• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • People Rushed To Collect The Forms Of 2132 Houses Of EWS Scheme, Distribution Of Forms Started By Token System In 4 Places In Vadodara

સસ્તુ મકાન લેવા લાંબી લાઇનો:વડોદરામાં 4 સ્થળોએ EWS સ્કીમના 2132 આવાસોના ફોર્મ લેવા માટે લોકોએ પડાપડી કરી, ટોકન પદ્ધતિથી ફોર્મ વિતરણ શરૂ કરાયું

વડોદરાએક મહિનો પહેલા
હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો માટે ફોર્મ વિતરણ શરૂ કરાયું
  • 2132 આવાસોનાં ફોર્મ લેવા 3000થી વધુ લોકો ઊમટી પડતાં પોલીસ ખડકી દેવાઇ
  • હરણી, કલાલી, સુભાનપુરા, ગોત્રીમાં બનનાર આવાસો માટે પ્રથમ િદવસે રેકર્ડબ્રેક 2900 ટોકન અપાયા

રાવપુરામાં પાલિકાની એર્ફોડેબલ હાઉસિંગની ઓફિસ પર ઇડબ્લયુએસના આવાસોના ફોર્મ લેવા માટે સોમવારે સવારે 7 વાગ્યાથી 3 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. જેને પગલે પોલીસ બંદોરસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. પ્રથમ દિવસે રેર્કડ બ્રેક 2900 ટોકન વિતરણ થયા હતા. અગાઉ હાઉસીંગ કૌંભાડ બાદ કોઇ ગેરરિતી ના થાય તેની તકેદારી માટે જે વ્યકિત ફોર્મ લેવા આવ્યું હોય તેના પૂરાવારૂપે આધારકાર્ડનો નંબર તથા તેનું નામ ફોર્મ લખવામાં આવ્યું હતું. 4 સ્થળોએ સ્કીમના 2132 આવાસો બનનાર છે.

મહાનગરપાલિકા પાલિકા દ્વારા હરણી, કલાલી ,સુભાનપુરા અને ગોત્રીમાં ઇડબ્લ્યુએસ સ્કીમના 2132 આવાસોનું નિર્માણ થવા જઇ રહ્યું છે, ત્યારે તેની માટેના ફોર્મનું વિતરણ પાલિકાએ સોમવારથી ફોર્મ વિતરણની કામગીરી શરૂ કરી હતી. ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવતા લોકોએ પડાપડી કરી હતી. જોકે, અરાજકતા ઉભી ન થાય તે માટે હવે ટોકન પદ્ધતિથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. રાવપુરા સ્થિત એફોર્ડેબલ હાઉસિંગ વિભાગની કચેરીમાંથી ફોર્મ વિતરણ કરવાની કામગીરી હાથ ધરાતા લોકોની અડધો કિલોમીટર જેટલી લાંબી લાઈનો જોવા મળી હતી. સવારે સાત વાગ્યાથી જ લોકો ફોર્મ લેવા માટે ઉમટી પડયા હતા. જોકે સોમવારે માત્ર પ્રથમ 100 લોકોને જ ફોર્મ આપવામાં આવ્યા હતા.

ફોર્મ લેવા માટે ધરમધક્કા ન ખાવા પડે તે માટે કાર્યવાહી કરવા લોકોએ માગ કરી
ફોર્મ લેવા માટે ધરમધક્કા ન ખાવા પડે તે માટે કાર્યવાહી કરવા લોકોએ માગ કરી

ફોર્મ લેનાર દરેક વ્યક્તિ પોતે જ છે તેની ખરાઇ કરવામાં આવી હતી. અન્ય કોઇના માટે ફોર્મ લેવા માટે આવેલા લોકોને ફોર્મ આપવામાં આવ્યા ના હતા. આધારકાર્ડની ચકાસણી કરીને તેનો નંબર પણ રજિસ્ટ્રેશનમાં લખવામાં આવ્યો હતો. હરણી ખાતેની સ્કીમમાં મકાનનું 37 ચોરસ મીટર ક્ષેત્રફળ છે, તો બાકીની ત્રણ સ્કીમમાં મકાનનું 35 ચોરસ મીટર ક્ષેત્રફળ છે. જ્યારે તેની કિંમત 5.50 લાખ રાખવામાં આવી છે. ફોર્મ મેળવવા માટે સોમવારે સવારે લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેથી કચેરી ખાતેથી આગામી 10 દિવસ સુધી ટોકન ઈશ્યુ કરાશે.

કચેરી ખાતેથી આગામી 10 દિવસ સુધીના ટોકન ઈશ્યુ કરાયા છે
કચેરી ખાતેથી આગામી 10 દિવસ સુધીના ટોકન ઈશ્યુ કરાયા છે

સવારે 7 વાગ્યાથી આવ્યા છીએ, ફોર્મ 11 વાગ્યે મળશે તેમ કહ્યું
એફોર્ડેબલ હાઉસિંગ વિભાગની કચેરીએ ફોર્મ લેવા માટે આવેલા લોકોએ કહ્યું હતું કે સવારે 7 વાગ્યાથી આવ્યા છે અને લાઇનોમાં ઉભા છે. કચેરી 10 વાગ્યે ખુલતી હોય છે જોકે ફોર્મ 11 વાગ્યે અપાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ઓફિસના અને વિતરણના સમયમાં વધારો કરાય તો લોકોને રાહત રહે.

તકેદારી : રોજ 100 લાભાર્થીનું નામ લખીને જ ફોર્મનું વિતરણ કરાશે
ફોર્મ લેવા આવનાર વ્યક્તિનો આધારકાર્ડ નંબર ફોર્મ લખવાની સાથે તેનું નામ પણ ફોર્મ પર લખીને તેને ફોર્મ આપવામાં આવતું હતું. જેથી પાછળથી ફોર્ણ લઇ જનાર વ્યક્તિની જગ્યાએ અન્ય કોઇ વ્યક્તિ ફોર્મ ના ભરે. કોર્પોરેશન પણ તેમના ચોંપડે નોંધ પાડી હતી. અગાઉ થયેલા હાઉસીંગ કૌંભાડમાં અોનલાઇન ડ્રો બાદ 43 લાભાર્થીઅોના નામ બદલી નખાયા હતા. જેને પગલે હવે તકેદારી વધારી દેવાઇ હતી. 10 દિવસ સુધી રોજ 100 લોકોને જ નામ લખી ફોર્મ અપાશે.

ડ્રોના સવા વર્ષે 500થી વધુ લાભાર્થીએ નાણાં ન ભર્યાં
પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો મેળવવા એ એક લોખંડના ચણા ચાવવા સમાન હોય છે ત્યારે નવા વર્ષમાં જેમને આવાસો લાગ્યાં છે તેવા 500થી વધુ લાભાર્થીઓએ હજી સુધી પૂરેપૂરાં નાણાં ચૂકવ્યાં નથી, તેવા લોકોને નાણાં ચૂકવવા માટે ફોન પર સૂચના આપવાનું શરૂ કરાયું છે. નવાઈની વાત તો એવી છે કે, સવા વર્ષ બાદ પણ 50%થી વધુ લોકોએ 20% નાણાં ચૂકવ્યાં નથી.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઇડબ્લ્યુએસ, એલઆઈજી અને એમઆઈજી જેવી સ્કીમ મૂકવામાં આવે છે. જેની કિંમત 5.50 લાખથી લઈને 20.50 લાખ સુધીની હોય છે, પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષથી સવા વર્ષ સુધીના ડ્રોની સમીક્ષા કરતા ઘણાએ ડ્રો બાદ બાકીનાં નાણાં ચૂકવ્યાં નથી અથવા પૂરેપૂરાં નાણાં જેનાં બાકી છે તેવાની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને પ્રાથમિક ધોરણે આવા 500થી વધુ લાભાર્થીઓ હોવાનું સપાટી પર આવ્યું છે.

ખાસ કરીને જેમણે હજુ નાણાં ભર્યાં નથી તેવા મોટાભાગના લાભાર્થીઓ હરણી, સયાજીપુરા અને ગોત્રીની સ્કીમના છે. આવા લોકોને ફાળવણી રદ થઈ જશે તેવી જાણ કરતા ફોન પાલિકા દ્વારા શરૂ કરાયા છે.

લોકોની કાકલૂદી : હાલ આર્થિક સ્થિતિ ડામાડોળ
સમય મર્યાદા વીતી ગયા બાદ પણ 500થી વધુ લોકોએ પાલિકાના નિયમ મુજબ નાણાં ચૂકવ્યાં નથી ત્યારે તેમને કરાયેલા ફોનમાં એવા જવાબ મળી રહ્યા છે કે નાણાં કેવી રીતે ભરવાં તેની અમને જાણ કરાઇ નથી, બેંકમાં લોન પ્રોસેસ ચાલે છ, લોકડાઉનના કારણે આર્થિક રીતે સ્થિતિ પડી ભાંગી છે તેવા કારણો સાથે લોકો કાકલૂદી કરી રહ્યા છે.

બાકી નાણાં હોય તેવા લોકોને એક તક મળશે
કાર્યપાલક ઇજનેર નિલેશ પરમારે જણાવ્યું હતું કે,​​​​​​​ ​​​​​​​ઇડબ્લ્યુએસ લઈને એમઆઈજી સુધીની સ્કીમમાં 500થી વધુ મકાનો એવાં છે કે જેનાં નાણાં ભરપાઈ થવાના બાકી છે. તેમને એક તક મળે તે માટે ફોન કરવાનું શરૂ કર્યું છે. ​​​​

અન્ય સમાચારો પણ છે...