રાજકારણમાં ચર્ચાનો વિષય:વડોદરા જિલ્લામાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, પોલીસે લાયસન્સ વગર ડિટેઇન કરેલી બાઇકો ભાજપના ધારાસભ્યએ મુક્ત કરાવી દીધી

વડોદરા2 મહિનો પહેલા
જિલ્લા ટ્રાફિક પોલીસે લાયસન્સ વગર ડિટેઇન કરેલી બાઇકો સાવલીના ધારાસભ્યે મુક્ત કરાવી.
  • પોલીસે બાઇકો તો મુક્ત કરી પણ, ચાલકોને RTO મેમો આપવામાં આવ્યો

વડોદરા જિલ્લામાંજ નહિં, ગુજરાતના કોઇ પણ શહેરમાં સાવલીનો બાઇક ચાલક યુવાનને પોલીસ લાયસન્સ વગર પકડશે અને તે કહેશે કે, "હું કેતન ઇનામદારના સાવલીનો છું., તો તેને કોઇ લાયસન્સની જરૂર રહેશે નહિં" તાજેતરમાં જ યુવા સંમેલનમાં આ હુંકાર સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે કર્યો હતો. પરંતુ, તેઓએ કરેલા હુંકારના ગણતરીના દિવસોમાં જ રાજ્યના અન્ય શહેરોમાં તો ઠીક વડોદરા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાખવામાં આવેલી ટ્રાફિક ડ્રાઇવમાં સાવલી પંથકના બાઇક ચાલક યુવાનોને લાયસન્સ વગર પકડતા ચકચાર મચી ગઇ હતી. જોકે, ધારાસભ્ય તત્કાલિક સાવલી પોલીસ મથકમાં પહોંચી જઇ તમામ ડિટેઇન કરેલી બાઇકો મુક્ત કરાવી હતી.

ધારાસભ્યોએ પ્રચાર શરૂ કર્યો
આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે વર્તમાન ધારાસભ્યોને વિધાન સભાની ચૂંટણીમાં ટિકીટ મળશે કે કેમ તે નક્કી નથી. પરંતુ, જે ધારાસભ્યોને પોતાને ટિકીટ મળશે તેવી ચોક્કસ ખાત્રી છે. તેવા ધારાસભ્યોએ જોરશોરથી પોતાના વિધાન સભા મત વિસ્તારમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી વિધાન સભા ક્ષેત્રમાં તાજેતરમાં યુવા સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં ધારાસભ્ય કેતન ઇનામદારે યુવાનોને લાયસન્સ વગર વાહન ચલાવવા માટે આડકતરી રીતે છૂટ આપતી જાહેરાત કરી હતી.

ધારાસભ્ય કેતન ઇનામદાર પોલીસ મથકે પહોંચી ગયા.
ધારાસભ્ય કેતન ઇનામદાર પોલીસ મથકે પહોંચી ગયા.

સાવલીનું નામ દેજો કોઇ પણ પોલીસે છોડી દેશે
યુવા સંમેલનમાં ઉપસ્થિત યુવાનોને સંબોધતા ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, સાવલી પોલીસ જ નહિં વડોદરા જિલ્લા પોલીસજ નહિં, ખેડા જિલ્લા પોલીસજ નહિં, અમદાવાદજ નહિં. પરંતુ ગુજરાતના કોઇ પણ શહેરમાં સાવલીના બાઇક ચાલક યુવાનને પોલીસ લાયસન્સ વગર પકડશે અને તે યુવાન એવું કહેશે કે, "હું કેતન ઇનામદારના સાવલીનો યુવાન છું., તો તેને કોઇ લાયસન્સની જરૂર પડશે નહિં"

ધારાસભ્યએ કાયદો અને વ્યવસ્થાનો દૂર ઉપયોગ ન કરવા જણાવ્યું.
ધારાસભ્યએ કાયદો અને વ્યવસ્થાનો દૂર ઉપયોગ ન કરવા જણાવ્યું.

બાઇકો પોલીસ મથકમાં લઇ જવાઇ
સાવલીના ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદારે યુવા સંમેલનમાં યુવાનોને લાયસન્સની ચિંતા કરવી નહિં. તેવી જાહેરાત કર્યાના ગણતરીના દિવસોમાં ગુજરાતના બીજા શહેરોમાં નહિં, પરંતુ પોતાનાજ હોમ ટાઉન સાવલી તાલુકામાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં ટ્રાફિક પોલીસ અને સાવલી પોલીસની એક ટીમ સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે ટ્રાફિક ડ્રાઇવ ગોઠવી હતી. જેમાં સાવલી પંથકના 50 જેટલા બાઇક ચાલકોને પોલીસે લાયસન્સ સહિત અન્ય કારણોસર પકડ્યા હતા. અને જે બાઇક ચાલકો પાસે લાયસન્સ ન હતા. તેઓની બાઇકો ડીટેઇન કરી સાવલી પોલીસ મથકમાં લઇ જવામાં આવી હતી.

યુવા સંમેલનને સંબોધન કર્યું હતું તે સમયની તસવીર.
યુવા સંમેલનને સંબોધન કર્યું હતું તે સમયની તસવીર.

ધારાસભ્ય પોલીસ મથક દોડી ગયા
જિલ્લા ટ્રાફિક પોલીસની ડ્રાઇવમાં એક સાથે 50 જેટલી બાઇકો ડીટેઇન કરવામાં આવતા તાલુકામાં ચકચાર મચી ગઇ હતી. જોકે, આ અંગેની જાણ સાવલીના ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદારને થતાં તુરતજ તેઓ સાવલી પોલીસ મથકમાં પહોંચી ગયા હતા. અને પોલીસે લાયસન્સ વગર ડિટેઇન કરેલી બાઇકો મુક્ત કરાવી હતી. સાથે પોલીસને કાયદો અને વ્યવસ્થાનો દૂરઉપયોગ ન કરવા માટે પણ ધ્યાન દોર્યું હતું. જોકે, ધારાસભ્યએ ડિટેઇન કરવામાં આવેલી બાઇકો તો મુક્ત કરી દેવામાં આવી હતી. પરંતુ, લાયસન્સ વગર પકડાયેલા બાઇક ચાલકોને RTO મેમોમાંથી મુક્ત કરાવી શક્યા ન હતા.

તાલુકામાં ચર્ચાનો વિષ બન્યો
જોકે, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે યુવા સંમેલનમાં યુવાનોને લાયસન્સ વગર બાઇક ચલાવવા આડકતરી રીતે આપેલી છૂટ બાદ જિલ્લા ટ્રાફિક પોલીસે પકડતા ડિટેઇન કરેલી બાઇકો મુક્ત કરાવી દીધી હતી. પરંતુ, જિલ્લા ટ્રાફિક ડ્રાઇવમાં લાયસન્સ વગર પકડાયેલા યુવાનોએ કેતન ઇનામદારના સાવલીના રહેવાસી હોવાનું જણાવવા છતાં, પોલીસે તેઓની બાઇક ડિટેઇન કરી લીધી હતી. જોકે, ધારાસભ્ય કેતન ઇનામદાર રૂબરુ પોલીસ મથકમાં પહોંચ્યા બાદ પોલીસને ડિટેઇન કરેલી બાઇકો કોઇ પણ જાતનો ચાર્જ લીધા વગર છોડી મુકવાની ફરજ પડી હતી. સાવલીમાં બનેલી આ ઘટના તાલુકાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...