• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Policeman Said: 'You Gather Without Mask In Corona', Anganwadi Worker Said: Where Did Corona Go When People Were Given A Target To Gather In Modiji's Meeting?

પોલીસકર્મીએ દમ માર્યો:'કોરોનામાં માસ્ક વિના ભેગા થાવ છો', આંગણવાડી કાર્યકરે કહ્યું: 'મોદીજીની સભામાં લોકોને ભેગા કરવા ટાર્ગેટ આપ્યો ત્યારે કોરોના ક્યાં ગયો હતો?'

વડોદરા21 દિવસ પહેલા

વડોદરા શહેરના સયાજીબાગ ખાતે પગાર વધારા મુદ્દે સાત દિવસથી આંદોલન કરી રહેલ આંગણવાડી કાર્યકરોને આજે એક મહિલા પોલીસકર્મીએ કોરોનામાં માસ્ક પહેર્યા વિના આટલા બધા ભેગા થાવ છો તેવો દમ માર્યો હતો. જોકે, મહિલા પોલીસકર્મી પોતે માસ્ક પહેર્યા વિના આવી વાતો કરી રહી હતી. બીજી તરફ આંદોલન કરી રહેલી મહિલાઓનું કહેવું છે કે, વડોદરામાં વડાપ્રધાન મોદીની સભામાં ભીડ ભેગી કરવા અમને ટાર્ગેટ અપાયો ત્યારે કોરોના ક્યાં ગયો હતો?

પોલીસની સયાજીબાગમાં એન્ટ્રી
વડોદરા સહિત રાજ્યભરમાં હાલ પગાર વધારા મુદ્દે આંગણવાડી કાર્યકરો આંદોલન કરી રહ્યા છે. આજે વડોદરા શહેરના ગણેશ પંડાલોનાં દર્શને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના છે, ત્યારે આજનો દિવસ સચવાઇ જાય અને વડોદરામાં પણ આંદોલન કરી રહેલા આંગણાવાડી કાર્યકરો વિખરાઇ જાય તે માટે પોલીસ તંત્ર દોડતું થયું છે. આંદોલન કરી રહેલા આંગણવાડી કાર્યકરો સયાજીબાગમાં પ્રવેશી અંદર બેસતા પોલીસની બે ગાડીએ આવી ગઇ હતી અને તેમાંથી એક મહિલા પોલીસકર્મી માસ્ક પહેર્યા વિના જ આંગણવાડી કાર્યકરોને દમ મારવાં લાગ્યાં હતાં કે, પરમિશન અને માસ્ક પહેર્યા વિના કોરોનામાં આવી રીતે ભેગાં થાવ છો, ત્યારે મહિલાઓએ કહ્યું હતું કે કોરોનામાં ગણપતિ ઉત્સવ તો ચાલે છે.

આંગણવાડી કાર્યકરો દ્વારા પગાર મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું છે
આંગણવાડી કાર્યકરો દ્વારા પગાર મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું છે

હવે પોલીસ કોરોનાથી ડરાવવા આવી
દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં આંદોલન કરી રહેલા આંગણવાડી કાર્યકર કિન્નરી યાદવે જણાવ્યું હતું કે, મોદીજી વડોદરામાં આવ્યા હતા ત્યારે અમે બધી બહેનો જ ગઇ હતી, અમને આખી બસ કરવાની આગેવાની આપી હતી. ત્યારે અમે 200 લોકોને લઇને સભામાં ગયા હતા ત્યારે તો ખબર નહીં કોરોના ક્યાં ગયો હતો? હવે કોરોનાની વાત કરીને અમને ધમકાવવા આવ્યા. આંગણવાડી કાર્યકરો મહિલાઓ નાનાં બાળકોને લઇને આવી છે. તેઓ તડકામાં ક્યાં સુધી ઊભાં રહે એટલે અમે ગાર્ડનમાં બેસવા આવ્યાં તો પોલીસકર્મચારી અમને ડરાવવા આવ્યા અને એ પણ ડરાવે છે કોરોનાથી. જ્યારે કોરોનાકાળ હતો ત્યારે અમે આ સ્થિતિમાં તો કામ કર્યું છે ત્યારે તો કંઇ ન આવ્યા અને હવે કોરોનાથી ડરાવવા આવ્યા. જે મહિલા પોલીસકર્મી કોરોનાથી ડરાવવા આવ્યાં હતાં તેમણે જ માસ્ક નહોતું પહેર્યું. અમે આંગણવાડી કાર્યકરોએ તો બુસ્ટર ડોઝ પણ લઈ લીધો છે અને અમારા વિસ્તારોમાં બુસ્ટર ડોઝ લેવા લોકોને લઇ જઇએ છીએ.

આંદોલન ચાલુ રહેશે
કિન્નરી યાદવે જણાવ્યું હતું કે અમારા આંદોલન અંગે રજૂઆત કરવા અધિકારીઓને ફોન કરીએ પણ તેમાંથી કોઇ ફોન નથી ઉપાડી રહ્યું. અમારું આંદોલન અચોક્કસ મુદત સુધી ચાલશે અને જ્યાં સુધી માંગણીઓ સ્વીકરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

મહિલા પોલીસકર્મીએ કોરોનામાં માસ્ક પહેર્યા વિના આટલા બધા ભેગા થાવ છો તેવો દમ માર્યો હતો.
મહિલા પોલીસકર્મીએ કોરોનામાં માસ્ક પહેર્યા વિના આટલા બધા ભેગા થાવ છો તેવો દમ માર્યો હતો.

શું છે આંદલોનકારીઓની માંગ
કિન્નરી યાદવે કહ્યું હતું કે, અમારી માંગણી છે કે માનદવેતન શબ્દ દૂર કરી અમને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે. સરકારી કર્મચારીઓને જે લાભ મળે છે એ લાભ અમને પણ મળે. અમારો પગાર 7800 રૂપિયા છે અને હેલ્પર બહેનોનો પગાર માત્ર 3900 રૂપિયા છે તેમાં વધારો કરવામાં આવશે. અમારી માંગણી છે કે, ઓછામાં ઓછો 18 હજાર રૂપિયા પગાર અમને મળવો જોઇએ. કારણ કે, અમે શહેરી સહિત સ્લમ વિસ્તારોમાં ફરીને સગર્ભાબહેનો, ધાત્રીબહેનો, બાળકો અને કિશોરીઓને અનાજ પહોંચાડીએ છીએ. પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ પણ અમે કામગીરી કરીએ છીએ. પોલિયો, ચૂંટણીની કામગીરી પણ કરીએ છીએ.

અમે પીપીઇ કિટ પહેર્યા વિના કામ કરતાં હતાં
આંગણવાડી કાર્યકર રેહાના અંસારીએ કહ્યું હતું કે, કોરોનાકાળમાં અમે ઘરે ઘરે ફરી દર્દીઓના ટેમ્પરેચર ચેક કરતા હતા. પીપીઇ કિટ પહેર્યા વિના અમે કામ કરતાં હતાં. હવે અમારા ભેગા થવાથી કોરોના આવી જાય છે. એ મેડમે જ માસ્ક નહોતું પહેર્યું. હવે અમે તેમને શું કહીએ. એમણે સમજીને બોલવું જોઇએ.

વડોદરા સહિત રાજ્યભરમાં હાલ પગાર વધારા મુદ્દે આંગણવાડી કાર્યકરો આંદોલન કરી રહી છે
વડોદરા સહિત રાજ્યભરમાં હાલ પગાર વધારા મુદ્દે આંગણવાડી કાર્યકરો આંદોલન કરી રહી છે