વડોદરાના ગોત્રી વિસ્તારમાં શારીરિક અને માનસિક ત્રાસ આપતા જેઠ-જેઠાણી અને સાસુ સામે પરિણીતાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
એક લાખ રૂપિયાની માંગણી કરી
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 24 મે-2010ના રોજ મારા લગ્ન દિપ્તેશ ચંદ્રકાત ભટ્ટ સાથે સમાજના રીત રીવાજ પ્રમાણે થયા હતા. તે સમયે હું હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. હું ઘરકામ કર્યાં બાદ નોકરી પર જતી હતી. લગ્નના 10 દિવસ બાદ ઘરકામ બાબતે જેઠ ઉજ્જવલ ચંદ્રકાંતભાઈ ભટ્ટ અને જેઠાણી ચૈતાલી ઉજ્જવલભાઈ ભટ્ટ મારી સાથે ઝઘડાઓ કરવા લાગ્યા હતા અને વાતવાતમાં મ્હેણા મારતા હતા કે, તું તારા ઘરેથી દહેજ લાવી નથી. જેથી ઘરના રિનોવેશન માટે તારે એક લાખ રૂપિયા આપવા પડશે. આવું કહીને વારંવાર માનિસક ત્રાસ આપતા હતા.
ઘરકામ બાબતે સાસુ અને જેઠાણી ઝઘડો કરતા
એક દિવસ મારા સાસુ અને જેઠાણીએ મને કહ્યું હતું કે, ઘરનું કામ નહીં કરવું અને શેઠાણીની જેમ ફરવું છે. આમ તેઓએ ઘરના કામ બાબતે મારી સાથે ઝઘડો કર્યો હતો. જેથી મારા સસરાએ સમાધાન કરાવ્યું હતું. અને ઝઘડાઓ ન થાય તે માટે મારા જેઠ-જેઠાણીને ભાડેથી ઘર લઈ આપીને ત્યાં રહેવા મોકલી આપ્યા હતા.
દહેજ બાબતે પણ ઝઘડો કર્યો
વર્ષ-2012માં હું ગર્ભવતી થઈ હતી. જેથી ડોક્ટરે મને વધારે વજન ઉચકવાની ના પાડી હતી. જેથી હું ભારે કામ કરતી નહોતી. જેથી મારા સાસુ મારી સાથે ઝઘડો કરતા હતા અને દહેજની વાત લાવીને અમને મને નાનકડા રૂમમાં રહેવા મોકલી આપી હતી. જ્યાં પણ અમને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. અમારી વચ્ચે એક જ સંડાસ બાથરૂમ હતું. જેથી હું બાથરૂમ જાઉં, ત્યારે સાસુ જાણી જોઈને લાઈટ બંધ કરી દેતા હતા અને મને કાઢવા માટે બૂમાબૂમ કરતા હતા.
બાથરૂમમાં પણ જવા દેતા નહોતા
હું ડિલિવરી માટે મારા માતાના ઘરે ગઈ હતી અને ડિલિવરીના સવા મહિને પાછી આવી હતી. ત્યારે પણ અમે અલગ રૂમમાં જ રહેતા હતા. મારી દીકરી તેમના ઘરમાં જાય તો સાસુ અને જેઠાણી ઝઘડા કરતા હતા. મારા સસરાનું 2019માં અવસાન થયા બાદ સાસુ અને જેઠાણી મને પાણી ભરવા દેતા નહોતા અને બાથરૂમ પણ જવા દેતા નહોતા. ત્યારબાદ મારે બે જોડકી દીકરીનો જન્મ થયો હતો. આજ દિવસ સુધી તેઓ અમને હેરાન કરે છે. જેથી પરિણીતાએ સાસુ ઇન્દિરાબેન ઉર્ફે ઇલાક્ષીબેન ચંદ્રકાંતભાઈ ભટ્ટ, જેઠ ઉજ્જવલ ચંદ્રકાંતભાઈ ભટ્ટ અને જેઠાણી ચૈતાલી ઉજ્જવલભાઈ ભટ્ટ(તમામ રહે. બ્રાહ્મણ ફળીયું, ગોત્રી ગામ, વડોદરા) સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.