વ્યાજખોરોમાં મોટું માથું કહેવાતો પ્રણવ ત્રિવેદી ભાજપ સાથે સંકળાયેલો હોવા છતાં પોલીસે કડક કાર્યવાહી કરી પાસામાં ધકેલ્યો છે ત્યારે ગત જુલાઈ માસમાં પ્રણવ અને તેના પિતા રક્ષેશ ત્રિવેદીએ વ્યાજની ઉઘરાણી માટે વેપારીને રિવોલ્વર તાણી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે નોંધાઇ હતી. હાલ એ અંગે અદાલતમાં કાર્યવાહી ચાલતી હોવાનું બહાર આવ્યું છે. પિતા-પુત્ર પોલીસને પણ ઊઠાં ભણાવવામાં માહેર હોવાનું કહેવાય છે.
પિતા-પુત્રની જોડી સહિત અન્ય ચાર સામે એ સમયે ખંડણી, છેતરપિંડી સહિત ગંભીર પ્રકારની કલમો નોંધાઇ હતી. રક્ષેસ ત્રિવેદી અને પુત્ર પ્રણવ વ્યાજનો ધંધો કોઠી કચેરી પાસે આનંદપુરામાંથી કરતા હતા. તેમની સામે ગોત્રીમાં રહેતા શિરીષ મોહિતે દ્વારા ફરિયાદ કરાઈ હતી. બાદમાં પિતા-પુત્રે ગેંડા સર્કલ પાસે કે-10 બિલ્ડિંગમાં વૈભવી ઓફિસ ખોલી હતી અને હિસાબના કાગળો અને ડાયરી સંતાડવા ગુપ્ત ખાનું બાથરૂમમાં બનાવ્યું હતું.ક્રાઇમ બ્રાન્ચ આ મામલાની તપાસ ચાલી હતી.
ફરિયાદમાં જણાવાયું કે, 2016માં ત્રિવેદી પિતા-પુત્ર પાસેથી 5 લાખની લોન લીધી હતી અને 13 કોરા ચેક આપ્યા હતા. 2019 સુધીમાં 32 લાખ રૂપિયા વ્યાજ સહિત ચૂકવ્યા હતા છતાં મોટી રકમ બાકી હોવાનું કહી ધમકી આપી ઉઘરાણી ચાલુ રાખી હતી.
ફરિયાદી મોહિતે પાસેથી તેમની માલિકીની જમીન લખાવી લેવાનો આગ્રહ રાખી કાગળો લઈ એકવાર ઓફિસમાં રિવોલ્વર બતાવી ધમકી આપી હતી. જેને લઇ મોહિતે ગભરાઈ ગયા હતા અને પત્નીએ દેવું ચૂકવવા ગાડી વેચવા અમદાવાદ ગઈ ત્યારે ઝેર પી લઈ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમિયાન મોહિતે દ્વારા પિતા-પુત્ર ઉપરાંત ભરત વ્યાસ, ગૌરાંગ મિસ્ત્રી, વિજય કહાર, રાહુલ શાહનું પણ નામ ધમકી આપનારા તરીકે લખાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.