ભાસ્કર એક્સક્લુઝિવ:2019માં ગોત્રીમાં સ્ટેડિયમનું પ્લાનિંગ કર્યું, મેયર બદલાતાં પ્રાથમિકતા બદલાઇ; હવે માત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાશે

વડોદરાએક મહિનો પહેલાલેખક: વીરેન્દ્રસિંહ વર્મા
  • કૉપી લિંક
  • રાજકોટ જેવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા રિઝર્વ પ્લોટની પસંદગી કર્યા બાદ ગ્રાન્ટના અભાવે પ્રોજેક્ટ અટક્યો
  • 1995થી રિઝર્વ પ્લોટ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય

શહેરના ગોત્રી વિસ્તારમાં ટીપી સ્કીમ હેઠળ 1995માં અનામત રખાયેલી પાલિકાની જમીનમાં 2019માં સૂચવાયેલો સ્ટેડિયમનો પ્રોજેકટ ગ્રાન્ટના અભાવના બહાના હેઠળ હાલ પૂરતો અભરાઈ પર ચડાવી દેવાયો છે, જેના પગલે સ્ટેડિયમની જમીન હાલ ઝાડી ઝાંખરાને હવાલે થઇ ગઇ છે. હવે સ્ટેડિયમના બદલે ગ્રાઉન્ડ બનાવવા વિચારણા ચાલી રહી છે.

યોજના ગ્રાન્ટના બહાને અભરાઈએ ચડી
શહેરના વિવિધ વિસ્તારમાં પાલિકાની જમીનો આવેલી છે જેમાં પાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટ કરાઈ રહ્યા છે જ્યારે કેટલીક જમીન પર પ્રોજેક્ટ રાહ જોઈ રહ્યા છે. આવી જ હાલત ગોત્રીમાં આવેલ પાલિકાની 18 વીઘા જમીન (આશરે 4,52,654 ચોરસ ફૂટ) ની છે જેના પર પાલિકાની સ્ટેડિયમ બનાવવાની યોજના હતી, પરંતુ આ યોજના ગ્રાન્ટના બહાના હેઠળ અભરાઈ પર ચડી ગઇ છે.

કાર્યકાળ પૂરો થતાં પાલિકાએ ધ્યાન આપ્યું ન હતું : ડો.જીગીશાબેન
યોજના માટે 2019માં તત્કાલીન મેયર ડો.જીગીશાબેન શેઠે પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ કોરોના આવી જતાં અને તેમનો કાર્યકાળ પૂરો થતાં પાલિકાએ પ્રોજેક્ટ પર ધ્યાન આપ્યું ન હતું. ડો.જીગીશાબેને શેઠે જણાવ્યું કે, 2019માં રાજકોટમાં જે રીતે રાજકોટ મહાનગર સેવા સદન દ્વારા સ્ટેડિયમ બનાવ્યું છે તેવું સ્ટેડિયમ બનાવવા તૈયારી કરી હતી જેના માટે રાજકોટ જઇ સ્ટેડિયમની મુલાકાત પણ લીધી હતી.

પ્રોજેકટનો ખર્ચ રૂા.8થી10 કરોડ અંદાજવામાં આવ્યા હતો
રાજકોટ જેવું સ્ટેડિયમ બને તે માટે અમે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. પરંતુ મારો કાર્યકાળ પુરો થયો અને કોરોના આવી જતાં પ્રોજેકટ તે સમયે થઇ ના શક્યો.પ્રાથમિક તબક્કે પ્રોજેકટનો ખર્ચ રૂા.8થી10 કરોડ અંદાજવામાં આવ્યા હતો પણ ફૂલ સ્ટેડિયમના આયોજનમાં ખર્ચ વધી શકે તેવો પણ અંદાજ હતો.​​​​​​​ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે‘ સ્ટેડિયમ બનાવવા બીસીસીઆઈના કયુરેટર,સરકારી કન્સલ્ટન્ટ, એક પૂર્વ ઇન્ટરેનેશનલ ક્રિકેટર સાથે બેઠક પણ કરવામાં આવી હતી, પરંતુ કોરોના આવી જતાં આ પ્રોજેકટ આગળ વધી શકયો ન હતો.

7 વિકેટ બનાવવા સાથે મોતીબાગ જેવી લીલોતરી સૂચવી હતી
ગોત્રી રોડ પરની પાલિકાની જમીનમાં સ્ટેડિયમ બનાવવાની તૈયારી થઇ હતી ત્યારે પ્રસ્તાવિત સ્ટેડિયમમાં સાત વિકેટ બનાવવા માટે સુચન કરાયું હતું. આ ઉપરાંત પ્રેકટિસ વિકેટ માટે પણ સુચન કરવામાં આવ્યું હતું. ગોત્રીની વિશાળ જમીનમાં સ્ટેડિયમ બનાવવાની સાથે મોતીબાગ ક્રિકેટ સ્ટેડિયમની આસપાસની લીલોતરી જેવી જ હરિયાળી ઉભી કરવા માટે ગોત્રીના પ્રસ્તાવિત સ્ટેડિયમ માટે કરાઈ હતી.

ગ્રાઉન્ડ બનાવવાની વિચારણા
શહેરમાં મોતીબાગ મેદાન, રિલાયન્સ સ્ટેડિયમની સુવિધા છે. હાલમાં કોટંબી ખાતે નવું સ્ટેડિયમ બની રહ્યું છે. એટલે ગોત્રીની જમીનમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની અને પ્રેકટીસ માટેની વિકેટો બનાવવાની વિચારણા છે. - કેયુર રોકડિયા, મેયર

ગ્રાન્ટની વ્યવસ્થા થતાં કામ થશે
હાલ આ પ્રોજેકટ કરવા જઇએ તો અંદાજે રૂા.100 કરોડ જોઈએ,પરંતુ હાલ ગ્રાન્ટના અભાવે આ પ્રોજેકટ આગળ વધી શકયો નથી પણ જેવી ગ્રાન્ટની વ્યવસ્થા થશે એટલે અમે તે દિશામાં કામ કરીશું. - ડો.હિતેન્દ્ર પટેલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ

અન્ય સમાચારો પણ છે...