શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશના કારણે ત્રણ દિવસમાં 5 વ્યાજખોર સામે કાર્યવાહી કરી હતી. એ પૈકી ચારને પાસા હેઠળ રાજ્યની જુદી જુદી જેલોમાં ધકેલી દેવાયા છે. વ્યાજખોરના ત્રાસનો ભોગ બનેલા લોકોને ફરિયાદ આપવા માટે આગળ આવવા પોલીસે અપીલ કરી છે. નોંધનિય છે કે વ્યાજખોરો સામે હવે ખંડણી અંગેનો ગુનો પણ દાખલ કરે છે.
રાવપુરા પોલીસ મથકે નોંધાયેલા ગુના બાદ પ્રણવ રક્ષેસભાઈ ત્રિવેદી અને તેના મળતિયા ગૌરાંગ મહેન્દ્રભાઈ મિસ્ત્રીને પાસા હેઠળ ભુજ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ફતેગંજ પોલીસ મથકે વ્યાજખોર સંજય જબુભાઈ મકવાણા સામે ગુનો નોંધાયો હતો જેમાં વ્યાજ વસૂલવા ધાક-ધમકી આપતો હતો. જેને પાસા હેઠળ ઝડપી રાજકોટ જેલમાં ધકેલાયો હતો.
વાડી પોલીસે ગુનામાં વિજય તોગાભાઈ ભરવાડ સામે પાસાની કાર્યવાહી કરી હતી. જેમાં તેની પાસે નાણાં ધિરવાનો પરવાનો નહિ હોવા છતાં ફરિયાદીનું અપહરણ કરી જબરજસ્તીથી બાહેંધરી કરાર કરાવી લીધો હતો. એની પાસા હેઠળ અટકાયત કરીને રાજકોટ જેલમાં ધકેલવામાં આવ્યો હતો.
જૂના પાદરા રોડ પોલીસ મથકે પણ વ્યાજખોર સામે કામગીરી કરવામાં આવી હતી. જેમાં 3.53 લાખ વ્યાજે લેનાર પાસેથી 6 લાખ વસુલ્યા બાદ પણ રકમની માંગણી ચાલુ રાખી ધમકી આપનાર જપન મહેન્દ્રભાઈ દેસાઈ સામે ગુનો નોંધી ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.