વિવાદ:લાખોનો ભંગાર ભરેલી ત્રણ ટ્રક પકડાયા બાદ પોલીસની કાર્યવાહી શંકાના ઘેરામાં

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ પાસે આવેલી કંપનીમાંથી ભંગાર ભરીને જતી 3 ટ્રક પકડાઈ હતી. - Divya Bhaskar
કરજણ પાસે આવેલી કંપનીમાંથી ભંગાર ભરીને જતી 3 ટ્રક પકડાઈ હતી.
  • કરજણની ફડચામાં ગયેલી કંપનીને સીલ વાગે તે પહેલાં ભંગાર વગે કરાતો હતો
  • 7 દિવસ બાદ પણ સૂત્રધાર જાહેર નથી કરાયો, વરણામા પોલીસે ભીનું સંકેલ્યાની ચર્ચા

કરજણ નજીકની એક કંપનીમાંથી લોખંડનો લાખોનો ભંગાર લઈને જતી 3 ટ્રક વરણામા પોલીસે ઝડપી હતી. જોકે ત્યારબાદ કોઈ કાર્યવાહી હાથ નહિ ધરવામાં આવતાં શંકાઓ ઊભી થઈ છે. પોલીસ મથકે વૈભવી કારની અવર-જવરને લઈ અનેક સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર કરજણ નજીક આવેલી એક મોટી કંપનીમાં ભાગીદારો વચ્ચે ઝઘડા બાદ વિવાદો ઊભા થયા હતા અને કંપની બંધ કરી દેવાઈ હતી. બાદમાં ફડચામાં ગયેલી કંપનીની મોટી બેંક લોન બાકી હોવાથી ગમે ત્યારે કંપનીને સીલ વાગી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેનો લાભ લઈ સીલ વાગે તે પહેલાં જ ભાગીદારોએ પોતપોતાની રીતે કંપનીમાંથી ભંગાર વેચી દેવાનું શરૂ કર્યું હતું. જેના માટે મકરપુરાના ભંગારના નામચીન વેપારીનો સંપર્ક કર્યો હતો, તેણે રાત્રીના સમયે કંપનીમાં આવી ટ્રકો ભરી ભરીને હજારો ટન ભંગાર વગે કરવાનું શરૂ કર્યું હતું. જેની જાણકારી અન્ય ભાગીદારને થતાં આ અંગે વરણામા પોલીસને જાણ કરી હતી.

પોલીસે કંપનીમાંથી ભંગાર લઈ ઇ-વે બિલ વગર નીકળેલી 3 ટ્રકને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. જોકે ભંગારના વેપારીને 7 દિવસ બાદ પણ ઝડપી ન શકતાં પોલીસ સામે શંકા ઊભી થઈ છે.​​​​​​​ પોલીસે શંકાના આધારે 41 ડીની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ કંપનીમાંથી ભંગાર લઈ જવાની પરવાનગી આપનાર કોણ અને ભંગાર ક્યાં લઈ જવાતો હતો, વેપારી કોણ તેની તપાસ કરવાને બદલે પોલીસ ભીનું સંકેલી લેતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

વરણામા પોલીસ સ્ટેશનમાં કાળા કલરની વૈભવી કારમાં અવર-જવર કરનાર કોણ?
વરણામા પોલીસે લોખંડનો ભંગાર ભરેલી 3 ટ્રક ઝડપી પાડ્યા બાદ બીજા દિવસથી કાળા કલરની વૈભવી કારની અવર-જવર થાય છે, જેમાં મકરપુરાના અગાઉ મોટી જીએસટી ચોરીમાં ઝડપાયેલા ભંગારના વેપારીની પીએસઆઈ સાથે મુલાકાત બાદ કાર્યવાહી મંદ અને બીજી દિશામાં થઈ રહી હોવાની ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...