છેતરપિંડી:વડોદરામાં એફોર્ડેબલ હાઉસીંગના 382 લાભાર્થીની યાદી બદલીને બોગસ યાદી પાલિકાની વેબસાઇટ પર મૂકી દેવાઇ, કાર્યપાલક ઇજનેર-MIC એક્સપર્ટ સામે ફરિયાદ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમઆઇસી એક્સપ્રટ નિશીથ પીઠવા અને કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા - Divya Bhaskar
એમઆઇસી એક્સપ્રટ નિશીથ પીઠવા અને કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા
  • 7 ઓગસ્ટે રાજ્યના મંત્રીના હસ્તે 381 મકાનોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો યોજાયો હતો
  • નવાપુરા પોલીસે કાર્યપાલક ઇજનેર અન MIC એક્સપર્ટની અટકાયત કરી

રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે 7 ઓગસ્ટના વડોદરા મહાનગરપાલિકા દ્વારા સર સયાજી નગરગૃહમાં રાજ્યના મંત્રી યોગેશ પટેલના હસ્તે 381 હાઉસીંગ મકાનોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો ડ્રો રાખવામાં આવ્યો હતો. આ ડ્રોના 382 લાભાર્થીઓના નામની યાદી બદલીને બોગસ યાદી કોર્પોરેશનની વેબસાઇટ ઉપર મૂકી કોર્પોરેશન અને લાભાર્થીઓ સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કરનાર કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર(એફોર્ડેબલ હાઉસીંગ) અને એમઆઇસી એક્સપર્ટ સામે નવાપુરા પોલીસ મથકમાં સિટી એન્જિનિયરે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને બંનેની અટકાયત કરી છે.

382 મકાનોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો રાખવામાં આવ્યો હતો
નવાપુરા પોલીસ સ્ટેશનમાં કોર્પોરેશનના સિટી એન્જિનીયર શૈલેષ મિસ્ત્રીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજ્યના સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 7 ઓગષ્ટ-2021ના રોજ કોર્પોરેશન દ્વારા સર સયાજી નગરગૃહમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી સહિત મહાનુભાવો વર્ચ્યુઅલી જોડાયા હતા. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ હાઉસીંગ યોજનાના રૂપિયા 119.45 કરોડના કામોના ખાતમૂહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્યના મંત્રી યોગેશ પટેલના હસ્તે કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા હાઉસિંગ મકાનો પૈકી 382 મકાનોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો રાખવામાં આવ્યો હતો.

382 હાઉસિંગ મકાનોની યાદી વેબસાઇટ પર અપલોડ કરી
સિટી એન્જિનીયરે ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આ ડ્રો કરવાની જવાબદારી એમઆઇસી એક્સપર્ટ(PMAY CLTC)ના નિશીથ પીઠવાને સોંપવામાં આવી હતી અને તેઓની મદદમાં ક્લાર્ક અશ્વિન રાજપૂત હતા. ડ્રો થયા બાદ લાભાર્થીઓની યાદી કોર્પોરેશનની વેબસાઇટ ઉપર મૂકવાની હતી. એમઆઇસી એક્સપ્રટ નિશીથ પીઠવાએ IT શાખા સાથે સંકલન કરીને 382 હાઉસિંગ મકાનોની યાદી વેબસાઇટ ઉપર અપલોડ કરી હતી. દરમિયાન તેઓએ કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા(એફોર્ડેબલ હાઉસીંગ)ની સૂચનાથી નવી યાદી તૈયાર કરીને વેબસાઇટ ઉપર મૂકી હોવાનો જવાબ કોર્પોરેશનના અધિકારીઓની પૂછપરછમાં આપ્યો હતો.

કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા
કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા

બોગસ યાદી પાલિકાની વેબસાઇટ પર મૂકી દેવાઇ હોવાનો ઘટસ્ફોટ
દરમિયાન વેબસાઇટ ઉપર અપલોડ થયેલી હાઉસિંગ મકાનોની યાદીમાં જે લાભાર્થીઓના નામો અને ક્રમ નંબર હતા તે ન આવતા અને વિસંગતતા જણાતા લાભાર્થીઓએ કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી. જેના આધારે કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં એમઆઇસી એક્સપર્ટ નિશીથ પીઠવા અને કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ ડ્રો થયેલી યાદી અપલોડ કરવાના બદલે અન્ય યાદી અપલોડ કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

કાર્યપાલક ઇજનેર-MIC એક્સપર્ટ સામે ફરિયાદ
સિટી એન્જિનીયર શૈલેષ મિસ્ત્રીએ કોર્પોરેશન સાથે અને હાઉસિંગના લાભાર્થીઓ સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કરનાર એમઆઇસી એક્સપર્ટ નિશીથ પીઠવા અને કાર્યપાલક ઇજનેર(એફોર્ડેબલ હાઉસીંગ) પ્રમોદ વસાવા સામે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કોર્પોરેશનમાં ચકચાર મચી ગઇ છે. નવાપુરા પોલીસે ફરિયાદના આધારે બંને સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરીને બંને આરોપીની અટકાયત કરી છે.

12 નામો અંગે પ્રમોદ વસાવાએ મોબાઇલ પર મેસેજ કર્યો હતો
પ્રધાનમંત્રી આવાસ યોજના વિભાગ ના કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ 12 નામ માટે ખાસ આગ્રહ રાખ્યો હતો અને તેમાં આઠ નામોની યાદી નિશ્ચિત ને સોશિયલ મીડિયા પર મોકલી હતી અને ચાર નામો ની ક્લિપ પણ મોકલી છે. ખાસ કરીને 156 મકાન માટે 761 ફોર્મ પાલિકાને મળ્યા હતા અને તેમાં ભારે ચડસાચડસી થઇ હતી.

નિશિથને પાણીચું, પ્રમોદ વસાવા સામે દરખાસ્તની હિલચાલ
આવાસ યોજના ડ્રોની યાદી સાથે ચેડાં કરવા બદલ કોન્ટ્રાક્ટ ધોરણ પર ફરજ બજાવતા એમઆઇએસ એક્સપર્ટ નિશીતને કમિશનરે પાણીચું પકડાવી દીધું છે. બીજી તરફ પ્રમોદ વસાવા કાર્યપાલક ઇજનેર સંવર્ગનો અધિકારી છે અને પ્રથમ વર્ગનો અધિકારી હોવાથી તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ભલામણ કરતી દરખાસ્ત તૈયાર કરવાની વિચારણા ચાલી રહી છે.

એફોર્ડેબલ હાઉસિંગનું કૌભાંડ કેવી રીતે થાય છે?
અંદાજે 12 લાખના એલઆઇસીના મકાનોની બજાર કિંમત 18થી 20 લાખ બોલાતી હોય છે જેને પગલે તેની ડિમાન્ડ એટલી વધારે છે કે તેના ફોર્મ પણ મળતા નથી વાસ્તવમાં ગરીબ વ્યક્તિને આ મકાન મેળવવા માટે તેના ફોર્મ રૂા.100ને બદલે રૂા. 500થી 1 હજાર ખર્ચીને લેવા પડે છે.

મકાન એલોટમેન્ટમાં પણ 70 ટકાનો ઓળખીતાને ફાળવાય છે એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા જ કેટલાક મળતીયાઓને બે લાખ રૂપિયા વધુ લઇ ઘર અપાવવા માટેની ગોઠવણ કરાય છે જે લોકોને ડ્રો માં મકાન લાગ્યા બાદ પૈસા ન ચૂકવી શકે તો તેમના મકાનો કેન્સલ કરવાને બદલે માત્ર નોટીસ અપાય છે આ મકાનો આવા વધુ પૈસા ચૂકવનાર વ્યક્તિને આપવા માટે આગામી ડ્રોમાં તેમનું નામ એડ કરાયું હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા 42 નામો અંગે તપાસ શરૂ કરાઇ છે.