સ્ત્રી અત્યાચાર:વડોદરામાં સાસરીયાએ ગર્ભાવસ્થા દરમિયાન પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો, પત્નીએ પતિ સહિત 5 સામે ફરિયાદ નોંધાવી

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિએ બે વખત તલાકની નોટીસ પણ મોકલાવી હતી

વડોદરામાં લગ્નના 15 દિવસ બાદ ઘરકામ અને જમવાની બાબતે પરેશાન કરીને ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય કાળજી ન રાખી પરિણિતાને શારીરીક અને માનસિક ત્રાસ આપી તલાકની નોટીસ ફટકારતા પરણીતાએ પતિ સહિત સાસરી પક્ષના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પતિ રસોઈમાં ભૂલો કાઢી પરેશાન કરતો હતો
પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન સમાજના રીતરિવાજ મુજબ વર્ષ-2018 દરમિયાન અલ્તાફ ઘાંચી(રહે, ડ્રીમ હાઇટ્સ, મકરંદ દેસાઈ રોડ, તાંદલજા, વડોદરા) સાથે થયા હતા. લગ્નના 15 દિવસ બાદ પતિ ઘરકામ અને રસોઈ બાબતે ભૂલો કાઢી પરેશાન કરતો હતો. સાસુ શહેનાઝબેન વારંવાર પગ દબાવવા માટે દબાણ કરતી હતી અને નણંદ રૂબીનાબેનના લગ્ન થયા હોવા છતાં સાસરીમાં જ રોકાઈ મારી વિરુદ્ધ કાન ભંભેરણી કરતી હતી.

ગર્ભાવસ્થા દરમિયાન વજન ઉચકાવતા હતા
6 મહિનાનો ગર્ભ હોવા છતાં સસરિયાઓ કામ કરાવી વજનવાળી વસ્તુઓ ઉચકાવતા હતા. દીકરાને જન્મ આપ્યા બાદ બે દિવસમાં તેનું મોત નીપજ્યું હતું. તે સમયે પણ મારી કાળજી લીધી ન હતી અને મારા પિતાને તમારી દીકરી રાખવી નથી તેમ જણાવી તલાકની બે નોટિસ મોકલી છે.

પત્નીએ પતિ સહિત 5 સાસરીયા સામે ફરિયાદ નોંધાવી
ફરિયાદના આધારે માંજલપુર પોલીસે પતિ સહિત સાસરી પક્ષનાં પાંચ સભ્યો વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...