વિવાદ:પ્રેમલગ્ન કરનાર પુત્રીના ઘરમાં ઘૂસીને પિયરિયાઓનો હુમલો, 5 સામે ગુનો નોંધી અટક

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લક્ષ્મીપુરા રોડ પર રહેતી પુત્રીને પાછી લઈ જવા જીદ પકડી
  • પુત્રીના પિયરિયાઓનો નણંદને પણ રસ્તામાં આંતરી કારમાં બેસાડવાનો પ્રયાસ

વડોદરા શહેરમાં લક્ષ્મીપુરા વિસ્તારમાં પ્રેમલગ્ન કરી રહેતી પુત્રીના ઘરમાં ઘૂસી પિયર પક્ષે પથ્થર અને પાઇપ વડે હુમલો કર્યો હતો. પુત્રીને ઘરમાંથી લઈ જવાની જીદ સાથે મારામારી કરતા બનાવ સંદર્ભે લક્ષ્મીપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે સ્થળ પરથી મારામારી કરનાર પિયર પક્ષના 5ની અટકાયત કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર ચિરાગ મછાર રહે છે. વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં ચિરાગ મછારે મૂળ દાહોદની અને જૂના પાદરા રોડ પર આવેલી કોલેજમાં અભ્યાસ કરતી સેજલબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ સેજલબેન તેમની સાસરીમાં જ રહેતા હતા. જ્યારથી લગ્ન થયા હતા ત્યારથી સેજલબેનનો પરિવારે અવારનવાર સાસરિયા પક્ષને ધાક ધમકી આપવા સાથે અનેક અરજીઓ કરી હતી.

શુક્રવારે સેજલબેન, પતિ ચિરાગ અને તેના માતા પિતા ઘરે હાજર હતા તે સમયે સયાજી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીના તબીબ તેમના નણંદ વૈભવીબેને ફોન કરી જાણ કરી હતી કે સેજલબેનનો ભાઈ નયન તેમનો પીછો કરે છે અને સાંજે ઘરે આવતી વેળાએ રસ્તામાં શ્રીજી ગોલ્ડ પાર્ટી પ્લોટ નજીક જીપમાં બેઠેલા ત્રણ લોકોએ તેમને રોકી જબરજસ્તી જીપમાં બેસાડવા પ્રયત્ન કર્યો હતો. જોકે હોબાળો થતા તેઓ હેમખેમ ઘરે આવી ગયા હતા.

ત્યારબાદ સેજલબેનના પિતા પર્વતસિંહ પરમાર, માતા પાર્વતીબેન અને બાબુ હઠીલા તથા એક બાઇક પર ભાઈ નયન અને ચીમન હઠીલા ત્યાં આવી પહોંચી ઘરમાં ઘૂસીને હોબાળો મચાવ્યો હતો. અમે કોઈ પણ હિસાબે અમારી છોકરીને લઈ જઈશું તેમ કહી પાઇપ વડે સેજલબેનના સાસુ સસરા પર હુમલો કર્યો હતો. તેઓએ પથ્થર વડે પણ હુમલો કર્યો હતો. ઘટના અંગે સેજલબેનના નણંદ વૈભવીબેને પોલીસને જાણ કરતા લક્ષ્મીપુરા પોલીસ તાબડતોબ સ્થળ પર દોડી આવી હતી.

પોલીસે ત્યાં હાજર સેજલબેનના માતા પર્વતીબેન, પિતા પર્વતસિંહ, ભાઈ નયન અને ચીમન હઠીલા અને બાબુ હઠીલાને ઝડપી લઈ પોલીસ મથકે લઈ ગયા હતા. પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે પુછપરછ હાથ ધરી હોવાનું જાણવાર મળે છે.

અન્ય સમાચારો પણ છે...