વિવાદ:ઉમેદવારનો પ્રચાર કરતા અશ્વિન ચોકસીને પીલ્લાઇએ અટકાવ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લો ફેકલ્ટીની ચૂંટણીમાં ઓબ્ઝર્વર સાથે બબાલ થઈ હતી. - Divya Bhaskar
લો ફેકલ્ટીની ચૂંટણીમાં ઓબ્ઝર્વર સાથે બબાલ થઈ હતી.
  • લોના મતદાનમાં કોમર્સ ફેકલ્ટી ખાતે બબાલ થઈ
  • હોમ સાયન્સના વોટિંગ વેળા મતદારોના ફોટા પાડતાં વિવાદ

કોમર્સ ફેકલ્ટી ખાતે લો ફેકલ્ટીના સેનેટના ઉમેદવારનું મતદાન ચાલતું હતું. જોકે યુનિ.એ નીમેલા ઓબ્ઝર્વર અશ્વિન ચોકસી ઉમેદવાર અવધૂત સુમનનો પ્રચાર કરતાં હોવાનું નજરે પડ્યું હતું. જેથી કિશોર પીલ્લાઇએ તેમને રોક્યા હતા. ઉમેદવાર કિશોર પીલ્લાઇએ જણાવ્યું કે, સવારે તેઓ આવ્યા અને ડીનને કહ્યું કે અવધૂત સુમન મારા મિત્ર છે જરા જોઇ લેજો. તે સમયે મેં ડીનને રજૂઆત કરી હતી. દોઢ કલાક પછી તેઓ પાછા આવતાં તેમની ગાડી રોકી હતી. જવા દેવાયા નહતા. તેમણે પ્રયાસ કર્યો હતો, પરંતુ બૂમાબૂમ થતાં તેઓ ગાડી લઇને પરત જતા રહ્યા હતા.

જ્યારે લો ફેકલ્ટીમાં હોમ સાયન્સના વોટિંગ વેળા મતદારોના ફોટા પાડવા બાબતે વિવાદ થયો હતો. મતદાન કરવા આવી રહેલાં મહિલા મતદારોના ફોટા એક જૂથ દ્વારા પડાઈ રહ્યા હોવાની ફરીયાદ ચૂંટણી અધિકારીને કરવામાં આવતાં તેને રોકવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાયન્સ ફેકલ્ટી ખાતે કોમર્સ ફેકલ્ટીના ઉમેદવારના મતદાન વેળા એક પુરુષ મતદારનો ફોટો બદલાઇ જવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વિવાદ થયા બાદ ખરાઇ કરીને મત આપવા દેવામાં આવ્યો હતો.

યાદીમાં નામ ન હોવાથી હોબાળો
ફેકલ્ટી ઓફ કમ્યૂનિટી સાયન્સિસ ખાતે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ખાતે ઇબ્રાહિમ કોન્ટ્રાક્ટર નામના મતદાર વોટિંગ માટે આવ્યા પણ તેમનું નામ યાદીમાં ન હોવાથી હોબાળો થયો હતો. ઉમેદવારો કપિલ જોશી અને અર્જુન સોલંકી પહોંચી ગયા હતા અને વોટિંગ કરવાના મુદ્દે ખેંચતાણ સર્જાઇ હતી. જેના લીધે ડે. રજિસ્ટ્રાર પર બૂથ પર આવી ગયા હતા. છેવટે યાદીમાં નામ ન હોવાથી વોટિંગ કરવા દેવાયું નહોતું. હોબાળાથી 20 મિનિટ મતદાન પ્રક્રિયામાં વિલંબ થયો હતો. બંને ઉમેદવારોને બૂથમાં ન પ્રવેશવાની વિનંતી કરાઈ હતી.

5 વાગ્યા બાદ 2 મિનિટમાં જ મતદાર આવ્યો, પરંતુ વોટિંગ કરવા ન મળ્યું
સોશિયલ વર્ક ફેકલ્ટી ખાતે એક યુવા મતદાર વોટિંગ માટે પહોંચ્યો હતો. પણ આઇકાર્ડ ન હોવાથી તેને તે લઇ આવવાનું બૂથમાંથી જણાવ્યું. તે તુરંત જ ગયો અને આઇકાર્ડ લઇને આવ્યો પણ ત્યાં સુધીમાં ગેટને તાળું લાગી ચૂક્યું હતું. તેણે બૂથમાં ટેલિફોનિક રજૂઆત કરાવી પણ નિયમ મુજબ વોટિંગ કરવા મળ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...