કામગીરી:સલાઉદ્દીન-ઉમરનો કબજો ન મળતાં તપાસ અટવાઇ, નવું ટ્રાન્સફર વોરન્ટ મેળવી પોલીસની ટીમ ફરી લખનાૈ જશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધર્માંતરણ અને ફંડિંગના મામલામાં તપાસ કરી રહેલી એસઆઇટીની ટીમે હાલ લખનઉ પોલીસના કબજામાં રહેલા સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમને વડોદરા લાવવા માટે ફરીથી ટ્રાન્સફર વોરંટ મેળવવાની તજવીજ કરી છે અને પોલીસની ટીમ ફરીથી લખનઉ મોકલવાની કાર્યવાહી શરુ કરાઇ છે. સલાઉદ્દીન અને ઉમર ગૌતમનો કબજો હજુ ન મળતાં વડોદરા પોલીસની તપાસ હાલના તબક્કે અટવાઇ ગઇ છે. ધર્માંતરણ, સરકાર વિરોધી આંદોલનો અને કોમી તોફાનોમાં સંડોવાયેલા આરોપીઓને છોડાવવા શહેરના સલાઉદ્દીન શેખ તથા ઉમર ગૌતમ સહિતના આરોપીઓની સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યા બાદ મામલાની ઝીણવટભરી તપાસ કરાઇ રહી છે.

પોલીસે સલાઉદ્દીનના ખાસ સાગરીત ગણાતા મહમદ હુસેન ગુલામરસૂલ મનસુરીની ધરપકડ કરી હતી. પોલીસની 2 ટીમ અગાઉ સલાઉદ્દીન અને ઉમર ગૌતમનો કબજો લેવા લખનાૈ પહોંચી હતી પણ બંને સામે સ્થાનિક પોલીસે નવી કલમોનો ઉમેરો કર્યો હોવાથી તે મામલામાં બંનેના ફરીથી રિમાન્ડ લેવાયા હતા. જેથી પોલીસ તેમનો કબજો મેળવી શકી ન હતી અને વડોદરા પરત ફરી હતી. હવે ફરીથી બંનેનો કબજો મેળવવા પોલીસની ટીમે ટ્રાન્સફર વોરન્ટ મેળવવાની તજવીજ કરી હતી. ત્યારબાદ પોલીસ ફરીથી લખનાૈ જશે અને બંનેને વડોદરા લાવશે.

અન્ય સમાચારો પણ છે...