ઘટસ્ફોટ:જો સહેલીએ તરત મેસેજ ચેક કરી લીધો હોત ગેંગરેપ બાદ આપઘાત કરનારી યુવતી બચી જાત, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ

વડોદરા2 મહિનો પહેલા
પોલીસે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી દીધી છે
  • દિવાળીપુરા પાસેના વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હતું
  • યુવતી ઓએસીસ ફ્રેન્ડશીપ હોમ સાથે સંકળાયેલી હોવાથી પૂછપરછ કરાઈ

વલસાડમાં ગુજરાત ક્વિન એક્સપ્રેસમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેનાર દીપીકા(નામ બદલેલ છે) કેસમાં નવો વળાંક આવ્યો છે. દીપીકા ઉપર વડોદરાના દિવાળીપુરા પાસે આવેલ વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો ડાયરીના આધારે બહાર આવતા ગોત્રી પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી.

ચકચારી દુષ્કર્મ બાદ આપઘાત કરી લેનાર દીપીકાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જોડાઇ છે. સાંજે અમદાવાદ ક્રાઇમ બ્રાચના બે પી.આઇ. વડોદરા આવી પહોંચ્યા હતા. અને જ્યાં બળાત્કાર ગુજારવામાં આવ્યો તે વેક્સિન ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. તેઓ સાથે વડોદરા ક્રાઇમ બ્રાચના ડી.સી.પી. જયદીપસિહ જાડેજા જોડાયા હતા. નવલખી મેદાન બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં બળાત્કારની ઘટના બનતા પુનઃ એકવાર અમદાવાદ ક્રાઇમ બ્રાચ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મદદે આવી છે. અને આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી છે. તે સાથે વડોદરા ક્રાઇમ બ્રાચ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ ઘનિષ્ઠ બનાવી દેવામાં આવી છે.

પોલીસે દુષ્કર્મ આચરાયું તે સ્થળ ઉપરથી પુરાવા એકત્ર કરવા માટે એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ શરૂ કરી દીધી છે. તે સાથે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ વિસ્તારના સી.સી. ટી.વી. ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

બળજબરી રિક્ષામાં બેસાડી
ડી.વાય.એસ.પી. બી.એસ. જાદવે જણાવ્યું હતું કે, વલસાડ ગુજરાત ક્વિન એક્સપ્રેસમાં આપઘાત કરી લેનાર યુવતીએ ડાયરીમાં લખ્યું છે કે, તા.2 નવેમ્બરની સાંજના સમયે તે સાઇકલ લઇને પસાર થઇ રહી હતી. તે દરમિયાન એક રિક્ષા ચાલકે ટક્કર મારી હતી. રિક્ષાએ ટક્કર માર્યા બાદ રિક્ષા ચાલક સહિત બે વ્યક્તિઓએ બળજબરીથી રિક્ષામાં બેસાડી દીધી હતી. બાદમાં વેક્સીન ઇન્સ્ટીટ્યૂટની જાડીમાં ખેંચી ગયા હતા. ત્યાં તેઓએ દુષ્કર્મ આચર્યું હતું.

મેસેજ કર્યો હતો
પોલીસ અધિકારીએ ડાયરીમાં લખેલી વિગતો પૈકી અન્ય એક વિગતની માહિતી આપતા જણાવ્યું હતું કે, યુવતીએ બે વ્યક્તિઓ પીછો કરી રહ્યા હોવાનો મેસેજ ઓએસીસ સંસ્થામાં સાથે કામ કરતી અન્ય મિત્ર સહેલીને કર્યો હતો. પરંતુ, આપઘાત કરી લેનાર યુવતીની સહેલીએ મેસેજ સાંજે જોવાના બદલે સવારે કર્યો હતો. જોકે, તે પહેલાં યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે, યુવતીએ ડાયરીમાં આ બનાવ સંદર્ભે જે કંઇ માહિતી લખી છે. તે તમામ માહિતીના આધારે તપાસ કરવામાં આવશે.

દુષ્કર્મ અંગે રહસ્ય
દુષ્કર્મ બાદ ગુજરાત ક્વિન એક્સપ્રેસમાં ઓઢણીથી ફાંસો ખાઇ લેનાર યુવતી ઉપર ખરેખર દુષ્કર્મ થયું છે કે કેમ તે હજુ રહસ્ય છે. પોલીસે યુવતી સાથે બળાત્કાર થયો છે કે, કેમ તે અંગે તબીબી તપાસ પણ કરાવી છે. જે અંગેનો રિપોર્ટ આવવાનો બાકી છે. હાલ તેની પાસેથી મળેલી ડાયરી અને તેને ડાયરીમાં દુષ્કર્મની લખેલી વાત ઉપરથી તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ કરવામાં આવશે.

નિવેદન લેવાયા
મળેલી માહિતી પ્રમાણે વેક્સીન ઇન્સ્ટીટ્યૂટ મેદાનમાં દુષ્કર્મનો ભોગ બન્યા બાદ યુવતીને મોડી રાત્રે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ પાસેથી તેના ઘરે મુકવા જનાર ખાનગી બસના ચાલકને શોધી તેનું નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે દીપીકા જૂના પાદરા રોડ ચકલી સર્કલ પાસે હરીભક્તિ કોલોનીમાં શાલિની કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ ઓએસીસ ફ્રેન્ડશીપ હોમ સાથે સંકળાયેલી હોવાની પોલીસને વિગતો મળતા પોલીસે સંસ્થામાં જઇ પૂછપરછ શરૂ કરી હતી.

યુવતી ઓએસીસ ફ્રેન્ડશીપ હોમ સાથે સંકળાયેલી હોવાથી પૂછપરછ કરાઈ
યુવતી ઓએસીસ ફ્રેન્ડશીપ હોમ સાથે સંકળાયેલી હોવાથી પૂછપરછ કરાઈ

રિક્ષા ચાલકની શોધખોળ
નવસારીની યુવતીનું અપહરણ કરી વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારનાર રિક્ષા ચાલક બે યુવાનોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસે પશ્ચિમ વિસ્તારમાં ઓટો રિક્ષા ચલાવતા કેટલાંક રિક્ષા ચાલકોની પૂછપરછ શરૂ કરી દીધી છે. જોકે, હજુ સુધી પોલીસને હવસખોર રિક્ષા ચાલકોના કોઇ સગડ મળ્યા નથી. પોલીસે દુષ્કર્મ ગુજારનાર રિક્ષા ચાલકોને ઝડપી પાડવા માટે જૂના પાદરા રોડ તેમજ વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ વિસ્તારના સી.સી. ટી.વી. ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી દીધી છે.

યુવતીને મોડી રાત્રે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ પાસેથી તેના ઘરે મુકવા જનાર ખાનગી બસના ચાલકને શોધી તેનું નિવેદન લેવાયું
યુવતીને મોડી રાત્રે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ પાસેથી તેના ઘરે મુકવા જનાર ખાનગી બસના ચાલકને શોધી તેનું નિવેદન લેવાયું

ચોંકાવનારી વિગતો સામે આવે તેવી વકી
નવસારીની વતની અને વડોદરામાં રહીને અભ્યાસ કરતી સાથે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટમાં થયેલા બળાત્કાર બાદ યુવતીએ આપઘાત કરી લેતા આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી મુકી છે. દુષ્કર્મ વીથ આપઘાતના આ બનાવે પુનઃ એકવાર નવલખી મેદાનનો ચકચારી કેસ યાદ અપાવી દીધો છે. યુવતી સાથે દુષ્કર્મ ગુજારનાર હવસખોરો ઝડપાયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.