અમદાવાદનો ધક્કો બચ્યો:આફ્રિકા-દક્ષિણ અમેરિકા સહિતના 46 દેશોની મુસાફરી માટે જરૂરી યલો ફીવરની રસી હવે વડોદરામાં પણ મળશે

વડોદરા13 દિવસ પહેલા
સુરસાગર તળાવ પાસે આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટરમાં યલો ફીવરની રસી ઉપલબ્ધ કરાવવામાં આવી છે - Divya Bhaskar
સુરસાગર તળાવ પાસે આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટરમાં યલો ફીવરની રસી ઉપલબ્ધ કરાવવામાં આવી છે
  • પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે મેયરના હસ્તે ઉદ્ઘાટન કરાયું

વડોદરા શહેરમાંથી આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોમાં જે લોકો સ્ટુડન્ટ, બિઝનેસ સહિતના વિઝા પર જાય છે તેમને યલો ફીવરની રસી ફરજિયાત રીતે લેવાની હોય છે. હા, રસી લેવા માટે અત્યાર સુધી વડોદરાના લોકોને અમદાવાદ જવું પડતું હતું. પરંતુ હવે વડોદરા શહેરમાં સુરસાગર તળાવ પાસે આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટરમાં યલો ફીવરની રસી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન આજથી વડોદરાના મેયર કેયુર રોકડિયા હસ્તે કરવામાં આવ્યું હતું.

બે દિવસ રસી મળશે
મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, એક સપ્તાહમાં બે દિવસ મંગળ અને ગુરુવારના દિવસે યલો ફીવરની રસી વડોદરામાં આપવામાં આવશે. રસી આપવાનો સમય મંગળ અને ગુરુવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ માટે 500 રૂપિયા આપવાના રહેશે. રસી લેનાર તેજસ કેતનભાઇ શાહે જણાવ્યું હતું કે, મારે દક્ષિણ આફ્રિકાના દેશ ઘાનાના અકક્રામાં જવાનું છે. જેથી મે યલો ફિવર વેક્સિન આજે લીધી છે. વડોદરા યલો ફિવર રસી આપવાનું શરૂ કરાયું તે ખુબ સારી વાત છે.

પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે મેયરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યં હતું
પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે મેયરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યં હતું

'યલો ફીવર’ શું છે?
એડિસ માદા મચ્છર એક વ્યક્તિને કરડયાં બાદ બીજા વ્યક્તિમાં ફેલાતો રોગ છે. વ્યકિતને મચ્છર કરડયાંનાં 3થી 6 દિવસમાં પ્રથમ તબક્કામાં તાવ, માથાનો દુખાવો, પીઠનો દુખાવો, અપચો, બેચેની અને વોમિટિંગ જેવી તકલીફો જોવા મળે છે. જયારે 'યલો ફીવર’ની લપેટમાં આવેલા કેટલાક લોકોને બીજા તબક્કામાં ગંભીર ઝેરી અસરો થાય છે, જેમાં હાઇગ્રેડ ફીવર, કમળો થતાં લિવર ડેમેજ, પેટમાં સખત દુખાવો, મોઢામાંથી લોહી પડવું જેવી તકલીફો બાદ દર્દીના લિવર, કિડની અને હૃદય પરમેનેન્ટ ડેમેજ થતાં બે અઠવાડિયામાં મોત થવાની સંભાવના હોવાથી 'યલો ફીવર’ની વેક્સિન મૂકાવવી ફરજિયાત છે.

યલો ફીવરની રસીનું વિશ્વ આરોગ્ય સંસ્થા માન્ય કેન્દ્રમાં રસીકરણ કરાવવું જરૂરી છે
યલો ફીવરની રસીનું વિશ્વ આરોગ્ય સંસ્થા માન્ય કેન્દ્રમાં રસીકરણ કરાવવું જરૂરી છે

યલો ફીવર અને તેની વેક્સિન વિશે માહિતી

  • આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં યલો ફીવરએ મુખ્ય જાહેર આરોગ્ય સમસ્યા છે.
  • વિશ્વભરમાં દર વર્ષે અંદાજીત 2 લાખ કેસ અને 30 હજાર મોત નોંધાય છે. જેમાં પુખ્ત વયના લોકોમાં કેસ મુત્યુદર 20થી 50 ટકા
  • યલો ફિવરની કોઇ ચોક્કસ સારવાર નથી
  • આ રસીની શોધ 1936માં મેક્સ થિલર અને તેના સાથીઓએ કરી હતી.
  • મેક્સ થિલરને 1951માં 17D યલો ફિવરની રસી વિકસાવવામાં તેમના કામ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
  • દક્ષિણ અમેરિકાના 13 દેશો અને આફ્રિકાના 33 દેશો એમ કુલ 46 દેશોમાં મુસાફરી કરતી વ્યક્તિ માટે આ રસી ભલામણ કરવામાં આવે છે.
  • યલો ફીવરની રસીનું વિશ્વ આરોગ્ય સંસ્થા માન્ય કેન્દ્રમાં રસીકરણ કરાવવું જરૂરી છે.
  • આજદિન સુધી ભારતમાં WHO માન્ય કુલ 22 રાજ્યોમાં કુલ 44 રસીકરણ કેન્દ્રો કાર્યરત છે. જે પૈકી ગુજરાતમાં કુલ 6 રસીકરણ કેન્દ્રો ગાંધીગનર, પોરબંદર, ન્યુ કંડલા, અમદાવાદ, જામનગર અને સુરતમાં કાર્યરત છે અને હવે વડોદરામાં રાજ્યનું સાતમું કેન્દ્ર આજથી કાર્યરત થયું છે.
  • વડોદરામાં સુરસાગર તળાવ પાસે પદ્યામતી શોપિંગ સેન્ટરના પ્રથમ માળે સપ્તાહમાં બે દિવસ મંગળ અને ગુરુવારે બપોરે 3 થી 5 વાગ્યા સુધી 500 રૂપિયા ફી ચુકવીને આ રસી લઇ શકાશે.
અન્ય સમાચારો પણ છે...