ મંજૂરી માટે મૂકાશે.

આ સાથે પ્રતાપનગર સ્ટેશનની બીજી એન્ટ્રી ડભોઇ રોડ તરફ એક બિલ્ડિંગ અને એન્ટ્રી ગેટ તેમજ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. રેલવેની પૂરતી જગ્યા હોવાને કારણે ખાનગી માલિકીની જગ્યાની જરૂર નહીં પડે. આ સાથે જ મકરપુરા અને વિશ્વામિત્રનું પણ તબક્કાવાર ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ 1200 કરોડ જેટલા ખર્ચનો અંદાજ છે.

કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફાયર સ્ટેશન બનશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસી અને વીઆઈપીઓ ની સુરક્ષા માટે આગ-અકસ્માત જેવા આકસ્મિક બનાવને પહોંચી વળવા અવાર-નવાર વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવાય છે. વડોદરાથી ફાયર બ્રિગેડના લાશ્કરો અને સાધનો સાથે ત્યાં બંદોબસ્ત ગોઠવાય છે ત્યારે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સત્તાધીશો દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફાયર સ્ટેશન બનાવવાની અને નવાં સાધનો ખરીદવાની કવાયત હાથ ધરાઈ છે, જેના માટે લેઆઉટ અને બિલ્ડિંગ કેવું બનશે તે વડોદરા ફાયરબ્રિગેડની મદદથી તૈયાર કરાયું છે.

વડોદરા ફાયરબ્રિગેડનાં સૂત્રો મુજબ સાપ્તાહિક ધોરણે શનિ-રવિ એક લાખ લોકો સ્ટેચ્યૂની મુલાકાત લે છે અને વાહનો પણ જંગી કાફલો હોય છે. જેથી અકસ્માત જેવા બનાવો પણ બનવાની શક્યતા છે. એકતા મોલની પાસે આ સ્ટેશન બનશે, જેનું નામ એકતા અગ્નિ શમન કેન્દ્ર રખાયંુ છે.