ક્રાઇમ:રણુ ભરવાડ અને ગેંગને પકડવા પોલીસના અન્ય રાજ્યોમાં ધામા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રણુની 2 કાર અને 1 સાગરિત સુધી જ પોલીસ પહોંચી શકી
  • 2.81 કરોડની ઠગાઇ અને લેન્ડ ગ્રેબિંગમાં રણુની સંડોવણી

અમદાવાદના વેપારી સાથે 2.81 કરોડની ઠગાઇમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધીમી ગતિએ તપાસ આગળ વધારી રહી છે. રણુ ભરવાડે કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ પણ લાંબા સમયથી પોલીસની પકડથી દૂર રહેવામાં રણુ સફળ રહ્યો છે. બીજી તરફ રણુ આણી મંડળીને પકડવા પોલીસે અન્ય રાજ્યોમાં ધામા નાખ્યા છે.

અગાઉ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ફરાર થાય બાદ રણુ એના પુત્ર અને બીજા છ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. જો કે હજી સુધી એક પણ આરોપી પકડાયો નથી. રણુંની બે પજેરો કાર જપ્ત થઇ છે. આ કેસમાં સાગરિત સુરેશ ભરવાડની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ફરિયાદમાં જણાવાયું હતું કે, રણુ સહિતના આરોપીઓએ સપ્ટેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021માં મૂડી રોકાણ સહિતના બહાના બનાવી નુપલ શાહના ખાતામાંથી RTGS/NEFTથી 2.81 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

વેપારીએ રૂપિયા પરત માંગતા એક્સિસ બેંકના પેમેન્ટ બુકિંગ ટ્રેકિંગ રિસિપ્ટ તથા રેમિટન્સના ડોક્યુમેન્ટ તથા થાઇબેવરેજીસ કંપનીનો ખોટો લેટરપેડ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાંચના PI વી.આર.ખેરની ટીમે તપાસમાં મુખ્ય આરોપી રણુની બે પજેરો કાર જપ્ત કરી હતી.

તેમજ સાગરીત સુરેશભાઇ નાથાભાઇ ભરવાડ (રહે. ગોપી પાર્ટીપ્લોટની બાજુમા, ઝુપડામાં, સેવાસી કેનાલ, ગોત્રી વડોદરા)ના મોબાઇલ ફોનથી વેપારી નુપલ શાહનો વિશ્વાસ સંપાદિત કરવા ભારતીય રીઝર્વ બેંક તથા ભારત સરકારની પ્રતિષ્ઠીત સંસ્થાઓના તથા દિલ્હી હાઇકોર્ટ તથા ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ લંડન ખાતેની ઓફિસના બનાવટી દસ્તાવેજો, ખોટી કિંમતી જામીનગીરીના દસ્તાવેજોની પી.ડી.એફ. ફાઇલ મળી હતી. જેથી સુરેશ ભરવાડની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી બે દિવસની પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

નૃપલ શાહે રણુના પુત્ર વિજય ભરવાડના ખાતામાં 12.50 લાખ રુપિયા નાંખ્યા હતા. ત્યારબાદ વિજય ભરવાડે સેવાસી કેનાલ પાસે રહેતાં સુરેશ ભરવાડના ખાતામાં રૂા.12.50 લાખ નાંખ્યા હતા. જે રકમ ઉપાડીને સુરેશ ભરવાડે વિજયને આપી હતી. તેના માટે વિજયે સુરેશને અઢી લાખ રૂપિયા કમિશન પેટે આપ્યા હતા. નૃપલ શાહના મિત્ર મારફત રણુ ભરવાડ નૃપલ શાહના સંપર્કમાં આવ્યો હતો અને રાજકોટની જમીનમાં ફાયદો થાય છે તેમ જણાવી રૂ.90 લાખ મેળવ્યા હતા. ત્યારબાદ વિવિધ રીતે રણુએ વિશ્વાસ કેળવી કુલ રૂા.2.81 કરોડ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...