વ્યાજખોરનો ત્રાસ:વડોદરામાં રાત્રીબજારના વેપારીને 17 લાખનું ધિરાણ કરી પ્રણવ ત્રિવેદીએ 62 લાખ વસૂલ્યા, છતાં વધુ 18 લાખ માંગ્યા

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના રાત્રીબજારમાં દુકાન ધરાવતા વેપારી પાસેથી 17 લાખની સામે 62 લાખ ચુકવ્યા છતાં વધુ 18 લાખની માંગણી કરનારા વ્યાજખોર પ્રણવ ત્રિવેદી સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે આરોપી પ્રણવ હાલ પાસા હેઠળ ભૂજ જેલમાં છે.

દુકાનનું ભાડું ચુકવવા જતાં વ્યાજના ચક્રમાં ફસાયો
વડોદરના સુભાનપુરા સંતોષનગરમાં રહેતા દિનેશ ચંદ્રપાલ શર્માએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ છેલ્લા નવ વર્ષથી રાત્રીબજારમાં રાજસ્થાન ભેલ નામની દુકાન ધરાવે છે. અગાઉ રાત્રીબજારમાં શર્માજી પંજાબી ખાના નામની દુકાન ભાડેથી તેઓ ચલાવતા હતા. નવેમ્બર 2018માં દિનેશ શર્માને દુકાનના ભાડાના રૂપિયા ભરવા માટે નાણાની જરૂરિયાત હોવાથી મિત્ર દ્વારા ઓમ ફાયનાન્સના માલિક પ્રવણ રક્ષિશ ત્રિવેદીનો સંપર્ક થયો હતો. પ્રણવ ત્રિવેદીએ પોતાની પાસે નાણા ધિરવાનું લાયસન્સ છે અને 3 ટકા વ્યાજે રૂપિયા આપે છે. પરંતુ સિક્ટોરિટી પેટે કોરા ચેક અને 100ના સ્ટેમ્પ તથા આધારકાર્ડ અને પાનકાર્ડની નકલ માંગી હતી.

છ કોરા ચેક પર સહી લીધી
જેથી દિનેશ શર્માએ નવેમ્બર 2018માં ઓમ ફાયનાન્સની ઓફિસ જોશી બિલ્ડિંગ, આનંદપુરા ખાતેથી પ્રણવ ત્રિવેદી પાસેથી 6 લાખ 3 હજાર રૂપિયા 3 ટકા વ્યાજે લીધા હતા. તેના બદલામાં દિનેશ શર્મા અને તેમની પત્નીએ છ કોરા ચેક સહી કરીને આપ્યા હતા. તેમજ 100ના કોરા સ્ટેમ્પ પેપર તથા વાઉચર ઉપર સહી કરી આપી હતી. ચેક અને સ્ટેમ્પ પેપર રૂપિયા પરત કરતા પ્રણવ ત્રિવેદીએ પાછા આપી દેવાનો વાયદો કર્યો હતો.

રોકડા આપ્યા બાદ એટલી જ રકમ બેંકમાં જમા કરી
દિનેશ શર્મા 6 લાખ 3 હજારની રોકડ રકમ લઇને ઘરે ગયા બાદ તેમની પત્નીના ખાતામાં પ્રણવ ત્રિવેદીએ બીજા 6 લાખ 3 હજાર રૂપિયા જમા કર્યા હતા. જેથી દિનેશ શર્માએ પ્રણવ ત્રિવેદીને કહ્યું હતું કે તમે રોકડા રૂપિયા આપ્યો છે તો પછી હવે મારી પત્નીના ખાતામાં પણ 6 લાખ 3 હજાર કેમ જમા કરાવો છો? ત્યારે પ્રણવ ત્રિવેદીએ કહ્યું હતું કે અમારા ધંધાનો નિયમ છે કે અમે પહેલા માગ્યા મુજબની રકમ રોકડેથી આપીએ છીએ. ત્યાર બાદ તેટલા જ રૂપિયા કસ્ટમરના ખાતામાં RTGS કરીએ છીએ અને તમે રોકડા રૂપિયાથી તમારુ કામ પુરી કરી લ્યો બાકી RTGSથી મોકલેલા રૂપિયા તમારા ખાતામાં છે તે મને બે દિવસમાં આપી જોજો અને વ્યાજનો દર 3 ટકા નક્કી કર્યો છે.

ઉંચુ વ્યાજ વસૂલતો
જેથી પહેલા મહિનામાં 12 લાખ 6 હજારનું વ્યાજ ભરવાનું થયું હતું. તેમજ બીજા દિવસે દિનેશ શર્મા તેમની પત્નીના ખાતામાંથી 6 લાખ 3 હજાર ઉપાડી પ્રણવ ત્રિવેદીને આપી આવ્યા હતા. ચાર-પાંચ મહિના સુધી પ્રણવ ત્રિવેદી દિનશ શર્મા પાસેથી 6 લાખ 3 હજાર ઉપર વ્યાજ કરતા વધારે વ્યાજ વસૂલતા હતા. જેથી દિનેશ શર્માએ પ્રણવ ત્રિવેદીને કહ્યું હતું કે આપણે હિસાબ પુરો કરી દઇએ, આવી રીતે ક્યાં સુધી વ્યાજ ભરુ? ત્યારે પ્રણવ ત્રિવેદીએ કહ્યું હતું કે તમે ચિંતા ના કરતા આ તમારા જ રૂપિયા જમા થાય છે.

62 લાખા ચુકવ્યા છતાં વધુ માંગ્યા
દિનેશ શર્માને એપ્રિલ 2019માં વધુ નાણાની જરૂર પડતા પ્રણવ ત્રિવેદી પાસેથી રોકડા 3 લાખ 51 હજાર વ્યાજે લીધા હતા. જેના બદલામાં તેમની પત્નીના બેંક એકાઉન્ટના પાંચ કોરા ચેક સહી કરીને આપ્યા હતા. 3 લાખ 51 હજાર રોકડા લઇને ઘરે બાદ તેમની પત્નીના ખાતામાં પ્રણવ ત્રિવેદીએ ફરી બેંકના ખાતામાં 3 લાખ 51 હજાર જમા કરાવ્યા હતા અને તે રૂપિયા બીજા દિવસે ઉપાડી પરત આપી જવા કહ્યુ હતું. જ્યાર બાદ કોઇને કોઇ રીતે પ્રણવ ત્રિવેદી દિનેશ શર્માના પત્નીના ખાતામાં રૂપિયા જમા કરાવતા હતા અને જ્યારે જરૂર પડશે ત્યારે પરત લઇ જશે તેમ કહેતા. આમ કરતા પ્રણવ ત્રિવેદીએ આપેલા 17 લાખ 64 હજારની સામે વેપારી દિનેશ શર્માએ 62 લાખ ચુકવ્યા છતાં હતા. જેમાં 14 લાખ રૂપિયા તો પેનલ્ટી હતી. છતાં પ્રણવ ત્રિવેદી વધુ 18 લાખ રુપિયા માંગી રહ્યો હતો. જેથી દિનેશ શર્માએ પ્રણવ ત્રિવેદી અને તેના સાથીદાર ગૌરાંગ મિસ્ત્રી સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસે પ્રણવ ત્રિવેદી સામે અગાઉ નોંધાયેલ વ્યાજખોરીની ફરિયાદોને પગલે તેની ધરપકડ કરી પાસા હેઠળ ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.