વડોદરા શહેરના આજવા રોડ ઉપર રહેતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક્ટ્રેસની બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણી રહેલા અમદાવાદના 3 વ્યક્તિઓ તેમજ વ્યવસ્થા કરી આપનાર એક્ટ્રેસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે યુવતીની પણ ધરપકડ કરી
વડોદરા ક્રાઇમ બ્રાંચના પી.આઇ આર. એ. જાડેજાને માહિતી મળી હતી કે, વડોદરાના આજવા રોડ ઉપર રહેતી યુવતીના ઘરે દારૂની મહેફિલ ચાલી રહી છે. જેના આધારે ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. આર.કે ટોરાની, ડી.જે. પ્રજાપતિ અને સ્ટાફના હર્ષદભાઈ, ધર્મેન્દ્રભાઇ, યોગેશભાઈ, રાકેશભાઈ, જૈનુલભાઈ અને હરદીપસિંહ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને દારૂની મહેફિલ માણી રહેલા અમદાવાદ મેમનગર વિસ્તારની વિશ્રામનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર ગજેન્દ્રભાઈ ગોસાઈ, બોળકદેવ અમદાવાદ ખાતે રહેતા નીરવ રાજેન્દ્રભાઈ શર્મા, અને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ હર્ષિદ પાર્ક સોસાયટી, અમદાવાદ ખાતે રહેતા મિતેશ અમૃતભાઈ રબારીને ઝડપી પાડયા હતા. આ ઉપરાંત પોલીસે દારૂની મહેફિલની વ્યવસ્થા કરી આપનાર મકાનમાં રહેતી યુવતીની પણ ધરપકડ કરી હતી.
વિદેશી દારૂની બે બોટલો, મોબાઇલ ફોન, બી.એમ.ડબલ્યુ કાર જપ્ત
પી.આઈ. આર.એ. જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસે યુવતીના મકાનમાંથી વિદેશી દારૂની બે બોટલો, મોબાઇલ ફોન, બી.એમ.ડબલ્યુ કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓને બાપોદ પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરના આજવા રોડ ઉપર યુવતીના ઘરમાંથી દારૂની મહેફિલ ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
યુવતી ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ
મળેલી માહિતી પ્રમાણે અમદાવાદથી આવેલા મિત્રોને દારૂની મહેફિલની વ્યવસ્થા કરી આપનાર યુવતી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની એક્ટ્રેસ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.