આગામી 18મી જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાંબા સમય બાદ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ એરપોર્ટથી લેપ્રેસી ગ્રાઉન્ડ સુધી રોડ શો અને ત્યારબાદ સભા સંબોધિત કરવાના છે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ, પદાધિકારીઓ ,ભાજપ પક્ષના આગેવાનો, પોલીસ પ્રશાસન અને આયોજન સંદર્ભે સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
આગેવાનોને જવાબદારી સોંપાઈ
પૂર્વ મેયર ભરત ડાંગરે જણાવ્યું હતું કે, યોગ્ય પ્રચાર-પ્રસાર થાય તે માટે જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સાથે સમાજના આગેવાનોને તેમની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લોકોને અનોખો પ્રેમ છે. સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે. પાંચ લાખથી વધુ લોકો રોડ શો તથા સભા દરમિયાન ઉપસ્થિત રહેશે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત સાથે આશીર્વાદ પણ આપશે. આ પ્રસંગે લોકોને પુરતી વ્યવસ્થા મળી રહે તેની તૈયારીઓ ચાલી રહી છે.
યોજનાઓનો લાભ અપાશે
વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની બેન અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન, પોલીસ પ્રશાસન અને કલેક્ટર સહિતના વિભાગો સાથે આયોજન સંદર્ભે સંકલન સાધી નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અધિકારીઓ પદાધિકારીઓ જોતરાયા છે. 14 હજાર બહેનોને આયુષ્યમાન કાર્ડનો લાભ પણ આપ્યો છે. મેયર કેયુરભાઈ રોકડિયાએ જણાવ્યું હતું કે, એરપોર્ટથી સભા સ્થળ સુધી ભવ્ય રોડ શો તથા સભાની તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે કાર્પેટિંગ, રંગરોગાન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે. આયોજનમાં યોગ્ય વ્યવસ્થાના ભાગરૂપે નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. ગંગાસ્વરૂપ બહેનોને 20 હજારથી વધુ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ આપવાનો લક્ષ્યાંક છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.