દારૂની હેરાફેરી:વડોદરામાં પોલીસે 1.91 લાખનો વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થઇ રહેલી કારને ઝડપી પાડી, બુટલેગર ફરાર

વડોદરા8 મહિનો પહેલા
1.91 લાખના દારૂના જથ્થા સાથે 6.91 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.
  • પોલીસે રૂપિયા 1.91 લાખનો દારૂ કબજે કર્યો

શહેર નજીક સાકરદા, ભાદરવા રોડ ઉપરથી નંદેશરી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થઇ રહેલી કારને ઝડપી પાડી હતી. જોકે, બુટલેગર પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે રૂપિયા 1.91 લાખનો દારૂનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બાતમી આધારે કાર્યવાહી હાથ ધરી
મળેલી માહિતી પ્રમાણે નંદેશરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ મથકના પોલીસ જવાન શૈલેષભાઈ લાલજીભાઈને માહિતી મળી હતી કે સાકરદા અને ભાદરવા રોડ ઉપરથી વિદેશી દારૂ લઈને એક કાર પસાર થવાની છે. જે બાતમીના આધારે તેઓએ પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સાથી પોલીસ જવાનોની મદદ લઇ વોચ ગોઠવી હતી.

કારમાંથી દારૂ મળી આવ્યો.
કારમાંથી દારૂ મળી આવ્યો.

બુટલેગર કાર સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો
દરમિયાન બાતમીવાળી કાર આવતા જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. જોકે પોલીસ કાર પાસે આવે તે પહેલાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહેલ બુટલેગર કાર સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે કાર પાસે પહોંચી તપાસ કરતાં કારમાંથી રૂપિયા 1,91,500 કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 57 પેટી દારૂ અને કાર મળી કુલ રૂપિયા 6,91,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજી બાજુ પોલીસે કારના નંબરના આધારે આ કાર કોની હતી, તે અંગે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન વિગતો બહાર આવશે.

કારના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરાઈ.
કારના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરાઈ.

અજાણ્યા બુટલેગર સામે ગુનો નોંધાયો
ઉલ્લેખનીય છે કે બુટલેગરો દ્વારા રાત્રી કરફ્યુનો લાભ ઉઠાવી વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી કરી રહ્યા છે. જોકે તે સામે પોલીસ તંત્ર પણ એલર્ટ હોવાથી બુટલેગરોની મુરાદ પૂરી થવા દેતી નથી. બુધવારે સાંજે નંદેશરી પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો પકડતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. નંદેશરી પોલીસે અજાણ્યા બુટલેગર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.