દરોડા:વડોદરાના ગદાપુરા ગામમાં દારૂનો ધંધો કરતાં બુટલેગરને ત્યાં પોલીસની રેડ, 1 લાખથી વધુનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
જમીનમાં દાટી દેવામાં આવેલો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો.
  • પોલીસની રેડની બાતમી મળી હોય તેમ બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો

વડોદરાના ગદાપુરા ગામમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતા બુટલેગરની ત્યાં પી.સી.બી. શાખાની ટીમે દરોડો પાડી રૂપિયા 1 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પી.સી.બી.ની ટીમ કોર્ટમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં બંદોબસ્તમાં હતી. તે સમયે માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. જોકે, નામચીન બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો.

બાતમીના આધારે રેડ
પી.સી.બી.ના પી.આઇ. જે.જે. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઇ દારૂની હેરાફેરી કરતા તેમજ દારૂનું વેચાણ કરતા બુટલેગરો ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે પી.સી.બી.ની ટીમ ન્યાય મંદિર કોર્ટમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં બંદોબસ્તમાં હતા. દરમિયાન એ.એસ.આઇ. હરીભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહને માહિતી મળી હતી કે, ગદાપુરા ગામના માળી મહોલ્લામાં રહેતો નામચીન બુટલેગર સાહીલ ઉર્ફ જુહુ અર્જુનભાઇ માળી દારૂનો ધંધો કરી રહ્યો છે. અને તેને દારૂનો જથ્થો તેના ઘરની સામે આવેલ અવાવરું જગ્યામાં ખાડો ખોદી પીપડા દાટી તેમાં પીપડા ઉતારીને દારૂનો જથ્થો સંતાડ્યો છે. અને પોતાના ઘરમાં પણ દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.
બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.

દારૂ-બિયરનો જથ્થો ઝડપ્યો
આ બાતમીના આધારે પી.સી.બી.ની ટીમે દરોડો પાડી બુટલેગર સાહીલ ઉર્ફ જુહુ માળીના ઘરમાંથી અને તેના ઘરની સામે આવેલ અવાવરુ જગ્યામાં ખાડો ખોદીને દાટેલા પીપળામાંથી વિવિધ બ્રાન્ડની 1 હજાર ઉપરાંત દારૂની બોટલો તેમજ 99 બીયરના ટીન મળી કુલ્લે રૂપિયા 1,03,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, પોલીસે દરોડો દરમિયાન નામચીન બુટલેગર સાહિલ ઉર્ફ જહુ માળી મળી આવ્યો ન હતો. આ બનાવ અંગે પી.સી.બી.એ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દારૂ અને બિયરનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો.
દારૂ અને બિયરનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો.

પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યાં
મળેલી માહિતી પ્રમાણે અગાઉ પણ પી.સી.બી.એ ગદાપુરા ગામના બુટલેગર સાહિલ ઉર્ફ જહુ માળીના ઘરે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે સમયે પણ ગોત્રી પોલીસ તંત્રના ડી-સ્ટાફ સામે સવાલો ઉભા થયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે સાહિલ ઉર્ફ જહુ પોલીસની મહેરબાનીથીજ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરી રહ્યો છે. પી.સી.બી. શાખાએ પુનઃ સાહિલ ઉર્ફ જહુના ઘરે દરોડો પાડી રૂપિયા 1 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડતા ગોત્રી પોલીસ તંત્રના ડી-સ્ટાફ સામે સવાલો ઉભા થયા છે.