ગાયનું શિંગડું વાગતાં આંખ ગુમાવનાર યુવકના પિતાની ફરિયાદ બાદ પોલીસ છેલ્લા 72 કલાકથી ગાયને શોધવા દોડધામ કરી રહી છે. પોલીસે વાઘોડિયા રોડ અને હાઈવે વિસ્તારમાં 15 જેટલા શકમંદોની પૂછપરછ કરી છે, પણ ઘટના સ્થળ પરથી ગાય ક્યાં ગઈ તેની કોઈ ભાળ મળી નથી. પ્રકરણ અંગે ડીસીપી યશપાલ જગાનિયાએ જણાવ્યું હતું કે, હજુ સુધી પોલીસને ગાય મળી નથી.
ગાય મળ્યા બાદ તેનો માલિક કોણ છે તે અંગે જાણી શકાશે. કોર્પોરેશનની ઢોર પાર્ટીના જવાબદાર અધિકારીઓની પૂછપરછ કરાઈ છે કે કેમ, તેના જવાબમાં ડીસીપીએ તેઓ માત્ર ગાયના માલિકને શોધવામાં જ હાલ ફોકસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસના હોબાળા બાદ ગાયને વેચી દેવાઈ હોવાની શક્યતાને પણ પોલીસ ચકાસી રહી છે.
નોંધનિય છે કે, ઉપરી અધિકારીઓના આદેશ બાદ વોન્ટેડ ગુનેગારોને પકડવાની જગ્યાએ પોલીસ ગાય શોધવા શકમંદોની પૂછપરછ કરી રહી છે. પોલીસે બનાવ બન્યો ત્યારે ઘટના સ્થળ પર હાજર 5થી વધુ લોકોનાં નિવેદનો પણ લીધાં છે. જો કે ગાયનો માલિક કોણ છે તે પોલીસ જાણી શકી નથી.
ઘટનાનો ભોગ બનનાર યુવકના પિતા નીતિન પટેલે પોતાની ફરિયાદમાં પાલિકાના જવાબદાર અધિકારીઓને આરોપી બનાવ્યા હતા, પરંતુ પોલીસે મૂળ ફરિયાદને અડધો કલાકમાં જ બદલી દઈને પાલિકાના અધિકારીઓને આરોપીમાંથી બાકાત કર્યા હતા. જોકે ફરિયાદમાં પાલિકાના અધિકારીઓ સામે તપાસ કરવામાં આવશે, તેમ ઉલ્લેખ કરાયો હતો. યુવક હેનીલને 10 મેના રોજ ગાયનું શિંગડું વાગતાં તે ટુ વ્હીલર પરથી નીચે પડી જતાં તેણે આંખ ગુમાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.