બાળ તસ્કરી:બાળકના સોદાની તપાસ પોલીસના દિલ્હીમાં ધામા

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીની પ્રિયંકાનું નામ ખૂલ્યું હતું
  • બાળકને લેવા માટે વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગયેલા દંપતીના 9 દિવસના રિમાન્ડ મેળવાયા

ઇન્ટરસ્ટેટ ચાઇલ્ડ ટ્રાફિકિંગ કૌભાંડમાં દિલ્હીથી નવજાતને લઇને આવેલી મહિલા અને તેના ભત્રીજાના પોલીસે 10 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ વડોદરાના દંપતીના પણ 9 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રેકેટમાં સૂત્રધાર તરીકે પ્રિયંકાનું નામ ખૂલ્યું છે. પોલીસ દ્વારા પ્રિયંકાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્રિયંકાએ રૂા.5000ની લાલચ આપી પૂજાને વડોદરા મોકલી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ‘રવિવારે દિલ્હીથી આવેલી દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં પૂજા હરિશંકર તથા તેનો ભત્રીજો દીપક કુમાર શિવચરણ પ્લેટફોર્મ નંબર 1 પર ઊભેલી મહિલા અને તેના પતિને બાળક સોંપતાં હતાં. તે દરમિયાન જ સાદા વેશમાં ગોઠવાયેલી ઝોન-2 એલસીબી પોલીસ ટીમ ત્રાટકી હતી અને ત્રણેવને ઝડપી લીધાં હતાં. દિલ્હીથી આવેલી પૂજા હરિશંકર અને દીપક શિવચરણ (રહે. 5,બાપાનગર, કરોલબાગ, સેન્ટ્રલ દિલ્હી) અને વડોદરાની સોમા સૌરભ વેરા (રહે. તુલસીવાડીની ચાલ, સલાટવાડા, કારેલીબાગ) અને સોમાના પતિ સૌરભ વિશ્વનાથ વેરાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

શહેરની સલાટવાડાની સોમા વેરાએ પોલીસને જણાવ્યું હતું કે, ઇન્ટનેટના માધ્યમથી દિલ્હીની મહિલાનો સંપર્ક કરી બાળકનો સોદો કરવામાં આવ્યો હતો. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને બાળકનો સોદો કેવી રીતે થયો છે તે સહિતની બાબતોની તપાસ માટે વડોદરા પોલીસની એક ટીમ આરોપીઓને લઇ દિલ્હી રવાના કરાઈ છે.

બીજી બાજુ વડોદરાના દંપતી સોમા વેરા અને સૌરભ વેરાના પોલીસે 9 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય સૂત્રધાર પ્રિયંકાએ પૂજા હરિશંકરને તેની દીકરીની સ્કૂલ ફીના રૂા.5 હજારની લાલચ આપી હતી. જેને પગલે પૂજા બાળક લઈ વડોદરા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...