યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં મોદીની અપીલ:'હરિભક્તો એક વર્ષ સુધી શાકભાજીની લારીથી લઇને તમામ ચૂકવણી રોકડથી નહીં પણ ડિજિટલથી કરે'

વડોદરાએક મહિનો પહેલા
PM મોદી શિબિરમાં વર્ચ્યુઅલી જોડાયા હતા - Divya Bhaskar
PM મોદી શિબિરમાં વર્ચ્યુઅલી જોડાયા હતા
 • સંસ્કાર અભ્યુદય શિબિર એ સ્વામિનારાયણ સંસ્થાનું ચરિત્ર નિર્માણનું વિશાળ અનુષ્ઠાન: મોદી
 • ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું ખૂબ મોટું અભિયાન ચાલી રહ્યું છે: મોદી

વડોદરા શહેરના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ જય સ્વામિનારાયણ બોલી સંબોધન શરૂ કર્યું હતું અને યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જ્યાં સમસ્યા હોય ત્યાં ભારત સમાધાન લઇને સામે આવ્યું છે, કોરોના કાળમાં ભારત આત્મનિર્ભર બન્યું છે. ભારત આજે દુનિયાની નવી આશા બન્યું છે. ભારત ભવિષ્ય માટે દુનિયાનું નેતૃત્વ કરી રહ્યું છે. સ્ટાર્ટ અપમાં ભારતનું કદ વધ્યું, ભારતનું વિશ્વનું ત્રીજુ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ છે, જેનું નેતૃત્વ યુવાનો કરે છે. આ ઉપરાંત એક વર્ષ સુધી શાકભાજીની લારીથી લઇને તમામ ચૂકવણી રોકડથી નહીં પણ ડિજિટલથી કરવાની હરિભક્તોને PM મોદીએ અપીલ કરી હતી.

PM મોદીએ જણાવ્યું હતું કે, યુવાનો તા.15 ઓગસ્ટ, 2023 સુધીમાં ઓછામાં ઓછાં 75 કલાક દેશની સેવા માટે ફાળવવાનો નિર્ધાર કરે. તેમણે કહ્યું કે સ્વચ્છતા અભિયાનને આગળ વધારવું, પાણી અને વીજળી બચાવવા, લોકોને જન ઔષધિ કેન્દ્રોનો લાભ લેતા કરવા, પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ ઊભું કરવું, આ બધાં નાના નાના કામો એ પણ ખૂબ મોટી દેશ સેવા છે. આપણા સંતો અને શાસ્ત્રોએ આપણને શિખવ્યું છે કે, સમાજની પ્રત્યેક પેઢીના ચારિત્ર્ય નિર્માણથી સમાજનું નિર્માણ થાય છે, વડોદરા ખાતે યોજાયેલી આ સંસ્કાર અભ્યુદય શિબિર એ યુવાઓના અભ્યુદયની સાથે સમાજના અભ્યુદયનું પણ પવિત્ર અભિયાન છે. આ પ્રયાસ છે, આપણી પહેચાન અને ગૌરવના અભ્યુદયનો, આપણા રાષ્ટ્રના અભ્યુદયનો છે.

નવા ભારતના નિર્માણ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ
આજે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે તેવા સમયે આ અભ્યુદય યુવા શિબીરનું આયોજન કરાયું છે, તેમ જણાવી વડાપ્રધાને કહ્યું હતુ કે, આજે આપણે સામૂહિક સંકલ્પ લઈ રહ્યા છીએ, નવા ભારતના નિર્માણ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. એક નવું ભારત, જેની ઓળખ નવી, દૂરંદેશી અને પરંપરાઓ પ્રાચીન છે. આજનું નવું ભારત, એ નવી વિચારસરણી અને વર્ષો જૂની સંસ્કૃતિ બંનેને સાથે લઈને આગળ વધી રહયું છે.

ગુજરાતના પ્રાકૃતિક ખેતીના મહા અભિયાનને બિરદાવ્યું
વડાપ્રધાને ગુજરાતમાં આરંભાયેલા પ્રાકૃતિક ખેતીના મહા અભિયાનને બિરદાવતા જણાવ્યું હતુ કે, પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં જમીનને સુધારવાની અને પ્રકૃતિનું સંરક્ષણ કરવાની તાકાત છે. હું ઈચ્છું છું કે, આ શિબિરમાં જોડાયેલા યુવાનો આઝાદીના અમૃત પર્વે પોતાની ખેતીને પ્રાકૃતિક ખેતીમાં ફેરવવાનો સંકલ્પ કરે. તેમણે સહજ જીવનમાં સમાજનું ભલું કરવાની ભાવનાનો સમન્વય કરવા જણાવ્યું હતુ.

વડોદરાના નેતાઓને યાદ કર્યાં
તેમણે કહ્યું કે, વડોદરાના એક કાર્યક્રમમાં મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વડોદરા અને મધ્ય ગુજરાતને થનારા લાભોની રૂપરેખા આપી હતી. આજે વડોદરા પ્રવાસન પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું છે. આ દશકામાં ભારત અને વડોદરાની તાકાતના વિશ્વને દર્શન થયાં છે. તેમણે સ્વ.કેશુભાઈ ઠક્કર, જમનાદાસ, કે.કે.શાહ, નલીનભાઇ ભટ્ટ, મકરંદ દેસાઈ, રમેશભાઈ ગુપ્તા સહિતના વડોદરાના સાથીઓને ખૂબ ભાવપૂર્વક યાદ કર્યા હતા. અને સંસ્કારી નગરીના ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસની પ્રસંશા કરી હતી.

શિબિરમાં ઉપસ્થિત શિબિરાર્થી યુવાઓને પ્રેરક માર્ગદર્શન આપતા વડાપ્રધાને જણાવ્યું હતુ કે, આપણા માટે સંસ્કાર એટલે શિક્ષણ, સેવા અને સંવેદનશીલતા. આપણા માટે સંસ્કાર એટલે સમર્પણ, નિશ્ચય અને શક્તિ. આપણા ઉત્કર્ષનું માધ્યમ પણ બીજાના કલ્યાણનું હોવું જોઈએ. આપણે સફળતાના શિખરોને સ્પર્શીએ, પરંતુ આપણી સફળતા એ બધાની સેવાનું સાધન પણ હોવું જોઈએ. તેમણે આ શિબિરને યુવા ઘડતરના સંસ્કાર ઉત્સવ તરીકે બિરદાવીને ઉપસ્થિત શિબિરાર્થી યુવાનોને ભારત માતાની સેવાનો સંકલ્પ લઈને શિબિરમાંથી વિદાય લેવા અનુરોધ કર્યો હતો.આ શિબિર બાદ યુવાનો નવચેતનાનો અનુભવ કરશે.

 • તમે કોઇપણ ક્ષેત્રને જુઓ જ્યાં પડકારો હોય ત્યાં ભારત આશાઓ અને સમાધાન રજૂ કરે છે
 • કોરોના કાળમાં વિશ્વમાં વેક્સિન અને દવાઓ પહોંચાડી
 • આપણે સોફ્ટવેરથી લઇને સ્પેશ સુધી ઉભરી રહ્યા છીએ
 • આજે દેશમાં સરકારના કામકાજની રીત બદલાઇ છે, જનભાગીદારી વધી છે
 • સમગ્ર માનવતાને યોગ અને આયુર્વેદનો રસ્તો બતાવ્યો
 • સ્ટાર્ટ અપમાં ભારતનું કદ વધ્યું, ભારતનું વિશ્વનું ત્રીજુ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ છે જેનું નેતૃત્વ યુવાનો કરે છે
 • શુદ્ઘબુદ્ધિ અને માનવીય સંસ્કાર બીજાનું પણ કલ્યાણ કરે છે
 • સ્વામિનાયારણ સંપ્રદાયના સંતો આ શિબિર સંસ્કાર નિર્માણનો યજ્ઞ આરંભ્યો છે.
 • મને પણ થયું કે વડોદરા રૂબરુ ગયો હોત તો સારુ, પણ સમય ન હોવાથી ન આવી શકાયું.
 • વડોદરામાં ઘણો સમય વીતાવવાનો મળ્યો છે
 • વડોદરા અને કાશીએ મને એક સાથે સાંસદ બનાવ્યો
 • ભાજપે મને MP બનવાની ટિકિટ આપી, કાશી અને વડોદરાએ મને PM બનાવી ટિકિટ આપી
 • ભાજપે મને વડોદરા અને કાશીની ટિકિટ આપી હતી. આ બંને નગરીઓએ મને પ્રધાનમંત્રી પદનું ગૌરવ આપ્યું
 • ​મારી ઇચ્છા છે કે, આગામી દિવસોમાં પાવાગઢ મહાકાળીના ચરણોમાં શિશ નમાવવા આવીશ
 • વડોદરામાં બનનારા મેટ્રો ટ્રેનના કોચ દેશભરમાં દોડે છે
 • સંતો યુવાનને દર અઠવાડિયે યાદ કરાવે કે, આઝાદીના અમૃત મહોત્સવમાં 2023ની 15 ઓગસ્ટ સુધી આ શિબિરમાં આવ્યા છે તે લોકો નક્કી કરે એક વર્ષ રોકડ નહીં પણ ડિજિટલ જ પેમેન્ટ કરે
 • એક વર્ષમાં 75 કલાક માતૃભૂમીની સેવા માટે કોઇપણ કામ કરીએ અને આ વર્ષમાં 75 કલાક એના માટે આપી શકીએ.
 • વડોદરા અને કાશીનો નાતો એક સાથે રહ્યો છે
 • હું કાશીમાં સ્વચ્છતા અભિયાન ચલાવતો ત્યારે નાગાલેન્ડની એક દીકરી એમ્સુતુલા થોડા વર્ષ પહેલા કાશીમાં ભણવા આવી હતી. આ દીકરી કાશીમાં એકલી જ ઘાટ સાફ કરતી. પછી આખું કાશી તેમાં જોડાયું
 • ​​​​​​યુવાનોએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જન ઔષધિકેન્દ્રો સુધી લઇ જાય
 • ગુજરાતમાં પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી માટે મોટું અભિયાન ચાલે છે.
 • હરિભક્તો પોતાના ખેતરમાં ખેતી માટે કોઇ કેમિકલ નહીં વાપરે તેનો આગ્રહ રાખે​
યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા
યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા

આપણી સંસ્કૃતિ મંદિરો બચાવવા રાજકીય પીઠબળ જોઇશેઃ સ્વામી જ્ઞાનજીવન દાસ
સ્વામી જ્ઞાનજીવન દાસે જણાવ્યું હતું કે, યુવાનો આ દેશની નિષ્ઠા રાખી, સાચા સંનિષ્ઠ કાર્યકર બની આપણે આપણુ નિર્માણ કરીએ શકીએ છીએ. હવે જો આપણે ઢીલા કે બુદ્ધુ રહીશું તો આપણા ઉપર કેટલાક તત્વો હાવી થઇ જવા તૈયાર છે. આપણે આપણા આવા સારા રાજકીય નેતાઓને ખભે ખભો મિલાનીને ભારત દેશના વિકાસમાં ભક્તિ કરતા કરતા જોડાવુ પડે એવો કાળ છે. મારું આપ સૌ યુવાનોને સૂચન છે કે, તમે બધા પણ થોડા દિવસ કદાચ માળા નહીં કરો, પણ દેશનીઉન્નતિના કાર્યમાં જોડાઇને સારા માણસોને સાથ આપી તમારી શક્તિ, બુદ્ધી અને સંપતિનો ઉપયોગ કરશો તો આપણે પાછા આગામી અનેક વર્ષો નિર્વિધ્ન આનંદથી ભક્તિ કરી શકીશું. આપણી સંસ્કૃતિ બચાવવા હોય, આપણા મંદિરો બચાવવા હોય, આપણી આધ્યાત્મિક ધરોહર બચાવવી હોય તો સારુ રાજકીય પીઠબળ જોઇશે અને એ યુવાનો દ્વારા જ પુરું પાડી શકાશે.

મોદીના વિકાસના સૂત્રો કાશી, અયોધ્યા, મથુરામાં સાર્થક થયા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, માટે સર્વ યુવાનો ભગવત ભક્તિ કરતા કરતા દેશભક્તિ કરવાની પણ મારી પ્રેરણા છે. જે જે સુઝાવો આપણી સરકાર આપણા કલ્યાણ માટે, દેશની ઉન્નતિના માટે આપી રહ્યા છે, એને આપણે અનુરસીએ. સાથ દઇએ. સબ સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ. નરેન્દ્રભાઇના આ સૂત્રો કાશી, અયોધ્યા, મથુરા, જ્ઞાનવાપીમાં આજે સાર્થક થઇ રહ્યા છે. આપણે સમજીએ છીએ. આપણી એકતા વિના આપણે સુખી રહી શકવાના નથી અને આવા સાચા રાજકીય પુરૂષોના સહકાર વિના અને બળ વિના આપણે સુરક્ષિત ન રહી શકીએ. માટે સબ કા સાથ સબકા વિકાસની ભાવનામાં આપણે જોડાઇ જઇએ. માટે ભગવત ભક્તિ સાથે દેશ ભક્તિમાં જોડાઇ જઇએ.

સી.આર.પાટીલ પણ હાજર રહ્યા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા તથા વડોદરાના મેયર કેયુર રોકડિયા આ પ્રસંગે હાજરી આપી હતી. આ સંગીતના કાર્યક્રમને દેશવિદેશના હજારો હરિભક્તોએ માણ્યો હતો. તા.20/5/2022ના રોજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા
કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા

ઘનશ્યામ મહારાજના 18મો પાટોત્સવ
વડોદરામાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ નિમિત્તે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞના વક્તા જ્ઞાનજીવનદાસજી સ્વામીએ શ્રીહરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરની કથામાં હજારો દેશ-વિદેશના ભક્તજનોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા. આ જ્ઞાનયજ્ઞના ત્રીજા દિવસે જ્ઞાનજીવનદાસજી સ્વામી તથા સંતો દ્વારા સત્સંગ કથાનો લાભ ભક્તોને પ્રાપ્ત થયો હતો તેમજ રાત્રે 9 વાગ્યે મુંબઇના પ્રસિધ્ધ સમર્પણ ફ્યુઝન બેન્ડનો ધમાકેદાર સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા
અન્ય સમાચારો પણ છે...