તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશાનો કારોબાર:વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખના બંગલા પાછળની સરકારી જમીનમાં કટિંગ થતો દારુ ઝડપાયો, પોલીસે 6.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા - Divya Bhaskar
પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
  • પોલીસે ફરાર ચાર વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલા પાછળ આવેલી સરકારી જમીનમાં વિદેશી દારૂના ચાલી રહેલા કટીંગ દરમિયાન પોલીસે દરોડો પાડી ત્રણ કેરીયરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ તથા વાહનો મળી કુલ્લે રૂપિયા 6.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં પોલીસે ફરાર ચાર વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસને દારૂની માહિતી મળતાં દરોડો પાડ્યો હતો
મળેલી માહિતી પ્રમાણે શહેર પી.સી.બી. પી.આઇ. જે.જે. પટેલને માહિતી મળી હતી કે, માંજલપુર કલ્યાણબાગ ગરબા ગ્રાઉન્ડ પાસે આવેલ અંબિકા ભુવનના પાછળના ભાગે આવેલી સરકારી જમીનમાં વિદેશી દારૂનું કટીંગ થઇ રહ્યું છે. જે માહિતીના આધારે પી.એસ.આઇ. એમ.જી. કરડાણી તથા સ્ટાફે દરોડો પાડી સરકારી જમીનમાં વિદેશી દારૂનું કટીંગ કરી રહેલા પીન્ટુ ભેરૂલાલ આહીર,સતીષ અમરભાઇ ચૌહાણ અને કરણસિંહ ગોવિંદભાઇ રાઠવાને ઝડપી પાડ્યા હતા.

વાહનો મુકીને ભાગી ગયેલા કેરિયરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા
વાહનો મુકીને ભાગી ગયેલા કેરિયરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા

પોલીસે 6.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
આ સાથે પોલીસે સરકારી જમીનમાંથી રૂપિયા 1,24,800 ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો, 3 ફોર વ્હિલ, 1 ટુ વ્હિલર, હેલ્મેટ અને રોકડ રૂપિયા 700 મળી કુલ્લે રૂપિયા 6,94,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સરકારી જમીનમાં ખૂલ્લેઆમ વિદેશી દારૂ અને બિયરના ચાલી રહેલા કટીંગ સમયે પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડતાજ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લેવા માટે આવેલા સ્થાનિક કેરીયરોમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાંક કેરીયરો પોતાના વાહનો સ્થળ પર મુકી ફરાર થઇ ગયા હતા.

પોલીસે ફરાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા
પોલીસે સ્થળ પર પોતાના વાહનો મુકીને ફરાર થઇ ગયેલા હરીશ ઉર્ફ હરેશ ઉર્ફ હરી ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રીય, વિજય રાણા અને તેમજ ટેમ્પો ચાલક અને હોન્ડાની મોટર સાઇકલના માલિકને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલાની પાછળ આવેલી સરકારી ખૂલ્લી જગ્યામાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે પી.સી.બી. શાખાએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.