કાર્યવાહી:પોલીસે ખાનગી વાહનમાં જઇ દારૂની પાર્ટી કરતાં 5ને પકડ્યા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માંજલપુર મેપલ એવન્યમાં મોડી રાતે દારૂની મહેફિલ મંડાઈ હતી

માંજલપુરના મેપલ એવન્યુ ખાતે શુક્રવારે મોડી રાતે દારૂની મહેફિલ માણતા 5 મિત્રોની પોલીસે ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે ખાનગી વાહનમાં સવાર થઈ દરોડો પાડ્યો હતો. પાંચેયની ધરપકડ કરીને દારૂની 2 બોટલો અને 5 મોબાઈલ મળી રૂા.49 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

11 જૂનના રોજ રાતે 9 વાગે પોલીસને વર્ધી મળી હતી કે, માંજલપુર મેપલ એવન્યુ ટાવરમાં ગોપીને ત્યાં દારૂની પાર્ટી ચાલે છે. જે માહિતી મળતાં જ પોલીસની ટીમ વડસર બ્રિજથી ખાનગી વાહનમાં બેસીને મેપલ એવન્યુ ટાવરમાં પહોંચી હતી. પોલીસે મકાનમાં દરોડો પાડતાં 5 વ્યક્તિઓ દારૂ પીતા ઝડપાયા હતા.

પોલીસને જોઈને પાંચેય વ્યક્તિ ગભરાઈ ગયા હતા. પોલીસે મકાનમાલિક નયન ગોવિંદભાઈ ગાયકવાડ (રહે.વાડી ટાવર સામે, વાડી), અશ્વીન જયંતીલાલ સોની (રહે.મેપલ એવન્યુ, માંજલપુર), પ્રવિણ રમેશભાઈ પરમાર (રહે.મેપલ એવન્યુ, માંજલપુર), મૌલિક નવીનભાઈ શાહ (રહે. સ્વામીનારાયણ નગર, નિઝામપુરા) અને અમિત સતીષભાઈ બ્રહ્મભટ્ટ (રહે.અમદાવાદી પોળ, રાવપુરા)ની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસને મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની 2 બોટલ મળી આવી હતી. પોલીસે 5 મોબાઈલ અને દારૂની બોટલ મળી કુલ રૂા.49,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સોસાયટીની મિટિંગ બાદ દારૂ પીવા બેઠા હતા
માંજલપુર પોલીસે જણાવ્યું હતું કે, આરોપી નયન ગાયકવાડ મેપલ એવન્યુમાં મકાન ધરાવે છે અને સોસાયટીનો પ્રમુખ છે તેમજ ઝેરોક્ષની દુકાન ધરાવે છે,પ્રવિણ પરમાર ઝેરોક્ષ મશીન રીપેર કરે છે તેમજ મેપલ એવન્યુનો પ્રમુખ છે. જ્યારે બીજા આરોપીઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આરોપીઓએ સોસાયટીને સાફ કરાવવા માટેની મીટીંગ બોલાવી હતી. મીટીંગ પુરી થયા બાદ આરોપીઓ દારૂ પીવા બેઠા હતાં.

અન્ય સમાચારો પણ છે...