જમીન દલાલીનું કામ કરતા વેપારીના મોબાઈલમાંથી અંગત પળોના વીડિયો મેળવી રૂપિયા 20 લાખની ખંડણી માગનાર આરોપી ચક્કર ખાઈને પડતાં SSGમાં દાખલ કરાયો છે. જ્યારે આસ્થા ફાઉન્ડેશનના કહેવાતા ટ્રસ્ટીને પોલીસ પકડવા મથી રહી છે. વેપારી પાસે 20 લાખની ખંડણી માગનારા રાજેશ ભાલીયા વિરુદ્ધ જાન્યુઆરી 2022માં ગાંધીનગર ઇકોનોમિક સેલમાં પાંચ લાખની ઠગાઇનો કેસ નોંધાયો હતો.
જેમાં રાજેશના બે દિવસના રીમાન્ડ લીધા હતા. તેને કોર્ટમાં રજૂ કરતાં બેભાન થતાં SSGમાં સારવાર અપાઇ રહી છે. આ કેસના અન્ય આરોપી અને આસ્થા ફાઉન્ડેશનના કહેવાતા ટ્રસ્ટી હિમાંશુ દેસાઈને પોલીસ શોધી રહી છે. પોલીસ અનુસાર, માંજલપુરમાં જમીન દલાલનું કામ કરતા વિપુલભાઈ (નામ બદલ્યું છે)એ 2018માં રાજેશ ભાલીયા (રહે-વડસર બ્રિજ પાસે)ની દુકાન રૂા.5 હજાર માસીક ભાડેથી લીધી હતી.
ચાર મહિના ભાડું આપ્યા બાદ ધંધો ચાલતો ન હોવાથી ભાડંુ આપી શક્યાં ન હતાં. રાજેશ ભાલીયાએ ફરિયાદીને લાફા મારી લેપટોપ, મોબાઈલ અને ચેકબુક લઈ બાદમાં ફરીયાદીને બોલાવી અંગત પળના વિડિયો વાયરલ થશે તો તમે ક્યાંયના નહી રહો કહી રૂા.20 લાખ માંગ્યા હતા. ફરિયાદીએ રૂા. 5 લાખ આપ્યા છતાં સતત ઉઘરાણી કરતો હતો.
રાજેશ ભાલીયાએ ફરિયાદીની ચેકબુકમાંથી આસ્થા ફાઉન્ડેશનના નામે 1 ચેક ક્લિયર થવા બેંકમાં નાંખતાં બેંકે ફરિયાદીનો સંપર્ક કરતા ચેક તેણે નથી આપ્યો કહેતા બેંકે ફરિયાદી અને ચેક લઈને આવનાર પ્રજ્ઞા જોષીને બોલાવી હતી. પ્રજ્ઞા જોષીએ જણાવ્યું કે, આ ચેક અમારા ટ્રસ્ટી હિમાંશુ દેસાઈએ જમા કરાવવા આપ્યો છે. દાંડીયાબજાર ટ્રસ્ટની ઓફિસે સંપર્ક કરો. ફરિયાદી ટ્રસ્ટીને મળતાં તેમણે તેમના અંગત પળના વિડિયો જોયા છે. અને બાકીના 15 લાખ આપવા જણાવતાં પોલીસ ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.