અંગદાન મહાદાન:વડોદરાની ઇજનેર યુવતીના હૃદય, લીવર, કિડની, આંખોના દાનથી પાંચ લોકોને નવજીવન

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતી કોમલ પટેલ બ્રેનડેડ જાહેર થયા બાદ અંગદાન કરાયું. - Divya Bhaskar
ઈલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતી કોમલ પટેલ બ્રેનડેડ જાહેર થયા બાદ અંગદાન કરાયું.
  • અંગદાનથી પાંચ દર્દીઓના જીવનમાં ખીલશે સ્વાસ્થ્યનો સૂરજ

વડોદરામાં મલ્ટી નેશનલ કંપનીમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતી કોમલ પટેલને 5 જૂનની રાત્રે ગંભીર હાલતમાં પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને બ્રેઈનડેડ જાહેર કરી હતી. પરિવારની સંમતિ બાદ તેનું હૃદય, લીવર, કિડની, આંખો અને વાળ જરૂરિયાતમંદ દર્દીઓને દાન કરવામાં આવ્યું હતું. જેથી પાંચ લોકોને નવજીવન મળ્યું છે.

કેદારનાથથી પરત ફર્યા બાદ માથાનો દુઃખાવો અને આંચકીઓ શરૂ થઈ
વડોદરાની કોમલ પટેલ કેદારનાથ (તીર્થ સ્થળ) ગઇ હતી અને ત્યાંથી ઘરે પરત ફર્યા બાદ તેમને ગંભીર માથાનો દુ:ખાવો શરૂ થયો તેમજ અચાનક આંચકીઓ આવવા લાગી હતી. જેથી તેને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ કોમલ પટેલને વધુ સારવાર માટે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેમનું સેરેબ્રલ વેનસ થ્રોમ્બોસિસનું નિદાન કરવામાં આવ્યું હતું. જોકે સ્થિતિ ઝડપથી બગડતા તેમને વેન્ટિલેટરી સપોર્ટ પર મૂકવામાં આવી હતી. ત્યારબાદ તેમનું બ્રેઈન ડેડ થયું હોવાની પુષ્ટિ થઈ હતી. પારુલ સેવાશ્રમ હોસ્પિટલના નિષ્ણાતોએ તેમના પરિવારને અંગદાનના ઉમદા કાર્યની જાણ કરી હતી.

કેદારનાથથી પરત ફર્યા બાદ તબિયત લથડી હતી.
કેદારનાથથી પરત ફર્યા બાદ તબિયત લથડી હતી.

પરિવારને અંગદાનની સંમતિ આપી
દર્દીના નાના ભાઈએ તેના પરિવારને અંગદાનના મહાન કાર્ય વિશે સમજાવ્યા બાદ આખરે તેઓએ અંગદાન માટે સંમતિ આપી હતી. તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ ઝાયડ્સ હોસ્પિટલ, અમદાવાદ અને ગ્લોબલ હોસ્પિટલ, મુંબઈના ડોક્ટરોની ટીમે 24 કલાકની અંદર અંગ પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ અંગોના પરિવહનને ઝડપી બનાવવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. તેવું પારુલ સેવાશ્રમ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. કોમલ પટેલે જણાવ્યું હતું. દર્દીના સંબંધીઓએ પોતાના વાળનું દાન કરીને કેન્સરના દર્દીઓને પણ આશાનું કિરણ આપ્યું છે.

પરિવારે અંગદાનની સંમતિ આપ્યા બાદ અંગદાન કરાયું.
પરિવારે અંગદાનની સંમતિ આપ્યા બાદ અંગદાન કરાયું.

પરિવારે અંગદાન થકી લોકોને જીવન આપવાનું નક્કી કર્યું
સરકારી કર્મચારી એવા દર્દીના ભાઇ વિશાલ પટેલે કહ્યું કે, માતા અને બહેન કેદારનાથ ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફર્યા બાદ બહેન કોમલ પટેલે ખૂબ માથું દુ:ખતું હોવાની તથા અન્ય તકલીફોની ફરિયાદ કરી હતી. અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. તેમની સ્થિતિ સતત બગડી રહી હતી અને ત્યારબાદ અમે અંગદાન થકી અનેક લોકોને જીવન આપવાનું નક્કી કર્યું હતું.

પરિવહનને ઝડપી બનાવવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.
પરિવહનને ઝડપી બનાવવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.

અંગદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ
પારુલ સેવાશ્રમ હોસ્પિટલ SOTTO દ્વારા માન્ય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર છે અને કિડની પ્રત્યારોપણ માટે અંગદાન અંગે જાગૃતિ લાવવા માટેની ઘણી પ્રવૃત્તિઓ વારંવાર કરવામાં આવે છે. પારુલ સેવાશ્રમ હોસ્પિટલના મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડો. કૃપા વાઘેલા દ્વારા જણાવ્યા મુજબ, હોસ્પિટલ ટૂંક સમયમાં LIVE કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરશે.

અન્ય સમાચારો પણ છે...