પત્ની-પુત્રની હત્યા બાદ શેરબ્રોકરનો આપઘાત:પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરે કહ્યું: પત્ની-પુત્રને નિદ્રાધીન અવસ્થામાં મારી નાખ્યાં હોઈ શકે', વિસેરા રિપોર્ટ રહસ્ય ખોલશે

વડોદરા22 દિવસ પહેલા

વડોદરા શહેરના ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્સમાં રહેતા અને શેરબજારનું કામ કરતા પ્રિતેશ મિસ્ત્રીએ આપઘાત કરતાં પહેલાં પત્ની સ્નેહા અને પુત્ર હર્ષિલની હત્યા કેવી રીતે કરી? એ રહસ્ય મૃતકોના લેવાયેલા વિસેરાનો રિપોર્ટ ખોલશે. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે માતા અને પુત્રનાં મોત શ્વાસ રુંધાવાને કારણે થયાં છે. એક થિયરી મુજબ પ્રિતેશે પહેલા પત્ની અને પુત્રનું ઓશીકાથી મોઢું દબાવી હત્યા કરી હશે અને પછી પોતે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હશે. સોમવારે બનેલી આ ઘટનામાં અનેક રહસ્યો હજુ વણઊકલ્યાં છે.

માતા-પુત્રનાં શરીર પર ઇજાનાં કોઈ નિશાન નથી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં મિસ્ત્રી પરિવારના ત્રણ સભ્યનાં પોસ્ટમોર્ટમ કરનાર ડો. સુનીલ ભટ્ટે જણાવ્યું હતું કે પત્ની અને પુત્ર બંનેનાં મોત શ્વાસ રુંધાવાને કારણે થયાં છે. એનો મતલબ એવો છે કે પ્રિતેશ દ્વારા પ્રથમ પત્ની અને પુત્રનું મોઢું દબાવીને મારી નાખ્યાં હોવા જોઇએ અથવા પત્ની-પુત્રને નિદ્રાધીન અવસ્થામાં પણ મારી નાખ્યા હોવા જોઇએ. જો નિદ્રાધીન અવસ્થામાં માતા-પુત્રને મારી નાખવાનો પ્રયાસ કરાયો હોય તો મૃતકો દ્વારા બચવા માટે ધમપછાડા કરાયા હોત. એેને કારણે તેમના શરીર ઉપર સામાન્ય ઇજાનાં પણ નિશાન જણાઇ આવ્યાં હોત, પરંતુ ઇજાનાં નિશાન જણાઈ આવ્યાં નથી.

પિતા પ્રિતેશ, પુત્ર હર્ષિલ અને પત્ની સ્નેહાની ફાઇલ તસવીર.
પિતા પ્રિતેશ, પુત્ર હર્ષિલ અને પત્ની સ્નેહાની ફાઇલ તસવીર.

વિસેરા તપાસ માટે મોકલવામાં આવ્યા છે
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે માતા-પુત્રનાં શરીર ઉપર ઇજાનાં નિશાન જણાયાં નથી. બની શકે કે પત્ની અને પુત્રના શ્વાસ રુંધાવીને હત્યા કરનારે તેમને નિદ્રાધીન અવસ્થામાં સ્પ્રે છાંટીને બેભાન કરી દીધાં હોવાં જોઈએ. બીજું કારણ એ પણ હોઈ શકે કે પત્ની અને પુત્રને નિદ્રાધીન અવસ્થામાં ક્લોરોફોર્મ પણ સુંઘાડી બેભાન કર્યા બાદ તેમનું મોઢું દબાવી હત્યા કરી હોવાની શક્યતાને પણ નકારી શકાય નહીં. આ ઉપરાંત પત્ની અને પુત્રને સૂતાં પહેલાં ઘેનયુક્ત પદાર્થ પણ આપ્યો હોવો જોઇએ. જોકે આ તમામ કારણોનો ઉત્તર વિસેરા રિપોર્ટ પર છે. હાલ મૃતકોના વિસેરા લેવામાં આવ્યા છે અને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

હત્યાનો ગુનો દાખલ થશે
આ બનાવની તપાસ કરી રહેલા પાણીગેટ પોલીસ મથકના પી.આઇ. એસ. એ. ગોહિલે જણાવ્યું હતું કે પત્ની અને પુત્રનો શ્વાસ રુંધીને મોતને ઘાટ ઉતાર્યા બાદ આપઘાત કરી લેનાર પ્રિતેશ મિસ્ત્રી સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે, પરંતુ હજુ પરિવારજનો ધાર્મિક વિધિમાં રોકાયેલા હોવાને કારણે ફરિયાદી કોઈ આવ્યું ન હોવાથી પ્રિતેશ મિસ્ત્રી સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. પ્રિતેશે પત્ની અને પુત્રની હત્યા કેવી રીતે કરી એ વિસેરા રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.

એક જ પરિવારમાં ત્રણનાં મોતથી પરિવારજનોએ આક્રંદ કર્યું હતું.
એક જ પરિવારમાં ત્રણનાં મોતથી પરિવારજનોએ આક્રંદ કર્યું હતું.

મોબાઈલમાંથી મળી આવી સુસાઇડ નોટ
સુસાઇડ નોટમાં પ્રિતેશે લખ્યું છે કે આ અમારું ડિસિઝન છે, એટલે પોલીસ કમિશનરશ્રીને રિકવેસ્ટ છે કે અમારા ફેમિલી મેમ્બરને હેરાન ના કરતા. આ અમારું ડિસિઝન લીધેલું છે, જેનું મેઇન રીઝન ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે.

મેં ક્રેટા અને અલ્ટો સેલ કરેલી છે, જેના પૈસાથી મેં મારું થોડું દેવું ક્લિયર કરેલું છે. મને માફ કરજો, હું એનઓસી આપી નહીં શક્યો, બિકોઝ મારી જોડે બીજા પૈસા નહોતા. આ બધું ટ્રાન્ઝેક્શન મેં મારી જાતે કર્યું છે, તેથી કોઈની રિસ્પોન્સિબિલિટી નથી. મારા ફેમિલીથી હું અલગ રહેતો હતો 6-7 યરથી એટલે તેમની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી આમાં. પોલીસ કમિશનર સાહેબને રિકવેસ્ટ રહેશે કે પ્લીઝ... અમારી ફેમિલીને સપોર્ટ કરજો, કોઈ મારા રિલેટેડ મારી ફેમિલીને હેરાન કરે તો.... અને અમારી પ્રાઇવેસીનું ધ્યાન રાખવામાં આવે. મીડિયાને રિકવેસ્ટ રહેશે.

પ્રિતેશે આપઘાત પહેલાં મોબાઇલમાં લખેલી સુસાઇડ નોટ.
પ્રિતેશે આપઘાત પહેલાં મોબાઇલમાં લખેલી સુસાઇડ નોટ.

મેરેજ પછી હું જ મારા બિહેવિયરને લીધે અલગ થયો હતો. એ વખતે પણ અમે નોટરી કરી હતી કે મારી મા અને ફેમિલીથી હું અલગ રહીશ વાઈફ અને સનને લઇને. નોટરીમાં અમે નક્કી કરેલું કે મારી કોઈપણ ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટીમાં મારી મા કે ફેમિલીની રિસ્પોન્સિબિલિટી નહીં રહે. તેથી હું મારી પત્ની જોડે 6-7 યરથી અલગ જ રેન્ટ પર રહેતો હતો. ઇન શોર્ટ, મારા મર્યા પછી કોઈની કોઈ રિસ્પોન્સિબિલિટી નહીં રહે, મારા દરેક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં.

મારી ફેમિલી અને સિયાની ફેમિલીને રિકવેસ્ટ છે કે આ ડિસિઝન અમારું છે તો પ્લીઝ... એકબીજા માટે વેરભાવ ના રાખતા... બન્ને ફેમિલી મળીને અમારા અંતિમસંસ્કાર મોટા પપ્પાને ત્યાંથી કરજો... ભગવાન રામની જેવી મરજી...

મારાં બધાં બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ છે... એક દેવું પૂરું કરવામાં મેં બીજું દેવું કર્યું.. એટલે મારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન બગડી ગઈ તી... જેને પણ મારી જોડે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કર્યાં છે એ મારા જોડે જ કર્યા તા... મારા સિવાય કોઈ આમાં પ્રેઝન્ટ નહોતું... મારા માર્યા પછી કોઈની રિસ્પોન્સિબિલિટી નહિ રહે મારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં. મારી ફેમિલી જોડે એમ પણ અમારા પ્રેમભાવ અને આવવા-જવાના રિલેશન હતા, ફાઇનાન્શિયલ રિલેશન નહોતા.. મારા ફેમિલી મેમ્બર્સને રિકવેસ્ટ રહેશે જો કોઈ તમને હેરાન કરે તો વકીલને લઇ જઈને પોલીસ ફરિયાદ કરવી.

અગેઇન... મારી ફેમિલી અને સિયાની ફેમિલી મેમ્બર્સને રિકવેસ્ટ રહેશે કે આપસમાં કોઈ વેરભાવ ના રાખતા...

2013માં છૂટાછેડા બાદ સ્નેહા સાથે લગ્ન કર્યા
ઉલ્લેખનીય છે કે પ્રિતેશના બીજા લગ્ન હતા. 2013માં છૂટાછેડા બાદ સ્નેહા સાથે લગ્ન કર્યા હતા. સયાજીગંજમાં શેર ટ્રેડિંગ કંપનીમાં એડવાઈઝર તરીકે જોડાયા બાદ એ બેંકમાંથી કોઈ વસ્તુ માટે લોન લઈ રોકડામાં વેચી દેતો હતો અને રૂપિયા શેરબજારમાં લગાવતો હતો. એમાં નુકસાન જતાં લોન પણ ભરપાઈ નહીં થતાં, અંતે પત્ની અને માતાનાં નામે લોન લેવાનું ચાલુ કર્યું હતું, પરંતુ હાર્યો જુગારી બમણું રમે એમ કરવા જતાં તે ફસાયો હતો અને આર્થિક સંકડામણમાં આવી ગયો હતો. અંતે, પત્ની અને પુત્રની હત્યા કરીને પોતાને આત્મહત્યા કરવી પડી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પ્રિતેશને દેવું થઈ ગયું હતું
મળતી માહિતી પ્રમાણે, પ્રિતેશે બેંકોમાંથી લોન લીધી હતી અને ખૂબ જ દેવું થઈ ગયું હતું. દેવું થઈ જતાં તેણે પરિવાર સાથે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારજનોએ આક્રંદ કર્યું હતું
દર્શનમ ઉપવન ડુપ્લેક્સના મકાન નં- A-3, 102માં રહેતા પ્રિતેશભાઈ પ્રતાપભાઈ મિસ્ત્રી(ઉં.30) શેરબજારનું કામ કરતા હતા. તેઓ 7 વર્ષના પુત્ર અને પત્ની સાથે અહીં રહેતા હતા. ગઈકાલે સવારે તેમનો, તેમનાં પત્ની સ્નેહાબેન પ્રિતેશભાઈ મિસ્ત્રી(ઉં.32) અને પુત્ર હર્ષિલ પ્રિતેશભાઈ મિસ્ત્રી (ઉં.07)ના મૃતદેહો ઘરમાંથી મળ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો પહોંચી ગયા હતા અને પોલીસ પણ દોડી ગઈ હતી. ઘટનાને પગલે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે, પ્રિતેશભાઈનો પરિવાર છેલ્લા ઘણા સમયથી ઘરની બહાર દેખાતો નહોતો.

ત્રણેયના મૃતદેહો જોઈને માતા હેબતાઈ ગયાં
પ્રીતેશભાઈના માતા સોમવારે સવારે તેમના ઘરે પહોંચ્યાં હતા અને પ્રીતેશભાઈને ફોન કર્યો હતો અને ત્યાર બાદ પ્રીતેશભાઈનાં પત્નીને ફોન કર્યો હતો. તેમને પણ પણ ફોન ઉપાડ્યો નહોતો. જેથી દરવાજો ખોલીને જોયું તો પ્રીતેશભાઈનો મૃતદેહ લટકતો જોયો હતો. પછી પલંગ પર રહેલા પુત્ર અને પત્નીના મૃતદેહો પડ્યા હતા. ત્રણેયના મૃતદેહો જોઈને પ્રીતેશભાઈનાં માતા હેબતાઈ ગયાં હતાં.

પ્રીતેશભાઇનું દર્શનમ ઉપવન સ્થિત મકાન.
પ્રીતેશભાઇનું દર્શનમ ઉપવન સ્થિત મકાન.

તાજેતરમાં જ ક્રેટા કાર ખરીદી હતી
પ્રીતેશભાઈએ તાજેતરમાં જ ક્રેટા કાર ખરીદી હતી. પ્રીતેશભાઈના પિતાનું ઘણા સમય પહેલાં મૃત્યુ થયું હતું. હાલ તેમના પરિવારમાં માતા શીલાબેન અને બહેન પ્રિયા છે. તેઓ છેલ્લાં 6થી 7 વર્ષથી પરિવારથી અલગ ભાડાના મકાનમાં રહેતા હતા. પ્રીતેશભાઈ મિસ્ત્રી છેલ્લા એક વર્ષથી દર્શનમ ઉપવનમાં A-3, 102 નંબરના મકાનમાં ભાડેથી રહેતા હતા.

દર્શનમ ઉપવનમાં પહોંચેલી પોલીસ.
દર્શનમ ઉપવનમાં પહોંચેલી પોલીસ.
અન્ય સમાચારો પણ છે...