તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્માષ્ટમીની ઉજવણી:કૃષ્ણ જન્મોત્સવમાં વડોદરાવાસીઓ ઘેલા થયા, સવારથી જ મંદિરોમાં માનવ મેદની ઉમટી, ઇસ્કોન સહિત મોટા મંદિરોમાં ડોગ સ્ક્વોડથી ચેકિંગ

વડોદરાએક મહિનો પહેલા
મંદિરોમાં ભાવિકોની ભીડ જામી.
  • નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલકી..ના જયઘોષ સાથે વડોદરા ગુંજી ઉઠ્યું
  • સોસાયટીઓને આસોપાલવના તોરણો અને ફૂલોના હારથી શણગારાઇ

નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલકી..ના જયઘોષ સાથે વડોદરા શહેરમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે. વહેલી સવારથી ગોત્રી ઇસ્કોન મંદિર, વૈષ્ણવ હવેલીઓ, રામજી મંદિરો સહિત સોસાયટીઓ, પોળો અને ઘરોમાં નંદલાલને રાત્રે 12ના ટકોરે વધાવવા માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મંદિરોમાં સવારથી શ્રધ્ધાળુઓનો દર્શન માટે ધસારો શરૂ થઇ ગયો હતો. તે સાથે બજારોમાં પણ બાળ ગોપાળ શ્રીકૃષ્ણના વાઘા, આભૂષણો સહિત વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે કૃષ્ણ ઘેલા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. શહેર પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઇસ્કોન સહિત મોટા મંદિરોમાં ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.

શ્રીકૃષ્ણને ઝૂલાવવા માટે પારણાંને શણગારવામાં આવ્યા
કૃષ્ણ જન્મોત્સવની પૂર્વ રાત્રે પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ વરસ્યા બાદ સવારથી શહેરમાં વાદળો ગોરંભાયેલા રહ્યા હતા. વરસાદી વાદળછાંયા વાતાવરણમાં શહેરીજનોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવાનો અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. શહેરના ઇસ્કોન મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ધામધૂમથી ઉજવવા માટે સવારથી જ મંદિરના સંતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિરના સંતો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને ઝૂલાવવા માટે પારણાંને શણગારવામાં માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. તે જ રીતે વૈષ્ણવ હવેલીઓ, સ્વામિનારાયણ મંદિર, રામજી મંદિરો અને પોળો તથા શહેરની સોસાયટીઓમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. મંદિરો, પોળો, સોસાયટીઓને આસોપાલવના તોરણો અને ફૂલોના હારથી શણગારી દેવામાં આવી હતી.

મંદિરોમાં ડોગ સ્ક્વોડથી ચેકિંગ.
મંદિરોમાં ડોગ સ્ક્વોડથી ચેકિંગ.

ડીજે મૂકી કૃષ્ણ જન્મોત્સવના વધામણાં
તે સાથે શહેરની બજારોમાં ભગવાન શ્રીકૃષ્ણના વાઘા, પારણા, આભૂષણો, પંજીરી, ફૂલહાર, પારણાના શુશોભનની ચીજવસ્તુઓ સહિત વિવિધ ચીજવસ્તુઓની ખીરીદી કરવા માટે લોકો ચાર દરવાજા વિસ્તારમાં ઉમટી પડ્યા હતા. શહેરીજનોમાં કૃષ્ણ જન્મોત્સવને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ-ઉમંગ જોવા મળ્યો હતો. બીજી બાજુ મંદિરો, સોસાયટીઓ અને પોળોમાં સવારથી ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવના વધામણાં કરતા ભજનોની રમઝટ શરૂ થઇ ગઇ હતી. વિવિધ વિસ્તારોમાં ડીજે મૂકી કૃષ્ણ જન્મોત્સવના વધામણાં કરતા ભજનો-ગીતો વગાડવામાં આવતા સમગ્ર શહેર કૃષ્ણમય ભક્તિમાં તરબોળ થઇ ગયું હતું.

ત્રીજી લહેરની સંભાવના વચ્ચે લોકો ગાઇડલાઇન ભૂલ્યાં
કોરોના મહામારીના કારણે ગત વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી મનાવી ન શકનાર શહેરીજનોમાં આ વખતે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે બેવડો ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતાઓ હોવા છતાં ભગવાનના જન્મોત્સવને ઉજવવા માટે ઘેલા બનેલા લોકોએ કોરોનાની ત્રીજી લહેરની દહેશતને ભૂલી જઇ જન્મોત્સવ મનાવવા માટે ઘેલા બન્યા હતા.

મંદિરોને શણગારાયા.
મંદિરોને શણગારાયા.

દર્શનાર્થીઓની જામેલી ભીડમાં કોરોનાની દહેશત ભૂલાઇ
સવારે મંદિરોમાં દર્શનાર્થીઓની જામેલી ભીડમાં કોરોનાની દહેશત ભૂલાઇ ગઇ હતી. મંદિરોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનનું પાલન થતું જોવા મળ્યું ન હતું. તે જ રીતે બજારોમાં ઉમટેલી ભીડમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું. લોકો કોરોનાનો ખતરો સંપૂર્ણ ટળી ગયો હોય તેમ સામાન્ય દિવસો સમજીને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે ઉત્સુક બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...