દારૂની રેડ દરમિયાન દારૂનો જથ્થો મળ્યો છે પણ આરોપી નથી મળ્યો, તેમ કહી રાવપુરા પોલીસના પાંચ જવાનોએ કેસ બનાવ્યા બાદ પીસીબીએ ગણતરીની મિનિટમાં જ આરોપીને ઝડપી પાડતાં પાંચ જવાનોની મિલીભગત સપાટી પર આવી છે. આ સંબંધમાં પાંચેવ સામે ગુનો નોંધાતાં પોલીસ આલમમાં હલચલ મચી ગઇ છે. નવાપુરા પીઆઇને તપાસ સોંપાઇ છે.
હાલ ગોરવાના ASI પ્રવીણ શનાભાઈએ સલ્લાઉદીન સીદીકભાઇ (ASI), રાજુ પુંજાભાઇ (ASI), મુકતાર અહેમદ સૌકતઅલી (હે.કો.), વિપુલ દુલાભાઈ અને આકાશ ભાનુભાઈ (બંને લોકરક્ષક) (તમામ રાવપુરા પોલીસ મથકમાંથી સસ્પેન્ડ) સામે ઇપીકો 4, 65, 466, 471, 167, 182, 211, 218, 220, 114, 120 મુજબ ફરિયાદ નોંધાઇ છે.
3 ફેબ્રુઆરીએ રાવપુરા પોલીસના ડી સ્ટાફે સંસ્થા વસાહત પાસે દરોડા કરી 6 બોટલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો પરંતુ જમા કરાવ્યો ન હતો. આરોપી હિરેન ઠક્કર મળ્યો ન હતો. જયારે બે- ત્રણ દિવસ બાદ મુદામાલ જમા કરાવાનું કહેતાં લોકરક્ષકે બે બોટલ રવાનગી નોંધ અને ચાર બોટલ ક્રાઈમ રાઈટર પાસે જમા કરાવી હતી. 3જ ફેબ્રૂઆરીએ પીસીબી સ્ટાફે આ જ સ્થળે દરોડા કરતાં વિદેશી દારૂની 16 બોટલ અને આરોપી હિરેન સુરેશભાઈ ઠક્કર પણ મળી આવ્યો હતો.
રાવપુરા પોલીસના ડી સ્ટાફના જવાનની બુટલેગર સાથે મીલીભગત જણાંતા પોલીસ કમિશ્નરે ઝોન-2ના ડીસીપી વાળાને તપાસ સોંપી હતી. જેમાં રાવપુરા પોલીસના ડી સ્ટાફની મીલીભગત જણાંતા તેનો રીપોર્ટ સીપીને સોંપાયો હતો. જેને પગલે ડી સ્ટાફના પાંચ જવાનોને સસ્પેન્ડ કરી રાવપુરા પોલીસ મથકના આખા સ્ટાફની બદલી કરી હતી. તપાસ બાદ પાંચેવ જવાનો સામે રાવપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.
ફરિયાદમાં જણાવાયું છે કે ‘જવાનો રાજય સેવક હોવા છતાં એક બીજાના મેળાપીપણામાં ગુનાહીત કાવતરુ રચી કાયદેસરતા બીજી વ્યકિતને નુકસાન માટે ઉપયોગ કરવાના ઇરાદાથી ખોટી ફરિયાદ માહિતી આપી આરોપી હીરેન ઠક્કરને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી તેની વિરુધ્ધ ખોટું તહોમત મુકી ASI સલ્લાઉદીને પોતાના રૂબરૂનું ખોટું પંચનામુ બનાવી ખોટી હકીકત ઉપજાવી કાઢી ખોટી ફરિયાદ છે તે જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.