સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરના ટ્રસ્ટી બનતાં જ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે બ્રાહ્મણોને શિખામણ આપતા બાપજીનું સન્માન જાળવવાની ટકોર કરી હતી. રંગ અવધૂત મહારાજના કડકડિત આચાર અને પવિત્રતા અંગે અવધૂત પરિવાર અને તમામ ભક્તો અવગત છે. ત્યારે નારેશ્વર ધામમાં બાપજીની પરંપરામાં ઉણપ જણાતી હોવાનો ગર્ભિત ઇશારો કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય અક્ષય પટેલ સાથે સાયરના પૂર્વ સરપંચની શુક્રવારે નારેશ્વરના અવધૂત નિવાસ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે અંગે તેઓનો પ્રથમ સંબોધન મંદિર પરિસરમાં ગર્ભગૃહની બહાર આપી રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં મંદિર પરીસરમાં તેઓ બ્રાહ્મણોને મળતા હોય છે ત્યારે પણ કેટલીક વસ્તુઓ તેમની જાણે આવી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નારેશ્વરના આચાર્ય સર્વદમન ભાઈના પરિવારમાં વડીલોપાર્જિત બાપજીની ભક્તિ રહેલી છે. જ્યારે મેનેજીંગ ટ્રસ્ટી ધીરુભાઈ જોશી અને અન્ય ટ્રસ્ટીઓમાં કથાકાર વિરંચીભાઈ પાઠક, યોગેશભાઈ વ્યાસ અને વાસંતીબેન નાયક છે.
આ વિષયમાં ધારાસભ્ય પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, તેમનો આશય કોઈ ખરાબ નહોતો પરંતુ સ્થાનમાં પવિત્રતા વધુ સારી રીતે જળવાય અને રસોડામાં પણ બ્રાહ્મણ સિવાય કોઈને પ્રવેશ ન મળે તેમજ ભ્રિક્ષાની થાળી બ્રાહ્મણ જ રસોડામાંથી લાવે તે સહિતના કેટલાક વિષય ઉપર બદલાવ અને પવિત્રતા ઉપર ભાર મુકવાની જરૂર છે. હું કડક પવિત્રતા જળવાય એવો પ્રયાસ કરીશ. બાપજી બ્રાહ્મણોને ધોતી પહેરીને આવવાનું કહેતા હતા તેમ ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.