બુસ્ટર ડોઝ:ફાર્મા હબ વડોદરાની 52થી વધુ દેશમાં વર્ષે 18,000 કરોડની દવાની નિકાસ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સન ફાર્મા, એલેમ્બિક, ઇપ્કા, BDR, લુપિન ઝાયડસ સહિતની પ્રોડક્ટ્સની વિદેશમાં નિકાસ થાય છે
 • મહામારીમાં કોરોનાની દવાઓની નિકાસમાં ઉછાળો આવતાં ટર્નઓવરમાં 50 ટકાનો વધારો
 • વડોદરાએ બીજા વેવમાં મ્યૂકોરમાઇકોસિસ માટેના એમ્ફોટેરિસિન બીના ઇન્જેક્શન દેશને પૂરાં પાડ્યાં
 • વડોદરાના ફાર્મા સેક્ટરની કુલ નિકાસના 3 થી 4 ટકા હિસ્સો જાપાન અને ચીનનો છે
 • કેન્સર, કાર્ડિયાક, ક્રિટિકલ કેર, ડાયાબિટિસ, મલમ અને એન્ટિબાયોટિક્સ દવાની વધુ ખપત

કોરોનાના સમયમાં ભારત અને દુનિયાના દેશોમાં રેમડેસિવિર ઇન્જેકશન અને ત્યારબાદ જ્યારે મ્યુકોરમાઇકોસિસના કેસો આવ્યા ત્યારે એમ્ફોટેરિસિન બીના ઇન્જેકશનની માગમાં જબરદસ્ત વધારો થયો હતો. ત્યારે સમગ્ર ભારતમાં વડોદરા અને આસપાસની ફાર્મા કંપનીઓ આ ઇન્જેક્શન પૂરા પાડતી હતી.

શહેરની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં 39 લાખથી વધુ ઇન્જેકશનની બેચનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આજે પણ વડોદરાના ફાર્મા ઉદ્યોગો દુનિયાના 52થી વધુ દેશમાં વર્ષે રૂ.18000 કરોડની દવાઓની નિકાસ કરે છે. આ દેશોમાં કેટલાક યુરોપિયન દેશો, મોટાભાગના સબસહારા દેશો (ઉત્તર આફ્રિકા સિવાયના), લેટિન અમેરિકા, સાઉથ-ઇસ્ટ એશિયા અને મિડલ ઇસ્ટનો સમાવેશ થાય છે. અમેરિકા અને યુરોપના દેશોમાં દવાઓના માનાંક વધુ કડક હોવાથી ત્યાં વડોદરાથી નિકાસ ઓછી થાય છે.

આ દવાઓમાં કોરોનાની જ નહીં પણ કેન્સર, કાર્ડિયાક, ક્રિટિકલ કેર, ડાયાબિટિસ, મલમ (ઓઇન્ટમેન્ટ) અને એન્ટિબાયોટિક્સ દવાઓ મુખ્ય છે. વડોદરાની સન ફાર્મા, એલેમ્બિક, ઝાયડસ, ઇપ્કા, બીડીઆર સહિતની મોટી કંપનીઓ છે જેમની ફાર્મા પ્રોડક્ટ્સની વિદેશમાં નિકાસ થાય છે. જાણીને નવાઇ લાગશે કે વડોદરાથી જાપાન અને ચીનમાં પણ મેડિકલ ડ્રગ્સની નિકાસ થાય છે.

આ વિશે ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક કહે છે કે, ‘ કોવિડ સમયમાં વડોદરાથી દવાઓની નિકાસ દોઢ ગણી થઇ ગઇ હતી. કેટલાક વિકસિત દેશોમાં ભારતથી બલ્કડ્રગની નિકાસ થાય છે. દાખલા તરીકે જાપાનમાં કેન્સરની દવાઓ માટેનું રો મટિરિયલ વડોદરાથી જાય છે. કેન્સરની રેડિમેઇડ દવાઓની ચીનમાં નિકાસ થાય છે.’ વડોદરાની કુલ નિકાસનો 3થી 4 ટકા હિસ્સો જાપાન અને ચીનનો છે. આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ લાઇસન્સના રિન્યૂઅલ્સ માટે અગાઉ 3થી 6 મહિના થતા હતા. જે સમયગાળો હવે ઘટાડીને 60 દિવસનો કર્યો છે જેને કારણે પણ ફાર્મા ઉદ્યોગોને વેગ મળ્યો છે.

વડોદરાના ફાર્માઉદ્યોગને દેશમાં પણ પ્રોત્સાહન મળ્યું છે
વડોદરાના ફાર્માઉદ્યોગની વિદેશમાં તો મોટી ખપત છે. પણ છેલ્લા કેટલાક વર્ષમાં નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (રાષ્ટ્રીય આરોગ્ય સંરક્ષણ કાર્યક્રમ) ભારતભરમાં લાગુ કરવામાં આવી છે. આ માટે વાર્ષિક 61,398 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાને લાગુ પાડવામાં પણ દવાઓ અને ફાર્મા પ્રોડક્ટની જરૂર પડે છે. આ ઉપરાંત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ)ને લીધે પણ ભારતીય ફાર્મા ઉદ્યોગને વિદેશમાં નિકાસ માટે પણ વ્યાપક પ્રોત્સહન મળ્યું છે. બીજી તરફ દવાઓની કિંમત વધવાને લીધે પણ ટર્નઓવરમાં વધારો દેખાઇ રહ્યો છે.

સમસ્યા : કંપનીઓના કન્ટેનર્સ મોડા આવી રહ્યાં છે
ફાર્માઉદ્યોગના સૂત્ર મજબ વડોદરાના ફાર્મા ઉદ્યોગ સામે એક મુશ્કેલી જે સર્જાઇ છે તે વૈશ્વિક છે. હાલમાં શિપિંગમાં જે કન્ટેનર્સ જે તે દેશોમાં પહોંચે છે તે દેશમાં પહોંચ્યા બાદ કસ્ટમ ક્લીયરન્સમાં મોડુ થઇ રહ્યું છે. આ ઉપરાંત સેનિટાઇઝિંગ પ્રક્રિયા પણ ફરજિયાત હોવાથી તેમાં પણ વિલંબ થઇ રહ્યો છે. જેને પરિણામે બીજા ઓર્ડર માટેના કન્ટેનર ભારતના બંદરે ઉપલબ્ધ થઇ શકતા નથી.

કેમ માગ વધુ : કિંમત ઓછી અને દવાની અસરકારતા વધુ
મેડિકલ ફાર્મા ડ્રગની બહોળી માંગ અને નિકાસ પાછળનું કારણ સસ્તી દવાઓ છે. વિકસિત દેશોમાં મેઇડ ઇન ઇન્ડિયા કે વડોદરાની દવાઓ એટલા માટે જ વધુ વેચાય છે કારણ કે આ દવા અસરકારક હોય છે અને સાથે જ સ્થાનિક કંપનીઓની દવાઓની સરખામણીએ તેની કિંમત ઓછી હોય છે.

વિયેતનામ અને આફ્રિકન દેશમાં નિકાસ સૌથી વધુ
હાલમાં વડોદરાથી સૌથી વધુ દવાઓની નિકાસમાં વધારો વિયેતનામ,આફ્રિકન દેશોમાં થઇ રહ્યો છે. ઘણા દેશોમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. જ્યારે આ બંને દેશોમાં કોરોનાના કેસ વધતા ત્યાં એન્ટિ કોરોના દવાઓની માગમાં જબરદસ્ત વધારો થયો છે. આ દેશોની કનેક્ટિવિટી અને લોજિસ્ટિક લાઇન પણ સરળ છે. અહીં અેન્ટિબાયોટિક્સ અને એન્ટિવાયરલ ડ્રગ્સની ડિમાન્ડ વધી છે.

આ દેશોમાં વડોદરાથી નિકાસ

 • આફ્રિકા 20
 • સાઉથ અમેરિકાના7
 • દક્ષિણ-પૂર્વના 8
 • યુરોપના9
 • એશિયાના11

આ દવાઓની માગ સૌથી વધુ

 • કેન્સર
 • કાર્ડિયાક
 • ક્રિટિકલ કેર
 • ડાયાબિટિસ
 • મલમ (ઓઇન્ટમેન્ટ)
 • એન્ટિબાયોટિક્સ
 • એન્ટિ મેલેરિયલ દવાઓ
અન્ય સમાચારો પણ છે...