વડોદરા શહેરના અજબડી મીલ વિસ્તારમાં ગઈકાલે બુધવારે આગ લાગવાની ઘટનામાં ઘરેલુ ગેસ ચોરીનું કૌભાંડ બહાર આવ્યું હતું. શિવકૃપા ગેસ એજન્સીના માણસો ગ્રાહકોને ડીલીવરીના ગેસના બોટલો અજબડી મીલ ખાતે લઈ જઈ ભરેલા ગેસના બોટલમાંથી ખાલી ગેસના બોટલમાં રિફિલિંગ કરી ગેસ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હતા. તે સમયે અચાનક બ્લાસ્ટ થતા ત્રણ પૈકી બે શખ્સો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે અન્ય યુવક લઘુશંકાએ જતાં તેનો આબાદ બચાવ થયો હતો. બાજુમાં આવેલ ફેબ્રીકેશન ગોડાઉનમ પણ આગની લપેટમાં આવી જતા ફેબ્રીકેશનના મશીનો સળગી જવાની સાથે પાર્ક કરેલા ત્રણ વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે પાંચ શખસ વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
ગોડાઉનમાંથી 34 જેટલા સિલિન્ડર મળી આવ્યા હતા
વડોદરા શહેરના અજબડી મીલ કમ્પાઉન્ડને અડીને આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે ગેસના સિલિન્ડર બ્લેક કરવાનું ગેરકાયદેસર ગોડાઉન ધમધમતું હોવાની વિગતો સપાટી પર આવી છે. બુધવારે સાંજે ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર હકીકત સપાટી પર આવી હતી. ગોડાઉનમાં ત્રણ સિલિન્ડર બ્લાસ્ટ થતાં વિસ્તારમાં ભયનો માહોલ ઉદભવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ગોડાઉનમાંથી 34 જેટલા સિલિન્ડર મળી આવ્યા હતા.
સાઇકલ, બાઈક તથા એક્ટિવાને નુકસાન પહોંચ્યું હતું
આ આગના બનાવમાં કાદરભાઈ હબીબભાઈ અરજ ( રહે - મન્સૂરી કબ્રસ્તાન, હાથીખાના ) અને ભાવેશભાઈ પ્રકાશભાઈ માછી ( રહે - સયાજીપુરા આવાસ ,ખોડીયાર નગર ) દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તદુપરાંત બાજુમાં આવેલા ફેબ્રીકેશનના ચાર ગ્રાઈન્ડર મશીન, ડ્રીલ મશીન, કટર મશીન ,વેલ્ડિંગ મશીન સળગીને ખાખ થઇ ગયું હતું. જ્યારે કર્મચારીઓએ પાર્ક કરેલા વાહનોમાં પણ આગની લાગતા સાઇકલ, બાઈક તથા એક્ટિવાને નુકસાન પહોંચ્યું હતું.
ગેસ ચોરી માટે રિફિલિંગ સમયે બ્લાસ્ટ થયો હતો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શિવ કૃપા ઇન્ડેન ગેસ એજન્સી ટેમ્પોના માણસો કાદરભાઈ, મહેશભાઈ તથા ભાવેશભાઈએ શિવ કૃપા ગેસ એજન્સીના બોટલો ગ્રાહકોને નહીં પહોંચાડી ભરેલા બોટલમાંથી ગેસ ચોરી માટે રિફિલિંગ કરી રહ્યા હતા તે સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો. મહેશભાઈ લઘુશંકાએ જતા તેમનો બચાવ થયો હતો. જ્યારે ગોડાઉન સંચાલક નારાયણ ઉર્ફે કલવો કહાર તથા નીરજ હરિદાસ કહાર ( રહે - હરિહર એપાર્ટમેન્ટ, જુની આરટીઓ) હોવાનું બહાર આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.