તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં દારૂની ખેપ મારતા યુવાનને માર મારવાના આક્ષેપ સાથે બુધવારે ખોરવાણીયાની મહિલાઓએ PSI સામે ફરીયાદ દાખલ કરવાની માંગ સાથે હલ્લાબોલ કર્યું હતું. જેને લઈને આખા દિવસના ડ્રામા બાદ મોડી રાત્રે પાવી જેતપુરના PSI, કોન્સ્ટેબલ અને GRD જવાન સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી. ફરિયાદમાં PSIનું ક્યાંય પણ નામ તો ઠીક હોદ્દો પણ ન દેખાતા કાર્યવાહી સામે શંકા સેવાઇ રહી છે. જોકે છોટાઉદેપુરના ડીવાયએસપી એ.વી. કાટકડે જણાવ્યું હતું કે, પોલીસે માર માર્યાની રજૂઆત આવતા PSI, એક કોન્સ્ટેબલ અને એક GRD જવાન સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે માર માર્યા બાદ યુવાનની હાલત ગંભીર છે
પાવી જેતપુર તાલુકાના ઘૂટિયા ખાતે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યે દારૂની ખેપ મારવા જતા યુવકોને પાવી જેતપુરના PSI, કોન્સ્ટેબલ અને GRD જવાન ખાનગી વાહન લઈને જતા હતા, ત્યારે રસ્તામાં રોકવા માટે બાઇક ચાલક યુવક રાજેશને લાકડીનો ફટકો મારતા બંને બાઈક સવાર યુવકો નીચે પડી ગયા હતા. નીચે પડતા જ પાછળ બેઠેલો યુવક લીલેશભાઈ ઊભો થઈને ભાગી ગયો હતો અને દૂર જઈને સંતાઈને જોતાં પોલીસે ફરીથી નીચે પડેલા રાજેશને માર મારતા રાજેશ બેભાન થઈ જતા પોલીસે જ 108 એમ્બ્યુલન્સને બોલાવીને રાજેશને સારવાર માટે પાવી જેતપુર લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને વધુ સારવાર માટે વડોદરા લઈ જવાતા ત્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહિલાઓના હલ્લાબોલ બાદ PSI, કોન્સ્ટેબલ અને GRD જવાન સામે ગુનો નોંધાયો
પાવી જેતપુરના PSI વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં બુધવારે ખોરવાનીયા ગામની 25થી 30 મહિલાઓએ પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યું હતું. આ મામલો ગરમાતા છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધીકારીઓ પાવી જેતપુર દોડી આવ્યા હતા અને પાવી જેતપુર PSI સામે જ્યાં સુધી ફરીયાદ દાખલ નહી થાય ત્યાં સુધી ઘરે નહીં જવાની જીદ લઈને બેસતા આખરે આખા દિવસના ડ્રામા બાદ પાવી જેતપુરના PSI, કોન્સ્ટેબલ કમલેશ અને GRD જવાન સુરપાન સામે ઇપીકો 307, 325 અને 114 મુજબ ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદમાં PSIનું નામ કે, તેનો હોદ્દાનો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી
પાવી જેતપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ તો કરવામાં આવી, પરંતુ, ફરિયાદમાં PSIનું નામ કે, તેનો હોદ્દાનો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એક તરફ ઘટનાના દિવસે એક અકસ્માતની અને બીજી દારૂની હેરાફેરીનો અલગ અલગ ગુનો કોન્સ્ટેબલ અને PSI બંને ફરીયાદી બનીને દાખલ કરવામાં આવ્યો છે અને બીજી બાજુ પોલીસ ફરિયાદમાં નામ નહીં લખીને PSIને બચાવવાના પ્રયાસો કરી રહી છે.
અગાઉ પણ PSI વિવાદમાં આવી ચુક્યા છે
અગાઉ 6 મહિના પહેલા છોટાઉદેપુર ખાતે આજ PSI દ્વારા એક આર્મી જવાનને માર મારવા માટે એક્સ આર્મી જવાનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતું અને આ જ PSI સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. તે જ PSIને પાવી જેતપુર ખાતે મૂકતાં હાજર થયાના થોડા જ દિવસોમાં પોતાનું પોત પ્રકાસ્યૂ અને પોતાની જાતને સિંઘમ સમજતા આ PSIએ દારૂ લઈને જતાં યુવકને લાકડીનો ફટકો મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા યુવક હાલ હોસ્પિટલમાં હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
મહિલાઓના હલ્લાબોલ બાદ પોલીસ સામે કાર્યવાહી થઈ
ગઇકાલે થયેલા હલ્લાબોલ બાદ દારૂની ખેપમાં સાથે રહેનાર લીલેશભાઈને બોલાવીને ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી અને ફરીયાદ દાખલ થઈ ગયા બાદ લીલેશભાઈને દારૂની ખેપ મારવાના ગુનામાં અટકાયત કરવાની વાત કરતાં ખોરવાણીયાણી મહિલાઓએ હાજર ઉચ્ચ પોલીસ અધિકારીને સીધી લીટીમાં સંભળાવી દીધું કે, અમારા માણસને પુરવો હોય તો પુરી દો પણ તમારા PSIને પણ સાથે જેલમાં પુરો કહેતા જ પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો હતો અને આખરે લીલેશભાઈને છોડી મુકવાની ફરજ પડી હતી.
મહિલાઓનો ગુસ્સો જોઈને પાવી જેતપુરના PSI બેકફૂટ પર આવી ગયા
હલ્લાબોલ દરમિયાન ખોરવાણીયા ગામની મહિલાઓનો ગુસ્સો જોઈને પાવી જેતપુરના PSI બેકફૂટ પર આવી ગયા હતા અને એક તબક્કે PSIને મહિલાઓથી બચાવવા માટે પોતાની જ ચેમ્બરમાં મહિલા પોલીસને કોર્ડન કરીને ચૂપચાપ પાછળ ઊભા રહેવાની ફરજ પડી હતી. અને અડધા કલાક બાદ જ્યારે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા બાદ મહિલાઓને PSIની ચેમ્બરમાથી બહાર લઈ જવાતા PSIને પાછળની રૂમમાં લઈ જવાયા હતા, પરંતુ, મહિલાઓએ તે રૂમની બહાર અડીંગો જમાવતા મોડેથી ફરીયાદની કાર્યવાહીની વાત કરતાં મહીલાઓ બહાર નીકળતા PSIને પોલીસ મથકમાથી છટકાવાનો મોકો મળતા તેઓ પોલીસ મથક છોડીને ક્યાંક નીકળી ગયા હતા.
PSI ક્યારે પકડવામાં આવશે તે ચર્ચાનો વિષય
હવે જોવાનું એ રહે છે કે, સામાન્ય દારૂના ગુનામાં પકડાયેલા આરોપીને પકડવા માટે આકાશ પાતાળ એક કરતી પોલીસ પોતાના જ સ્ટાફના અને તે પણ હત્યાની કોશિષના ગુનાનો આરોપી PSIને ક્યારે પકડીને જેલના સળીયા પાછળ ધકેલશે કે, પછી ટેક્નિકલ મુદ્દો બનાવીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
(અહેવાલઃ મિતેશ પટેલ, પાવી જેતપુર)
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.