વડોદરા શાર્પ શૂટર ફરાર કેસ:એન્થોની સાથે હોટલમાં બિરીયાનીની મિજબાની કરનાર ત્રણની પોલીસે ધરપકડ કરી

વડોદરા10 દિવસ પહેલા
ગુનામાં સંડોવાયેલા અજય રામચંદ્ર ગાયકવાડ, કશ્યપ રણજીત સોલંકી અને મેહુલ ભરત ચૌહાણની ધરપકડ.
  • અત્યાર સુધીમાં સંડોવાયેલા 8 આરોપીઓની ધરપકડ કરાઈ

શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની ફરાર થવાના ચકચારી પ્રકરણમાં એન્થોની સાથે બિરીયાનીની મિજબાની મારનાર ત્રણની સયાજગંજ પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં પોલીસે આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાંચ મેના રોજ ઘટના બની
છોટાઉદેપુર પોલીસ હેડ કવોટર્સના રિઝર્વ પી.આઈ. આર.સી. રાઠવા આરોપીઓની હોસ્પિટલમાં સારવાર માટેના જાપ્તા સાથે બંદોબસ્ત સહિતની કામગીરી સહિતની ફરજ બજાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, પાંચમી મેના રોજ છોટાઉદેપુર સબ જેલ તરફથી અનિલ ઉર્ફે એન્થોની, જીતુ શંકર વાઘરી તથા ધન્યાભાઈ ખાતરીયા ભાઈ ભીલને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની યાદી મળી હતી. જેના આધારે ક્યુઆરટીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા જયંતીલાલ ડામોર સાથે અ. પો. કોન્સ્ટેબલ સુભાષભાઈ શંકરભાઈ, અ. પો. કોન્સ્ટેબલ અજય ભાઈ રામજીભાઈ, આર્મ લોકરક્ષક કલ્પેશજી સોમાજી અને આઉટ પોસ્ટના ડ્રાઇવર જગદીશભાઈ સનાભાઇની ફાળવણી કરી હતી.

ગેરકાયદેસર રીતે આરોપીને દીકરીને મળવા લઈ ગયા
આરોપીઓ સાથેનો જાપ્તો છોટાઉદેપુર સબજેલથી વડોદરા સયાજી હોસ્પિટલ સારવાર માટે રવાના થયો હતો. દરમિયાન અનિલ ઉર્ફે એન્થોની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પી.એસ.આઇ જે.પી. ડામોર પાસેથી નાસી છૂટ્યો છે. પી.એસ.આઇએ કબૂલાત કરી હતી કે,અનિલ ઉર્ફે એન્થોનીને સારવાર માટે સયાજી હોસ્પિટલના વોર્ડમાં લઈ ગયા હતા. પરંતુ તબીબ હાજર ના હોય 11 મે ના રોજ સારવાર માટે ફરી લઈ આવવા જણાવ્યું હતું. અમે આરોપી સાથે બહાર લોબીમાં હતા. તે સમયે એન્થોનીએ તેની નાની દીકરીને હોટેલ પૂજા ખાતે મળવાની જીદ કરી હતી. જેથી એન્થોનીએ મંગાવેલી અર્ટિકા કારમાં સન્ની પંચોલી અને ડ્રાઇવર સાદિક મકરાણી સાથે પુજા હોટલ ગયા હતા. જ્યાં પીએસઆઇએ પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવી ગેરકાયદેસર રીતે આરોપીને દીકરીને મળવા હોટલ લઈ જતા મોકાનો લાભ ઉઠાવી એન્થોની પત્ની દીકરી તથા બહેન સાથે ફરાર થઈ ગયો હતો.

હજુ અન્યની પણ ધરપકડ કરવામાં આવશે
સયાજગંજ પોલીસ મથકના પી.આઇ. આર.જી. જાડેજાએ જણાવ્યું હતું કે આ ગુનામાં સંડોવાયેલા અજય રામચંદ્ર ગાયકવાડ, કશ્યપ રણજીત સોલંકી અને મેહુલ ભરત ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય હોટલમાં એન્થોની માટે બિરીયાની લઈ આવ્યા હતા. અને સાથે બેસીને જમ્યા હતા. અત્યાર સુધીમાં સંડોવાયેલા 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અને હજુ અન્યની પણ ધરપકડ કરવામાં આવશે.

અત્યાર સુધીમાં કોની ધરપકડ કરવામાં આવી?

  • જે.પી.ડામોર- પી.એસ.આઇ
  • સુમનબેન- એન્થોનીની પત્ની
  • જયશ્રીબેન- એન્થોનીની બહેન
  • સુનિલ પુજાભાઈ પરમાર- પૂજા હોટલ મેનેજર
  • મનીષભાઈ દિનેશભાઈ મેકવાન- પૂજા હોટલ રૂમ બોય
  • અજય ગાયકવાડ
  • કશ્યપ સોલંકી
  • મેહુલ ચાવડા