રાવપુરા ઘી કાંટા રોડની દુકાનમાંથી માથાભારે વ્યક્તિ હજારો રૂપિયાની ચોરી કરી જતાં વેપારીને ઘટનાની જાણકારી સીસીટીવી માધ્યમથી મળી હતી. વેપારી કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ કરવા જતાં તેમને પોલીસ કર્મચારીએ જે વ્યક્તિ પૈસા ચોરી ગયો છે તે માથાભારે છે, પાસામાંથી છૂટ્યો છે. તમે ફરિયાદ આપશો તો ઉપરથી વધારે હેરાન થશો. કહી આરોપીનું ઉપરાણું લીધું હતું. આખરે ઉપરી અધિકારીના ધ્યાને વાત આવતાં ફરિયાદ લેવાઈ હતી. ઘી કાંટા રોડ પર જયેશ પંચાલની ઇલેક્ટ્રોનિકની દુકાનમાં અઠવાડિયા પહેલાં આવેલી એક વ્યક્તિ નજર ચૂકવી પાકીટમાંથી 15થી 20 હજાર રૂપિયાની ચોરી કરી હતી.
દુકાનમાં લાગેલા સીસીટીવીના ફૂટેજ જોતાં એક શખ્સ પૈસાની ચોરી કરતાં જોવા મળ્યો હતો. આ અંગે વેપારીએ કારેલીબાગ પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ કરવાનું કહેતાં પોલીસ જવાને મચ્છીપીઠમાંથી એક યુવકને બોલાવી ચોર અંગે ખાતરી કરી હતી. પોલીસે એ યુવકનું નામ-સરનામા સહિતની વિગતો પ્રાપ્ત કરી લીધી હતી. પોલીસને ગુનેગાર અંગે પુરાવા સ્વરૂપે વીડિયો ફૂટેજ આપવા છતાં પકડવાને બદલે પોલીસકર્મીએ ઉપરાણું લીધું હતું. વેપારીને એક અઠવાડિયાથી કારેલીબાગ પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવામાં આવ્યા હતા. આખરે ઉપરી અધિકારીના આદેશ બાદ અરજી સ્વરૂપે ફરિયાદ લેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.