હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી મહારાજે અક્ષરધામ ગમન કરતાં તેમના વતન આસોજ ગામમાં લોકોએ આજે સ્વંયભૂ બંધ પાળ્યો હતો. સ્વામીજીએ તેમનું શિક્ષણ આસોજ ગામની સ્કૂલમાં જ મેળવ્યું હતું. સ્વામીજી અક્ષરનિવાસી થયાના સમાચાર મળતા જ આખુ ગામ શોકમગ્ન થઇ ગયું છે.
સ્વામીજીનું પ્રાગટ્ય 23 મે 1934ના રોજ આસોજમાં થયું હતું
હરિપ્રસાદ સ્વામીજીનું પ્રાગટ્ય 23 મે 1934ના રોજ વડોદરા જીલ્લાના આસોજ ગામમાં થયું હતું. ગોપાળદાસ પટેલ અને કાશીબાના તેઓ પુત્ર હતા. તેમનું પૂવાશ્રમનું નામ પ્રભદાસ હતું. વર્ષ-1955થી 1965 સુધી બહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સેક્રેટરી તરીકે સેવા આપી હતી. પાંચ બહેનોના એક જ ભાઇ એવા પ્રભુદાસને ગુરૂહરી યોગીજી મહારાજે ઈ.સ.1965ની એટલે કે, સંવત 2021ની વિજયા દસમી(દશેરા)ના મંગલદિને પાર્ષદી અને શરદપૂનમે ભાગવતી દીક્ષા આપીને 'હરિપ્રસાદ સ્વામી' નામ આપ્યું હતું.
સ્વામીજીએ બહેનોને બહેનો દ્વારા જ સંત દીક્ષાની પરંપરા શરૂ કરી
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સ્વધામગમન બાદ ઈ.સ.1971માં હરિપ્રસાદ સ્વામીજીએ પોતાના યુગકાર્યનો પ્રારંભ કર્યો હતો. તે પ્રમાણે ઈ.સ.2021નું વર્ષ તેઓના યુગકાર્યની સુવર્ણજયંતીનું વર્ષ છે. સ્વામીજીએ ગુરૂનું સ્વપ્ન સાકાર કરીને અંબરીશ મુક્તોનો સમાજ તૈયાર કર્યો છે. સ્વામીજીએ બહેનોના દર્શન-સ્પર્શ કર્યા વગર બહેનોને બહેનો દ્વારા જ સંત દીક્ષાની પરંપરા શરૂ કરી હતી. ‘કોઈ આત્મીય બને કે ન બને હે પ્રભુ! મારે આત્મીય બનવું છે!’ તેમનો આ જીવનમંત્ર આત્મીય સમાજની આગવી ઓળખ બની રહ્યો છે.
આસોજ ગામના લોકો શોકમાં ગરકાવ
અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજી મહારાજના વતન આસોજ ગામના લોકો શોકમાં ગરકાવ થઇ ગયા છે. ગામના લોકોએ આજે સ્વંયભૂ બંધ પાળીને સ્વામીજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.