વાઘોડિયા બાળક અપહરણ કેસ:પોલીસે નવજાત બાળક માતાને સોંપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા, જન્મતાવેંત જ વિમાનમાં મુસાફરી કરીને બાળક ઘરે આવતા પરિવારમાં ખુશી

વડોદરા3 મહિનો પહેલા
પોલીસે 7 દિવસ પહેલાં ગુમ થયેલા નવજાત શિશુને અપહરણકારો પાસેથી પરત મેળવીને પોલીસ માતાને સોંપ્યું હતું
  • પરિવાર કહે છે કે, અમારૂ બાળક વિમાનમાં બેસીને ઘરે આવ્યું છે, અમને ખુબ આનંદ થયો છે

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીલોરા ગામમાંથી 7 દિવસ પહેલાં ગુમ થયેલા નવજાત શિશુને અપહરણકારો પાસેથી પરત મેળવીને પોલીસ માતાને સોંપ્યું હતું. આ સમયે માતાની આંખોમાં હર્ષના આંસુ છલકાઇ ગયા હતા અને પોલીસનો આભાર માન્યો હતો અને બાળક પરત મળ્યા બાદ માતા સંગીતાબેને જણાવ્યું હતું કે, મારા બાળકની જેમ આ લોકોએ આવા અનેક બાળકોના અપહરણ કર્યાં હશે. એટલે હું તો એજ કહું છું કે, આ લોકોને ફાંસીની સજા આપવી જોઇએ.

મારી બહેને 7 દિવસથી અન્નનો દાણો મોંઢામાં મૂક્યો નહોતો
બાળકની માસીએ જણાવ્યું હતું કે, મારી બહેનના નાનકડા બાળકને આ લોકો ઉપાડી ગયા હતા. આવા લોકોને તો ફાંસી આપી દેવી જોઇએ. આજે મારી બહેનનું બાળક લઇ ગયા, કાલે બીજા બાળકોને ઉઠાવી જશે. મારી બહેને છેલ્લા 7 દિવસથી અન્નનો દાણો મોંઢામાં મૂક્યો નહોતો. અમારૂ બાળક આજે વિમાનમાં બેસીને ઘરે આવ્યું છે. અમને ખુબ આનંદ થયો છે.

બાળકને 4 લાખમાં આર્મીના નિ:સંતાન જવાનને વેચી દીધું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો હતો
બાળકને 4 લાખમાં આર્મીના નિ:સંતાન જવાનને વેચી દીધું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો હતો

અમારા ગામમાં ખુશીનો માહોલ છે
લીલોરા ગામના સરપંચે જણાવ્યું હતું કે, પોલીસની ટીમોએ ખુબ સરસ કામગીરી કરી છે. પોલીસે બાળકને શોધવા માટે રાત-દિવસ એક કર્યાં હતા. હું પોલીસનો ખુબ ખુબ આભાર માનુ છું. આજે અમારા ગામમાં ખુશીનો માહોલ છે.

આર્મી જવાન સહિત 7ની ધરપકડ
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક લીલોરા ગામમાંથી 7 દિવસ પહેલાં ગુમ થયેલું 7 દિવસના નવજાત શિશુને બાળ તસ્કરી કરનાર ટોળકીએ બાળકની ચોરી કર્યાં બાદ 4 લાખમાં આર્મીના નિ:સંતાન જવાનને વેચી દીધું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો હતો. પોલીસે બાળક ચોરનારી ટોળકી અને આર્મી જવાન સહિત 7ની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, કાલોલનો કલ્પેશ રાઠોડ આ વિસ્તારમાં આવીને બાળક લેવા માટેની પૂછપરછ કરતો હતો. જેથી પોલીસને શંકા ગઇ હતી અને કલ્પેશને પકડી પૂછપરછ કરતાં કડીઓ મળતી ગઇ હતી અને મામલાનો ખુલાસો થયો હતો.

બાળક પરત આવતા પરિવારમાં ખુશીનો માહોલ
બાળક પરત આવતા પરિવારમાં ખુશીનો માહોલ

6 ટીમો દ્વારા બાળકની શોધખોળ શરૂ કરાઇ હતી
લીલોરાના પૂનમભાઇ દેવીપૂજકનાં પત્ની સંગીતાબેને 15 ઓક્ટોબરે બાળકને જન્મ થયો હતો. જ્યારે 20 ઓક્ટોબરે રાતના 2 વાગ્યાના અરસામાં 7 દિવસનું બાળક માતાએ પથારીમાં ન જોતાં હચમચી ઊઠ્યાં હતાં. તેમણે વાઘોડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોડ અને વાઘોડિયા પોલીસ સહિત 6 ટીમો દ્વારા બાળકની શોધખોળ શરૂ કરાઇ હતી.

બાળક લાવી આપવા પૈસાની ઓફર કરી
વડોદરા જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇ જણાવ્યું કે, પોલીસને કાલોલના પણસી ગામના કલ્પેશ રમણસિંહ રાઠોડની હિલચાલ શંકાસ્પદ લાગતાં તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે ચોંકાવનારી માહિતી આપી કે, બિહારના અને આર્મીમાં ફરજ બજાવતા નરેન્દ્ર રંજન અને તેનાં પત્નીને સંતાન ન હોવાથી 6 મહિનાથી કલ્પેશ રાઠોડના સંપર્કમાં હતા અને બાળક લાવી આપવા પૈસાની ઓફર કરી હતી. કલ્પેશે વડોદરાના પ્રવિણ ચુનારા અને દક્ષા ચુનારાનો સંપર્ક કર્યો હતો. પ્રવિણે બાળક મેળવવા કોટંબીના કાળીદાસ દેવીપૂજકનો સંપર્ક કર્યો હતો. કાળીદાસ અને રમણ રાઠોડિયાએ.

બાળક પરત આવતા ગામ લોકો દોડી આવ્યા હતા.
બાળક પરત આવતા ગામ લોકો દોડી આવ્યા હતા.

લીલોરામાંથી બાળકની ચોરી કરી હતી.

મંગળવારે રાત્રે બાળક તેની માતાને સોંપાયું
બાળકને પ્રવિણ અને કલ્પેશ મારફતે 4 લાખમાં આર્મીના જવાન નરેન્દ્ર રંજનને આપ્યું હતું. જેને લઇને તે બિહાર જતા રહ્યા હતા. કલ્પેશે બાળક બિહારમાં હોવાનું જણાવતાં પોલીસ બિહાર રવાના થઇ હતી. જ્યાં નરેન્દ્રની અટકાયત કરી બાળકનો કબજો લીધા બાદ પોલીસ વડોદરા આવવા રવાના થઇ હતી. મંગળવારે રાત્રે બાળક તેની માતાને સોંપવામાં આવ્યું હતું. ત્યારે માતા ભાવુક થઇ ગઇ હતી. આ સમયે આખુ ગામ એકત્ર થઇ ગયું હતું અને બાળકને પરત લાવવામાં સારી કામગીરી કરનાર સરપંચનું સન્માન કર્યું હતું.

કલ્પેશે કાળીદાસ-રમણને 1 લાખ આપ્યા હતા
આર્મી જવાને બાળકને મેળવવા માટે રૂા. 4 લાખ રોકડ અને બેંક ટ્રાન્ઝેક્શન મારફતે કલ્પેશ રાઠોડને આપ્યા હતા. જે પૈકી બાળકનું અપહરણ કરનાર કાલિદાસ દેવીપૂજકને 90 હજાર અને રમણ રાઠોડીયાને 10 હજાર મળી 1 લાખ રૂપિયા આપ્યા હતા. બાકીના પૈસા કલ્પેશે પોતાની પાસે રાખ્યા હતા.

બાળકની માતાએ કહ્યું: 'આ લોકોને ફાંસીની સજા આપવી જોઇએ'
બાળકની માતાએ કહ્યું: 'આ લોકોને ફાંસીની સજા આપવી જોઇએ'

કોણ કોણ પકડાયું?
કલ્પેશ રમણસિંહ રાઠોડ (રહે.પણસી, કાલોલ, પંચમહાલ)
પ્રવિણ ભીમા ચુનારા (રહે. ફતેગંજ, વડોદરા)
દક્ષા પ્રવિણ ચુનારા (રહે. ફતેગંજ, વડોદરા)
કાળીદાસ ઉર્ફે કાળીયો પ્રભાત (રહે. કોટંબી)
મહેશ કાળીદાસ (રહે. કોટંબી)
રમણ ધુળા રાઠોડિયા (રહે. કોટંબી)
નરેન્દ્ર રંજન (રહે. બિહાર)

અન્ય સમાચારો પણ છે...