• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Pramukh Swami Stayed At Haribhakta's House In Vadodara For 60 Days, His Bed Is Still There, Did Not Turn Off The AC Of Bapa's Room For 39 Years.

'અમારે મન તો બાપા હજી જીવે જ છે':વડોદરામાં હરિભક્તના ઘરે પ્રમુખ સ્વામી 60 દિવસ રોકાયેલા, તેમની ગાદલાં-પથારી આજે પણ હયાત, 39 વર્ષથી બાપાના રૂમનું AC બંધ કર્યું નથી

વડોદરા3 મહિનો પહેલાલેખક: રોહિત ચાવડા
  • કૉપી લિંક

અમદાવાદમાં સંત પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરામાં પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિઓ તાજી થઈ રહી છે. આમ તો પ્રમુખ સ્વામી મહારાજ વડોદરા પાસેના ચાણસદ ગામના વતની, પણ બાપાએ બાળપણમાં જ ઘર છોડી દીધેલું. પ્રમુખ સ્વામી મહારાજ વર્ષ 1983માં વડોદરાના હરિભક્ત સિદ્ધાર્થભાઈ પટેલને ત્યાં 60 દિવસ રોકાયા હતા. સિદ્ધાર્થભાઈએ બાપાએ વાપરેલી તમામ વસ્તુઓ સાચવી રાખી છે અને તેમના ઘરમાં મ્યુઝિયમ બનાવ્યું છે, જેમાં બાપાનાં કપડાં, વાસણો, ચશ્માં, પૂજાની સામગ્રીથી લઈને તમામ 84 વસ્તુ મૂકી છે. જોકે આ મ્યુઝિયમમાં લોકો જોવા માટે જઈ શકતા નથી, જેથી દિવ્ય ભાસ્કર તમારા માટે આ મ્યુઝિયમની ઝલક લઈને આવ્યું છે અને સાથે સાથે સિદ્ધાર્થભાઈએ પ્રમુખ સ્વામી સાથેનાં સંસ્મરણો પણ વાગોળ્યા હતા. બાપા જે રૂમમાં રોકાયેલા એ રૂમનું AC સિદ્ધાર્થભાઈએ 39 વર્ષથી બંધ કર્યું નથી.

બાપાની તમામ વસ્તુઓ સાચવી રાખી
પ્રમુખ સ્વામી જેમના ઘરે રોકાયા હતા તે હરિભક્ત સિદ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે 1983માં બાપા અમારે ત્યાં 60 દિવસ રોકાયા હતા. બાપાએ જે વસ્તુઓ વાપરી હતી એ તમામ અમે સાચવી રાખી છે અને એનું મ્યુઝિયમ બનાવ્યું છે. બાપા જે રૂમમાં સૂતા હતા એ રૂમમાં તેમની ગાદલાં-પથારી હજી ત્યાં જ રાખવામાં આવી છે. અમે તો માનીએ છીએ કે બાપા હજી અમારી સાથે જ છે.

બાપાને હાર્ટ-એટેક આવ્યો અને અમારે ત્યાં પધાર્યા
વડોદરાના અક્ષરચોક પાસે રહેતા 67 વર્ષના સિદ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે 1983માં સ્વામી બાપાને હાર્ટ-એટેક આવ્યો હતો, જેથી આણંદ પાસે આવેલા સુંદરપુરા ગામથી બાપાને વડોદરાની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 17 માર્ચ-1983ના રોજ સ્વામી બાપા અહીં આરામ કરવા માટે પધાર્યા હતા. આ પલંગ પર સ્વામી બાપા સૂતા હતા. અહીં સતત 60 દિવસ સુધી તેમણે વિશ્રામ લીલા કરેલી. મંદિરમાં જેવો તેમનો રૂટિન હોય એવો જ રૂટિન અહીં રહેતો હતો.

હાર્ટ-એટેક આવ્યો છતાં નિર્જળા ઉપવાસ કર્યા
બાપાના નિયમની વાત કરું તો 5 ફેબ્રુઆરીએ બાપાને હાર્ટ-એટેક આવ્યો અને 21મી માર્ચ અહીં ભગવાન સ્વામિનારાયણની જન્મજયંતી હતી. બાપાનો સામાન્ય નિયમ એવો તો આ દિવસે હંમેશાં તેઓ નિર્જળા ઉપવાસ કરતા, હાર્ટ-એટેક આવ્યાને તેમને 1 મહિનો અને 16 દિવસ જ થયેલા, પણ તેમણે નિર્જળા ઉપવાસ કરવાનો આગ્રહ રાખ્યો. અમે બહુ બધી વિનંતીઓ કરી, પણ સ્વામી બાપા માન્યા જ નહીં. છેવટે મારા સસરા અને મારા પપ્પા સ્વામી બાપા પાસે વિનંતી કરવા ગયા, બાપાએ 1 ચમચી જેટલો ઉકાળો લીધો. બાપાએ કહ્યું હતું કે એક દિવસ દવા ખાધા વિના પણ લેવાશે અને દવા વગર પણ ચાલશે. કંઈપણ થાય, મારે મારો નિયમ તોડવો નથી.

બાપા જે રૂમમાં સૂતા હતા ત્યાં તેમના બેડ સાથેની વસ્તુઓ આજે પણ હયાત છે.
બાપા જે રૂમમાં સૂતા હતા ત્યાં તેમના બેડ સાથેની વસ્તુઓ આજે પણ હયાત છે.

બાપાએ ક્યારેય કોઈ માગણી કરી નથી
સ્વામી બાપા અહીં જેટલા દિવસ રહ્યા એ બધા દિવસ તેમને ક્યારેય એવું નથી કહ્યું કે મને થાક લાગે છે, મને કંટાળો આવે છે. મારે આરામ કરવો છે. ખાવા કે બીજી કોઈ બાબતમાં બાપાએ કોઈ પર્સનલ માગણીઓ કરી નહોતી. હાર્ટ-એટેક આવ્યા પછી પણ નિયમ અને સંયમમાં રહેવું એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. એ આમના જેવા દિવ્ય પુરુષનું જ કામ છે. આજે જે તેમની શતાબ્દી ઊજવાઈ રહી છે, એનું એ જ કારણ છે કે આવા દિવ્ય પુરુષ આ સૃષ્ટિ પર ખૂબ જ ઓછા છે. કદાચ નથી. એટલા માટે જ આપણે તેમની શતાબ્દી ધામધૂમથી ઊજવી રહ્યા છીએ.

સિદ્ધાર્થભાઈએ ઘરમાં જ પ્રમુખ સ્વામીની યાદોનું મ્યુઝિયમ તૈયાર કર્યું છે.
સિદ્ધાર્થભાઈએ ઘરમાં જ પ્રમુખ સ્વામીની યાદોનું મ્યુઝિયમ તૈયાર કર્યું છે.

બાપાએ અહીંથી જ રંગોત્સવ ઊજવવાની શરૂઆત કરી
બાપાએ અહીં બે પ્રસંગ ઊજવેલા, એક હરિજયંતી અને બીજો ધુળેટીનો પ્રસંગ ઊજવેલો. ધુળેટીના પર્વમાં બાપાએ અહીં રહેલા તમામ લોકો પર રંગ છાંટેલા અને સ્મૃતિ આપી હતી. બાપાએ અહીંથી જ રંગોત્સવ ઊજવવાની શરૂઆત કરી હતી. હરિજયંતીમાં પણ બાપાએ બહુ બધી સ્મૃતિ આપી હતી. બાપા અહીંથી 15 મે, 1983ના દિવસે વિદાય થયા હતા.

પ્રમુખ સ્વામીએ વાપરેલી તમામ વસ્તુઓ અહીં મૂકેલી છે.
પ્રમુખ સ્વામીએ વાપરેલી તમામ વસ્તુઓ અહીં મૂકેલી છે.

કોઈને ઘર ચલાવવામાં તકલીફ પડે તો બાપાનું હ્રદય દ્રવી ઊઠતું
અમારી ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને મન દુઃખ હતું, જેથી બાપાએ મને કહ્યું હતું કે આપણે આપણા મજૂરોને દુ:ખી નહીં કરવાના. એ લોકોની જે માગણીઓ હોય એ સંતોષી લો. જેથી બાપાના કહેવાથી તમામ માગણીઓ કબૂલી લીધી હતી. મારા વકીલે ના પાડી હતી. પણ મારા ગુરુએ કહ્યું હોવાથી તેમણે કહ્યું એ પ્રમાણે જ કર્યું હતું. બાપાની બહુ વિશાળ દૃષ્ટિ હતી. કોઈ માણસને મન દુઃખ થાય, ઘર ચલાવવામાં તકલીફ પડે તો બાપાનું હ્રદય દ્રવી ઊઠતું હતું. અમારા જેવાઓને તેઓ એવું માર્ગદર્શન આપતા હતા, હવેથી તમારે આ રીતે વર્તવું.

બાપાની પાઘડી અને ટોપી.
બાપાની પાઘડી અને ટોપી.

અહીં રોજ આરતી થાય છે
અમે અહીં રોજ આરતી અને દર્શન કરવા માટે આવીએ છીએ. બાપાની પ્રસાદીની વસ્તુઓ અહીં સંગ્રહિત કરેલી છે અને પ્રદર્શિત કરેલી છે અને 39 વર્ષથી અમે બાપાની આ બધી વસ્તુઓ સાચવી રાખી છે. એની જાળવણી પણ કરવામાં આવે છે.

પ્રમુખ સ્વામીની યાદો તસવીરોમાં કેદ.
પ્રમુખ સ્વામીની યાદો તસવીરોમાં કેદ.

બાપાએ અમને સત્સંગમાં ખેંચ્યા હતા
સ્વામી બાપા પહેલીવાર 1976માં અમારે ત્યાં પધાર્યા હતા અને ત્યારથી અમને સત્સંગમાં ખેંચ્યા હતા. 1980માં જ્યારે તેમની 60મી જન્મજયંતી ઊજવવાની હતી ત્યારે અમારા જૂના મકાનમાં તેઓ 4 દિવસ માટે રહેલા. 1986માં સ્વામી બાપા ફરીથી અમારે ત્યાં પધાર્યા હતા. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 15 દિવસ અને જુલાઈ-ઓગસ્ટમાં 15 દિવસ માટે રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...