વડોદરા જિલ્લામાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે અનેક સ્થળે રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે, જેમાં કરજણના માકણ ગ્રામ પંચાયત ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ગામમાં પ્રચાર કરવા આવવું નહીં તેવા બેનર્સ લગાવી દેવામાં આવ્યા છે.
ભાજપ-કોંગ્રેસને મત આપશો તો બાંકડા સિવાય કશું મળશે નહીં
'ભરોસાના નામે ભવાઈ કરતી ભાજપ સરકારના નેતાઓએ માંકણ ગામમાં મત લેવા પ્રવેશ કરવો નહીં. ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વોટ માંગવા માંકણ ગામમાં પ્રવેશ કરશો તો ગામના લોકો દ્વારા સખતમાં સખત વિરોધ કરવામાં આવશે. તથા નીચે દર્શાવેલ તમામ પ્રશ્નોના જવાબો આપવાની તૈયાર દર્શાવીને જાહેરમાં મીટિંગ કરવા ગામ લોકો આમંત્રિત કરે છે. આવા બેનર્સ ગામના પ્રવેશ દ્વાર પર લગાવી દેતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે સાથે લખવામાં આવ્યું છે કે, ભાજપ તથા કોંગ્રેસને મત આપશો તો બાંકડા સિવાય કશું મળશે નહીં.
કરજણના રાજકારણમાં ગરમાવો આવ્યો
આવા લખાણ સાથે ગામમાં પ્રવેશ બંધી ફરમાવતા હોર્ડિંગ્સ લાગતા કરજણના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અક્ષય પટેલને ભાજપે ફરી એકવાર ઉમેદવારી આપતા ભાજપમાં જ આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ગ્રામ પંચાયતો દ્વારા ગામમાં પ્રવેશ નહીં કરવાના બેનર્સ લગાવતા કરજણની રાજકીય સ્થિતિનો ચિતાર મળી રહ્યો છે.
ભાજપ સરકાર ચૂંટણી પુરતો જ અમારો ઉપયોગ કરે છે
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, માકણ ગામમાં ભાજપના પગ ઘુસાડવા માટે મેં તથા મારા સાથીઓએ ગામ લોકોની ગાળો ખાધેલી છે. આ અમારું ગામ પાક્કુ કોંગ્રેસી હતું. એક સમયે ગામમાં બે મત પણ ભાજપને મળતા નહોતા. જોકે, અમે 200થી 300 મત ભાજપને અપાવ્યા હતા. પણ ભાજપ સરકાર ચૂંટણી પુરતો જ અમારો ઉપયોગ કરે છે. અમારું કામ કરતા નથી. ટીડીઓ પણ કહે છે કે, તમારાથી થાય તે કરી લો. અક્ષયભાઈને બે-ત્રણ વખત મેં રજૂઆતો કરી. સતિષભાઈને પણ રજૂઆતો કરી, પણ અમારા કામ કરવા કોઈ તૈયાર નથી.
ગામ લોકોએ AAPને મત આપવાનું નક્કી કર્યું
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં જે આવાસો બન્યા હતા. એ આવાસો તોડાવવા કોંગ્રેસે ખૂબ મહેનત કરી. જે ગામ લોકો એમને ટોપલેને ટોપલે મતો આપતા હતા. એ જ લોકોએ ગરીબોના મકાનો તોડાવવાના પ્રયાસો કર્યાં, એ દરમિયાન ભાજપે અમને કોઈ સપોર્ટ કર્યો નથી. આ વખતે અમે ભાજપ કે કોંગ્રેસને મત આપવાના નથી. તેઓ ચૂંટણી પુરતો આપણો ઉપયોગ કરે છે. પછી ફોન પણ ઉઠાવતા નથી. જેથી ગામ લોકોએ આમ આદમી પાર્ટીને મત આપવાનું નક્કી કર્યું છે. અમારા ગામમાં કોઈ પણ પક્ષ હોય બાંકડા સિવાય કંઇ અમને મળ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.