નંદેસરી પોલીસ સ્ટેશનની શી ટીમ પેટ્રોલીંગમાં નિકળી હતી. આ દરમિયાન રાત્રની અંધારામાં એક મહિલા અનગઢ મહિસાગર નદી તરફ પોતાના બે નાના બાળકોને લઇને રડતાં રડતાં જઇ રહી હતી. જેથી શી ટીમને શંકા જતાં મહિલાને રોકી તેને શાંતિથી બેસાડી પૂછપરછ કરતા મહિલાએ જણાવ્યું હતું કે, મારા સાસુ સાથે ઝઘડો થયો છે અને રોજ રોજના ઝઘડાથી કંટાળી ગઇ છું. મારે મહિસાગર નદીમાં પડી મરી જવું છે.
મહિલા ખેડા જિલ્લાની રહેવાસી
નંદેસરી પોલીસની શી ટીમે આ મહિલા તથા તેના બાળકોને મહિસાગર નદીથી થોડેક દૂર લઇ જઇ બાકડા પર બેસાડી પાણી પીવડાવીને મહિલાનું નામ તથા સરનામું પુછુ્યું. હતું જેમાં મહિલા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના એક ગામની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. મહિલાએ કહ્યું હતું કે, હું મારા બાળકો સાથે પતિ અને સાસુ-સસરા સાથે રહું છું. મારે મારા સાસુ સાથે અવારનવાર ઝઘડો થાય છે. આજે પણ ઝઘડો થતાં મેં મહિસાગર નદીમાં પડીને મરવાનો નિર્ણય લીધો હતો.
હું આજે મોટી ભૂલ કરવાની હતી: મહિલા
જેથી પોલીસે મહિલાના પતિને બોલાવ્યા હતા અને મહિલા તથા તેના પતિનું કાઉન્સેલીંગ કર્યું હતું. તેમજ આત્મહત્યા તેમજ ઝઘડો ન કરવા સમજાવ્યા હતા. જેથી દંપતિ માની ગયું હતું અને બાળકો સાથે મહિલા ઘરે ગઇ હતી. મહિસાગરમાં જીવન ટૂંકાવવાના ઇરાદે આવેલ મહિલાએ પોલીસનો આભાર માનતા જણાવ્યું હતું કે, હું આવું ક્યારેય નહીં કરુ અને તમે અહીં ન હોત તો ખરેખર હું બહું મોટી ભૂલ કરી બેસતી.
ઉલ્લેખનીય છે કે આ મહિલાને બચાવવામાં નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એમ.જાડેજા, પોલીસકર્મીઓ રમેશભાઇ ત્રીભોવનભાઇ અને રજનીકાંત પ્રતાપભાઇ તેમજ શી ટીમના મહિલા પોલીસકર્મી સુરેખાબેન નારસિંગભાઇ તથા અમીતાબેન કાનજીભાઇએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.