તપાસ:ગાય શોધવા પોલીસે વાઘોડિયા રોડ અને હાઇવે તરફના CCTV ફંફોસ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીની આંખ ફોડનાર ગાયને ઝડપથી શોધવા અધિકારીઓનું ફરમાન
  • ઘટના સ્થળે હાજર 5થી વધુ લોકોનાં નિવેદન લેવાયાં, તપાસ હજી ઠેરની ઠેર

ગાયનું શિંગડું વાગતાં આંખ ગુમાવનારા યુવકના પિતાની ફરિયાદ બાદ પોલીસ છેલ્લા 48 કલાકથી ગાયને શોધવા દોડધામ કરી રહી છે. પોલીસે વાઘોડિયા રોડ વિસ્તાર અને હાઈવે તરફના 8 થી 10 સીસીટીવી કેમેરા પણ તપાસ્યા છે. જોકે પોલીસને ઘટના સ્થળ પરથી ગાય ક્યાં ગઈ તેની જાણ થઈ નથી શકી. ઉપરી અધિકારી દ્વારા પાણીગેટ પોલીસને તાત્કાલિક ગાય શોધી લાવવા ફરમાન બહાર પાડી દેવામાં આવ્યું છે.

યુવક હેનીલને 10 મેના રોજ ગાયનું શિંગડું વાગતાં આંખ ફૂટી ગઇ હતી.ઘટનાનો ભોગ બનનાર યુવકના પિતા નીતિન પટેલે પોતાની ફરિયાદમાં પાલિકાના જવાબદાર અધિકારીઓને આરોપી બનાવ્યા હતા, પરંતુ પોલીસે મૂળ ફરિયાદને અડધો કલાકમાં જ બદલી દઈને પાલિકાના અધિકારીઓને આરોપીમાંથી બાકાત કર્યા હતા. જોકે ફરિયાદમાં પાલિકાના અધિકારીઓ સામે તપાસ કરાશે તેમ ઉલ્લેખ કરાયો હતો.

ડીસીપી યશપાલ જગાનિયાએ જણાવ્યું હતું કે, હજુ સુધી પોલીસને ગાય મળી નથી. ગાય મળ્યા બાદ તેનો માલિક કોણ છે તે અંગે જાણી શકાશે. ઢોર પાર્ટીના જવાબદાર અધિકારીઓની પૂછપરછ કરાઈ છે કે કેમ? તેના જવાબમાં ડીસીપીએ તેઓ માત્ર ગાયના માલિકને શોધવામાં જ હાલ ફોકસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, ઉપરી અધિકારીઓના આદેશ બાદ વોન્ટેડ ગુનેગારોને પકડવાની જગ્યાએ હવે પોલીસ ગાય શોધવા સીસીટીવી ફંફોસી રહી છે. જ્યારે પોલીસે ઘટના સ્થળ પર જ્યારે બનાવ બન્યો ત્યારે ત્યાં હાજર 5થી વધુ લોકો નિવેદનો પણ લીધાં છે. જોકે ગાયનો માલિક કોણ છે તે અંગે પોલીસ જાણી શકી નથી.

કૂતરું આડે આવતાં રિક્ષા પલટી, ચાલક ઘાયલ
શહેરમાં કૂતરું આડે આવતાં અકસ્માતની સોમવારે ઘટના નોંધાઈ હતી, જેમાં ઓલ પાદરા રોડ પર રાજુ આમલેટ પાસેથી પસાર થતી વેળા કૂતરું આડે આવતાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. બનાવ અંગે સયાજી હોસ્પિટલમાંથી જાણવા મળ્યા મુજબ છાણી વિસ્તારના ફર્ટિલાઇઝર નગર પાસે રહેતા 50 વર્ષીય પ્યારેલાલ ચાવડા સોમવારે બપોરે 3 વાગે રિક્ષા લઈને ઓપી રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન કૂતરું આડે આવતાં તેમની રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં તેમને ઇજા થતાં સયાજીમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...