વડોદરા શહેરના તમામ સ્ટ્રીટ વેન્ડર્સને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 10 હજાર અને 20 હજાર રૂપિયાની લોન પર વ્યાજ સબસિડીવાળી યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. જેના અમલીકરણ માટે યોજનાનો લાભ લેવા વડોદરા કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેના માટે તમામ 19 વહીવટી વોર્ડ કચેરી ખાતેથી ફોર્મ મેળવી ત્રણ દિવસમાં ડોક્યુમેન્ટ સાથે પરત જમા કરાવવાનું રહેશે.
કોરોનામાં વેપાર ધંધાને માઠી અસર પહોંચતા પ્રધાનમંત્રી નિધી યોજના હેઠળ લારી-ગલ્લા ધારકોને સરકારે વગર ગેરંટીએ લોન ફાળવવાનો નિર્ધાર કર્યો હતો. અગાઉ વડોદરા પાલિકાએ અંદાજે 6489 અરજદારોની લોન મંજૂર કરી હતી. કેન્દ્ર સરકારે આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ 10 હજાર તથા 20 હજાર રૂપિયા સુધીની લોનની ભેટ આપી છે.
2 જુલાઈના રોજ પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત થઈ હતી. કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આ યોજનાની શરૂઆત કરી છે. જે હેઠળ 50 લાખ લોકોને લોન આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. સૌથી ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ કરજ લેવા માટે કોઈ ગેરંટીની જરૂર નથી.
નોંધનીય છે કે, કોરોનાનો સૌથી વધુ માર રોજેરોજ કમાનારા મજૂરો પર પડ્યો હતો. અનલોકના દોરમાં ઉદ્યોગ ધંધા ફરીથી શરૂ તો થઈ ગયા છે. પરંતુ, મોટા પાયે અનેક લોકો એવા છે જે રેકડી કે લારી લગાવીને પોતાના પરિવારનો ગુજારો કરે છે. તેમનો કારોબાર ઉભો કરવાનું લક્ષ્યાંક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.