ફતેગંજ પોલીસ મથકમાં જ મોતને ઘાટ ઉતારેલા શેખ બાબુના ચકચારી મામલામાં મૃતકના પરિવારજનોએ અત્રેની અદાલતમાં હાજર રહી વકીલ મારફતે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માગ કરી હતી અને હાઈકોર્ટેમાં જઈ સરકાર નિયુક્ત વકીલને બદલવાની માગ કરવાની તૈયારી શરૂ કરી છે. બીજી તરફ આરોપી પીઆઇ અને પીએસઆઈને કોર્ટમાં લાવ્યા બાદ અદાલતના કમ્પાઉન્ડમાં તેમની શંકાસ્પદ હિલચાલ કેમેરામાં ઝડપાઈ હતી.
લાંબા સમય બાદ આરોપીઓ CID ક્રાઇમ સમક્ષ હાજર થયા હતા
તેલંગાણાના રહીશ શેખ બાબુને પૂછપરછ માટે ફતેગંજ પોલીસ મથકમાં લવાયા બાદ તેમના મૃતદેહને સગેવગે કરી દેવાયો હતો. મામલો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ ફતેગંજ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત 4 કર્મીઓ મળી કુલ 6 સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. લાંબા સમય સુધી આરોપીઓ ફરાર થયા બાદ અંતે સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર થયા હતા અને હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં તેમને વીઆઈપી સગવડ પૂરી પડાતી હોવાનો આરોપ હતો, પરિણામે 6 આરોપીઓને નડિયાદ ખાતે મોકલી દેવાયા હતા.
શેખ બાબુના પરિવારે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માગ કરી
મામલાની સુનાવણી અદાલતમાં ચાલી રહી હતી તે દરમિયાન અચાનક સરકારી વકીલની બદલી કરી દેવાઈ હતી. જેનો શેખ બાબુના પરિવારજનોએ વિરોધ દર્શાવ્યો હતો. એક તરફ દેશમાં સરકાર દ્વારા અપાતા વળતરની માગ હજી સુધી સંતોષાઈ નથી એવા સમયે આ અંગે સુપ્રીમ કોર્ટમાં પણ જવાની તૈયારી શરૂ થઈ છે. અદાલત સમક્ષ સુનાવણી સમયે શેખ બાબુના પરિવારે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માગ કરી હતી અને બદલાયેલા સરકાર નિયુક્ત વકીલને બદલવા માટેની માગ કરવા હાઈકોર્ટે જવાનું નક્કી કર્યું હતું.
નડિયાદથી પોલીસ વાહનની પાછળ આવેલી ગ્રે કલરની ખાનગી કાર કોની?
શેખ બાબુની હત્યાના આરોપી પીઆઇ ગોહિલ અને પીએસઆઈ રબારીને નડિયાદ જેલથી વડોદરા ખાતે પોલીસના જે વાહનમાં લવાયા હતા તે વાહનની પાછળ-પાછળ ગ્રે કલરની હ્યૂન્ડાઈ આઇ ટ્વેન્ટી કાર પણ જોવા મળી હતી અને તેની શંકાસ્પદ હિલચાલ દેખાઈ હતી. કાર આવ્યા બાદ અદાલતના કમ્પાઉન્ડમાં પીઆઇએ પોલીસ વાહનમાંથી બહાર આવી વાતચીત કરી હતી અને પીએસઆઈ રબારી મોબાઈલ ફોન ઉપર કોઈની સાથે વાતચીત કરતા નજરે પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.