બર્નિંગ કારમાંથી બચેલાની આપવીતી:વડોદરામાં CNG નહીં પણ પેટ્રોલ કાર ભડભડ સળગી, દરવાજા લૉક થઇ ગયા, બ્રેક લાગવાની બંધ થઇ, પરિવાર માંડ માંડ બચ્યો

વડોદરા11 દિવસ પહેલા
  • ડ્રાઇવર સાઇડનો દરવાજો તો ખુલ્યો જ નહીં, હેન્ડ બ્રેક પણ ન લાગી

શહેર નજીક વરણામા ખાતે રોડ પર દોડતી એક કાર અચનાક ભડકે બળી હતી. જેથી કારના દરવાજા પણ લૉક થઇ ગયા હતા અને પરિવારે માંડ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો.

ખરીદી કરવા નિકળ્યો હતો પરિવાર
વડોદરા નજીક આવેલા કાયાવરોહણ ખાતે રહેતા દિપકભાઇ જશભાઇ પટલે તેમની પત્ની એકતાબેન, પુત્રી અરવી અને ભાણેજ મીત તથા ભાણી ઋત્વીબેન સાથે પોતાની બલેનો કાર (GJ 06 PC 5700)માં ખરીદી માટે વડોદરા આવી રહ્યા હતા. દરમિયાન બપોરે તેમની કારમાં પોર રોડ પર વરણામા પાસે KBJU કોલેજ સામે રોડ પર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જો કે કારમાં સવાર પરિવારનો જીવ એક સમયે તો પડીકે બંધાઇ ગયો હતો કારણ કે કારના દરવાજા લૉક થઇ ગયા હતા અને માંડ માંડ તેઓ બહાર નિકળી શક્યા. ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી કારમાં લાગેલી આગને બૂઝાવી હતી. જો કે કાર આગમાં ખાખ થઇ ગઇ હતી.

બોનેટમાંથી શરૂ થયેલી આગ આખી કારમાં પ્રસરી ગઇ.
બોનેટમાંથી શરૂ થયેલી આગ આખી કારમાં પ્રસરી ગઇ.

પેટ્રોલની કાર હોવા છતાં સળગી, દરવાજા લૉક થઇ ગયા
દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતમાં દિપકભાઇ પટેલે જણાવ્યું હતું કે, હું કાયાવરોહણથી વડોદરા ખરીદી માટે પરિવાર સાથે બલેનો કારમાં નિકળ્યો હતો. મારી કાર માત્ર પેટ્રોલની છે, CNG નથી કરાવી. અમે વરણામા પાસે KBJU કોલેજ પાસે પહોંચ્યા ત્યારે બોનેટના ભાગમાં અચાનક ધડાકો થયો અને કાર સળગવા લાગી. કારમાં આગ લાગતા દરવાજા લૉક થઇ ગયા હતા અને બ્રેક પણ ન્હોતી લાગતી. અમે જેમતેમ કરીને જીવ બચાવી સળગતી કારમાંથી બહાર નિકળ્યા. અમે કારના દરવાજા ખોલવા બહું મથ્યા પછી નસિબ જોગે એકબાજુનો દરવાજો ખુલ્યો તેમાંથી અમે બહાર નિકળ્યા.

બ્રેક પણ ન્હોતી લાગતી
ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા દિપકભાઇએ ઉમેર્યું હતું કે, ડ્રાઇવર સાઇડનો દરવાજો તો ખુલ્યો જ નહીં. રનિંગ કારમાં આગ લાગી ત્યારે બ્રેક તો શું પણ હેન્ડબ્રેક પણ ન્હોતી લાગતી. રનિંગ ગાડી ધીમે ધીમે આગળ જઇને ઉભી રહી. કારમાંથી હું, મારી પત્ની, પુત્રી, ભાણેજ અને ભાણી માંડ હેમખેમ બહાર નિકળી શક્યા. પરંતુ આખી કાર સળગી ગઇ.

કારમાં લાગેલી આગ બૂઝાવતા ફાયરબ્રિગેડના જવાનો.
કારમાં લાગેલી આગ બૂઝાવતા ફાયરબ્રિગેડના જવાનો.

ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
કારમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. કારમાં આગ લાગતા ત્યાંથી પસાર થતાં વાહનચાલકો શું બન્યું એ જોવા માટે થોડીવાર માટે થંભી ગયા હતા.